National

દેશમાં કોરોનાનો બીજો દોર ખાળવા ઝડપી રસીકરણ જરૂરી: નિષ્ણાતો

ભારતમાં જ્યારે આજે ૮૩ દિવસમાં સૌથી ઉંચા નવા દૈનિક કેસો નોંધાયા હતા ત્યારે દેશ કોરોનાવાયરસના રોગચાળાના નવા મોજા તરફ આગળ વધી શકે છે અને વૈજ્ઞાનિકો કહે છે કે આ નવું મોજું ખાળવા માટે મહત્તમ સંખ્યામાં લોકોનું રસીકરણ કરવામાં આવે તે સાથે જ યોગ્ય કોવિડ-અનુરૂપ વર્તણૂકનું પાલન કરવામાં આવે. વૈજ્ઞાનિકો માને છે કે દેશમાં આ બીજો વેવ હજી ન પણ હોય છતાં આપણે વધતા કેસોને ચિંતા ગણીને ખરાબ માટે તૈયાર રહેવું જોઇએ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે શનિવારે કોવિડ-૧૯ના નવા ૨૪૮૮૨ કેસો નોંધાયા છે, જે એક દિવસ પહેલા ૨૩૨૮પ નોંધાયા હતા, જે સાથે જણાય છે કે દેશમાં કેસોનો ગ્રાફ ફરીથી સતત વધવા માંડ્યો છે. જ્યારે લાલ ઝંડી ફરકવા માંડી છે ત્યારે આ નવું મોજું છે કે કેમ? તે બાબતે મતભેદ છે.

વૈજ્ઞાનિકો એ બાબત સમજવા ઝઝૂમી રહ્યા છે કે શા માટે અને કેવી રીતે આ કેસોમાં ઉછાળો આવ્યો પરંતુ તેઓ એ બાબતે સહમત છે કે આ રોગની વધતી ગતિને રોકવા માટે કોવિડ-૧૯ના નિમયોનું પાલન અને રસીકરણ અભિયાનમાં વધુ લોકોને આવરી લેવામાં આવે તે જરૂરી છે.

સીએસઆઇઆરના ડિરેકટર અનુરાગ અગરવાલે જણાવ્યું હતું કે આ સંસ્થાના વૈજ્ઞાનિકો એ વાત સમજવા પ્રયાસ કરી રહ્યા છે કે દેશમાં કેસોમાં વધારો એ વાયરસના વધુ ચેપી નવા પ્રકારને કારણે થયો છે કે પછી લોકો પૂર્વસાવચેતીના પગલાઓ યોગ્ય રીતે લેતા નથી તે બાબત કારણભૂત છે.

દેશમાં હાલમાં રોગચાળાનું નવું સ્વરૂપ ચાલી રહ્યું છે કે કેમ? તે બાબતે કોઇ સ્પષ્ટતા નથી ત્યારે કેટલીક બાબતો ચોક્કસ છે અને તે એ કે રોગચાળો રોકવા માટે કોવિડને અનુરૂપ વર્તણૂક અને રસીકરણ આ રોગચાળો ફેલાતો અટકાવવા માટેના યોગ્ય માર્ગો છે એ મુજબ તેમણે જણાવ્યું હતું.

ભારતમાં ઘરઆંગણે જ કોરોનાવાયરસનું નવું સ્વરૂપ વિકસી શકે: નિષ્ણાતની ચેતવણી
સીએસઆઇઆરના ડિરેકટર રાકેશ મિશ્રાએ ચેતવણી આપી છે કે જો હાલનો પ્રવાહ ચાલુ રહે તો નવું મોજું આવી શકે અને વાયરસના નવા, દેશમાં જ વિકસેલા વેરિઅન્ટ્સ ઉપસી શકે.

વધુ એક મોજાની શક્યતા છે અને આ કદાચ મહારાષ્ટ્ર સહિત બે જેટલા રાજયોમાં શરૂ થઇ પણ ગયું છે પરંતુ માર્ગદર્શિકા અને કોવિડ માટેના નિયમોના યોગ્ય પાલનથી આ ટાળી શકાય છે એ મુજબ તેમણે જણાવ્યું હતું. તેમણે એવી ખાસ ચેતવણી આપી હતી કે જો હાલનો પ્રવાહ ચાલુ રહે તો ભારતમાં કોરોનાવાયરસના નવા બદલાયેલા સ્વરૂપ ઉદભવી શકે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top