Columns

જગતભરમાં ડોલર મજબૂત થયો તે માટે શું ભારત જવાબદાર?

હમણાં ડોલર સામે રૂપિયાની કિંમત ઘટી રહી છે તે માટે નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિઓ જવાબદાર ગણાવાઈ રહી છે. પ્રચાર કરનારાઓ અર્ધસત્ય હકીકતો દ્વારા અફવાઓ ફેલાવી રહ્યા છે. કોંગ્રેસને દોડવું હતું અને ઢાળ મળી ગયો. વાસ્તવમાં રૂપિયો નબળો પડવાનું કારણ એક વિશેષ વૈશ્વિક પરિસ્થિતિ છે અને તેનું મૂળ યુક્રેન-રશિયા વચ્ચેનું યુધ્ધ છે. એવું નથી કે માત્ર ભારતમાં જ રૂપિયો નબળો પડ્યો છે. બીજા દેશોનું ચલણ જે હદે ડોલર સામે નબળું પડ્યું છે એટલા પ્રમાણમાં રૂપિયો નબળો પડ્યો નથી. ઘણા નવરા પત્રકારો, ખાસ કરીને દીપક શર્મા અને અશોક વાનખેડે જેવા યુ-ટ્યુબમાં વીડિયો ઘુસાડીને સ્થિતિની મજા લઈ રહ્યા છે. રૂપિયો તૂટવાથી તેઓ ભાવ-વિભોર થઈ ગયા છે. આ છે તેઓની રાષ્ટ્ર પ્રત્યેની ભાવના. કોંગ્રેસી ચમચાઓને લોકો જાણી ગયા છે.

રૂપિયો વર્તમાન પરિસ્થિતિને કારણે નબળો પડ્યો છે તો જગતના બીજા ક્રમનું અર્થતંત્ર ચીનનું ચલણ યુઆન અથવા રિનમિનબી પણ ડોલર સામે નબળું પડ્યું છે. ચીને પોતાના ચલણની કિંમત નક્કી કરવા માટે ઘણી પોતીકી પ્રણાલીઓ અપનાવી હોવા છતાં ડોલર સામે ચીની ચલણનું મૂલ્ય ઘટી રહ્યું છે. યુઆન વરસોથી ડોલર સામે મજબૂત હતો તે પણ નબળો પડે તો બીજા દેશોનું ક્યાં પૂછવું? આપણા દેશની પાકિસ્તાન અને ચીન સાથે ગણતરી ન થઈ શકે પણ સંયુક્ત યુરોપનું ચલણ યુરો, જેનું મૂલ્ય એક સમયે ડોલર કરતાં સવાયાથી દોઢાની વચ્ચે રહેતું હતું તેની કિંમત પણ ખાસ્સી ઘટી ગઈ છે. એટલા પ્રમાણમાં તો રૂપિયો પણ નથી ઘટ્યો. આજે એક ડોલરમાં એક યુરો મળે છે. અગાઉ સવા કરતાં વધુ ડોલર એક યુરો માટે ચૂકવવા પડતા હતા. જો જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઈટલી, પોર્ટુગલ, સ્વીડન વગેરેનાં કોમન ચલણનું મૂલ્ય ઘટી જાય તો રૂપિયો તેમાંથી કેવી રીતે બાકાત રહે? પાકિસ્તાન કે શ્રીલંકા સાથે આપણી સરખામણી થઈ ના શકે પરંતુ બે-ત્રણ વરસ અગાઉ ડોલર સામે ભારતીય રૂપિયાનું જે મૂલ્ય હતું તેના કરતાં પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય થોડુંક જ ઓછું હતું. વરસ 2018ના પ્રારંભમાં ભારતીય 68 રૂપિયામાં એક ડોલર હતો ત્યારે એક ડોલર સામે પાકિસ્તાનના લગભગ 110 રૂપિયા મળતા હતા. આજે એક ડોલર ખરીદવા માટે 210 પાકિસ્તાની રૂપિયા ચૂકવવા પડે છે.

શ્રીલંકા, નેપાળ, પાકિસ્તાન વગેરે દેશોમાં એક તો સ્થિતિ ખરાબ હતી જ. તેમાં આ યુધ્ધ સંકટે તેઓને સાવ બેહાલ કરી દીધા છે. ભારત સરકારે વચ્ચે એક-દોઢ મહિનાની લાપરવાહી બાદ કરતાં કોરોના સંકટનો વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ રીતે સામનો કર્યો છે. એ લાપરવાહી અને ગંગામાં મૃતદેહો તરતાં મૂકવાની સાજીશ, કાવતરાં વખતે દર્શાવેલી લાપરવાહીમાં અમરેલીના એક કવયિત્રીને કાવ્ય લખવાની તક મળી, તે આ દેશની સુંદર લોકશાહીને કારણે શક્ય બન્યું? ક્યાં કોઈનો અવાજ રૂંધવામાં આવ્યો? હમણાં જ જાણીતા પત્રકાર પુણ્ય પ્રસુન વાજપેયીએ એક કાર્યક્રમ દરમિયાન ઘટસ્ફોટ કર્યો કે સરકારની ટીકા નહીં કરવા માટે મોદી સરકાર દ્વારા અમારા પર કોઈ દબાણ ન હતું. એણે તો ત્યાં સુધી કહ્યું કે મનમોહન સિંહ સરકાર વખતે દબાણ આવતું હતું. આપણે જોઈએ છીએ કે NDTVના રવિશ કુમારનો સતત ઘરમાં બેસીને ચાલી રહેલો એક તરફી બબડાટ ચાલુ છે. કંઈ ન મળ્યું તો કોરાનામાં મોદી સરકારની કામગીરીની તુલના કોંગ્રેસ સરકારના સમયના પોલીઓ ટીકાકરણ અભિયાન સાથે કરી નાખી. જરૂરી નથી કે ગધેડાઓને ચાર પગ જ હોય. વાસ્તવમાં કોરોના સંકટમાં દુનિયાના કોઈ દેશે લોકોને બબ્બે વરસ સુધી સાવ મફતના ભાવમાં જોઈએ એટલું અનાજ આપ્યું નથી. એ પણ લગભગ 141 કરોડમાંથી લગભગ 80 કરોડ જનતાને!

દેશની વસતિ અને સમસ્યાઓ તોતિંગ છે. તેમાં 3-3 વખત મફત રસીકરણ, તે પણ પૂર્ણત્તમ કાર્યક્ષમતા અને પ્રજાને કોઈ રીતે તકલીફ ન આવે તે રીતે કરવું તે હુકમશાહીથી ચાલતા ચીનમાં પણ મુશ્કેલ રહ્યું હતું ત્યારે ભારતમાં સફળતાપૂર્વક પૂરું થયું. તે માટે દેશની પ્રજા પણ યશની અધિકારી છે. એકલદોકલ કિસ્સાઓને ચગાવીને સરકારની ટીકા કરવાનું આસાન છે. દરેક ઘટનામાં BJPના કોઈક અગડમ બગડમ કાવતરાંને જોડી દેવું સરળ છે પરંતુ સૌથી શ્રીમંત દેશ અમેરિકા કોરોના સંકટ સામે લડવામાં ભારત જેટલો સફળ રહ્યો નથી. આટઆટલી જનતાને પરિસ્થિતિવશ જમવાનું આપ્યું, સબસીડીઓ આપી. આપણે પૂછતાં હતાં કે ડીઝલ સસ્તું હતું ત્યારે સરકાર જે પૈસા કમાઈ તે ક્યાં નાંખ્યા? આ તેનો જવાબ છે. સરદાર મનમોહન સિંહે કહ્યું હતું કે, ‘પૈસા ઝાડ પર નથી ઊગતાં.’

કોંગ્રેસ પણ એર-ઇન્ડિયાને વરસોથી વેચું વેચું કરી રહી હતી. યાદ હશે કે ભારતના ગોદામો, રેલયાર્ડોમાં બેસુમાર અનાજ સડી જતું હતું. મીડિયા ખૂબ ટીકા કરતું ત્યારે પણ મનમોહન સિંહ સરકાર જાગતી ન હતી. મહિનાઓ બાદ મનમોહન બોલ્યા હતા કે અનાજ ભલે સડી જાય પણ એમ ગરીબોને મફતમાં આપી શકાય નહીં. મોદી સરકાર સંવેદનશીલ છે. ખેડૂતો માટેના કાયદાઓ ખરેખર ખેડૂતો માટે હિતકારી બનવાના હતા છતાં પાછા ખેંચી લીધા.

કેન્દ્ર સરકાર વિરોધી લોબીને રાફેલ, કિસાન કાયદા, બેરોજગારી વગેરેના બુઠ્ઠા થઇ ગયેલા મુદ્દાઓ બાદ હવે ડોલર અને રૂપિયાનો મુદ્દો મળ્યો છે. કોંગ્રેસના મલવિક્રેતા પત્રકારોએ હમણાં વીડિયો અપલોડ કરી કે સરકાર ભયંકર આર્થિક ભીંસમાં છે. કોરોનામાં આવડી મોટી પ્રજાને મફતમાં વરસો સુધી જમવાનું આપ્યું. અનેક મસમોટા માળખાકીય બાંધકામો પૂરાં કર્યાં અને નવાં હાથ ધર્યા છે ત્યારે સરકાર ખરેખર આર્થિક ભીંસમાં હોવી જોઈએ. હોય તો નવાઈ નથી પણ નથી. જે દિવસે એ અફવાબાજોએ વીડિયો અપલોડ કર્યો એ જ દિવસે મહારાષ્ટ્ર રાજ્યની BJP-શિવસેનાની સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ઘટાડો કર્યો.આજે જગતમાં પેટ્રોલ – ડિઝલની કિંમતો ખૂબ વધી ગઇ છે. જયાં અપાર તેલ-ગેસના ભંડારો ભરેલા છે તે અમેરિકામાં ગેસની કિંમતોથી લોકો પરેશાન છે. લંડનમાં આજે એક લિટર પેટ્રોલ ખરીદો તો ભારતીય રૂપિયામાં તેની કિંમત 200 રૂપિયાથી વધુ થાય. ભારત જ માત્ર એવો દેશ છે જયાં ઇંધણની કિંમતો ઘટાડવામાં આવી છે. શ્રીમંતોના, નેતાઓના પ્રવાસ માટે નોકરિયાતો અને ગરીબોના ટેકસના અબજોના અબજો રૂપિયા કોંગ્રેસની સરકાર ચાર ચાર દાયકાથી બાપની ખેતી હોય એ અદાથી ઉડાડતી આવી હતી. એ બંધ કરાયું તો ભારદ્વાજ ગૌત્રના કૌલવંશી કુટુંબની પાચનશક્તિ મંદ પડી ગઈ. બેચેની વધી ગઇ. કાગારોળ મચાવી કે કોંગ્રેસે ઊભાં કરેલાં નવરત્નો સરકાર વેચી રહી છે. અરે? શેનાં નવરત્નો? જે રત્નો દેશને રોજ કંગાળ બનાવે તે જીવતાં સફેદ હાથી કહેવાય. તેના કરતાં માયાવતીના હાથી સારા. રોજ ખાવાનું તો ન માગે.

ફરી ડોલરની વાત પર આવીએ. જગતભરની ખાનગી કંપનીઓ કે જેનો ભારતમાં અલ્પ માત્રામાં કારોબાર છે. તેઓને પણ હમણાં ઊથલપાથલને કારણે ખૂબ મોટું નુકસાન થયું છે. નવી ફીનટેક કંપનીઓએ 500 અબજ ડોલર ગુમાવ્યા છે. અમેરિકન નાગરિકો અને નાણાંકીય સંસ્થાઓની એ દાયકાઓ જૂની ફિતરત રહી છે કે જયારે દુનિયામાં અશાંતિ ફેલાય અથવા તેના અણસારો જણાય તો અમેરિકનો વિદેશોમાં રોકેલા ડોલર પાછા ખેંચી લેવા માંડે છે. ખાસ કરીને અમેરિકી મૂડી-રોકાણ કંપનીઓ.

ભારતના શેરબજાર વગેરેમાં કરેલું રોકાણ ઘરભેગું અમેરિકા કરવા માટે ભારતીય રૂપિયાની મૂડી વેચીને ડોલર ખરીદવા માંડે છે. આવું તેઓ આખા જગતમાં કરેલા મૂડીરોકાણ બાબતમાં કરે છે. જગતભરમાં ડોલરની માગ વધવાથી તેનું મૂલ્ય વધે છે અને સામે સ્થાનિક મૂલ્યની કિંમત ઘટે છે. આ ઉછાળો વિશ્વભરમાં નોંધાય. આથી તેઓ ભારતમાંથી મૂડીરોકાણ ઉઠાવી જાય કે ન ઉઠાવી જાય તો પણ જગતમાં ડોલર મોંઘો થવાથી રૂપિયાની કિંમત ઘટે છે. આવા સંજોગોમાં ડોલર એક કોમોડિટીની માફક વર્તે છે. આવી સ્થિતિ 4-6 મહિના કે વરસ ચાલે તો હંગામી કહેવાય અથવા યુદ્ધ લાંબું ચાલે એ સમય દરમિયાન જગતની સપ્લાય ચેઇનો, ઉદ્યોગો ખોરવાયેલાં રહે તો પણ હંગામી કહેવાય.

ઘણી વખત યુદ્ધ પૂરું થાય તો અને ઘણી વખત ખૂબ લાંબું ચાલે તો પણ દુનિયા અન્ય માર્ગો દ્વારા રાબેતાની સ્થિતિ સ્થાપી લે છે. આખરે ચલણનું મૂલ્ય પણ પાણીની માફક પોતાની સપાટી શોધી લે છે. તે સાચું મૂલ્ય ગણાય પણ તેમ થવામાં વાર લાગે છે. જો રાબેતાની સ્થિતિમાં રૂપિયાની કિંમત સતત ઘટતી રહે તો અર્થતંત્રમાં ખામી છે તેમ સમજવું. હમણાં ગુજરાતમાં પુષ્કળ વરસાદ ઘણા દિવસોથી પડી રહ્યો છે.

ખેડૂતો ખેતરમાં ઘૂસી શકતાં નથી, ઘૂસે તો શાકભાજી શહેરો સુધી પહોંચાડી શકતા નથી. આ દિવસોમાં શાકભાજી પુષ્કળ હોય તો પણ તેના ભાવ ખૂબ ઊંચે જાય. તેનો અર્થ એમ ન સમજવો કે મોંઘવારી કાયમ માટે વધી ગઇ છે. સપ્લાય ચેઇનો કપાઈ જવાથી અમેરિકામાં હમણાં શિશુ આહાર, બેબીફૂડની કારમી તંગી પેદા થઇ હતી. ડોલર મજબૂત થયો છે તો પણ એવું થયું. એક દિવસ સંજોગોવશાત સાકર વગેરે વધુ ખાવાથી ડાયાબિટિસ વધી જાય પણ ડાયાબિટિસ જાણ્યાનું તે સાચું માપ નથી. છેલ્લા 6 મહિનામાં કે 3 મહિનામાં એવરેજ પ્રમાણે કેટલું રહ્યું તે જાણવાથી ખરું માપ નીકળી શકે.

જગતભરમાં એક મહામંદી માટેનું વાતાવરણ તૈયાર થઇ રહ્યું છે. તેવી ઘણા સમયથી કેટલાક અર્થશાસ્ત્રીઓ આગાહી કરી રહ્યા છે. તે કદાચ આવે અને ન પણ આવે. સતર્ક રહેવું સારું, તૈયારીઓ કરવી સારી પણ કારણ વગર જ આપણા દેશના લોકોને ડરાવવા તે કુપ્રચાર છે. મંદી કદાચ ન આવે તેનું કારણ એ છે કે આજે જેટલું જાગૃતિકરણ થયું છે, ઉદ્યોગોનો,ધંધાનો, આદાન પ્રદાનનો જગતમાં જેટલો ફેલાવો થયો છે તેવો અગાઉ કયારેય ન હતો. છતાં 2008માં આર્થિક તંગી આવી હતી. બેઉ બાજુ શકયતા છે. આવી સ્થિતિમાં ખીખીખીખી હસવાને બદલે સાચી વાત ફેલાવવાની જરૂર છે પણ કેટલાક મનહૂસ લોકોને મનહૂસ સમાચારોમાં જ રસ હોય છે. હમણાં જગતમાં ઊથલપાથલ ચાલે છે. તૈયારીઓ બધી રાખવી પણ ડરવાની જરૂર નથી.

Most Popular

To Top