Dakshin Gujarat

સાપુતારા ઘાટમાં ભેખડો ધસી પડવાના લીધે ડાંગના આ 6 માર્ગો હજી પણ બંધ

સાપુતારા : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં (Saputara) આહલાદક વાતાવરણ પરંતુ ભેખડો ધસવાની (Landslide) ઘટનાનાં પગલે નહીંવત પ્રવાસીઓ (Tourist) આવતા મંદીનો માહોલ સર્જાયો છે. ડાંગ (Dang) જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી વરસાદી (Rain) જોર ધીમુ પડતા લોકો રાહતનાં મૂડમાં જણાઈ રહ્યા છે. ઉપરાંત વરસાદી જોર ધીમુ પડતા ખેડૂતો ડાંગરની રોપણીમાં જોતરાઈ ગયા છે. જ્યારે વરસાદી તાંડવે સાપુતારાથી શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ભારે તારાજી સર્જતા કાળમીંઢ પથ્થરો, વૃક્ષો, માટી અને મલબો માર્ગ પર ધસી પડતા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો હતો. જેને પગલે પ્રવાસીઓથી ભરચક રહેતા સાપુતારામાં હાલમાં પ્રવાસીઓ નહીં આવતા મંદીનો માહોલ સર્જાયો છે.

  • મંગળવારે પણ ચીખલા – મહાલને જોડતા માર્ગ પર ભુસ્લખલન થતા માર્ગ બંધ કરાયો
  • ડાંગના આહવામાં 1.48 ઈંચ, સુબિરમાં 1.52 ઈંચ, સાપુતારામાં 1 ઈંચ, જ્યારે વઘઇમાં 1.52 ઈંચ વરસાદ નોંધાયો

જો કે સાપુતારા ઘાટમાર્ગમાંથી તંત્રએ ભેખડોનો કાટમાળ ખસેડી દીધો છે. અને નાના વાહનો માટે સવારે 5 વાગ્યાથી રાત્રીનાં 10 વાગ્યા સુધી ખુલ્લો રાખવાની છૂટછાટ આપી છે. પરંતુ આ ઘાટમાર્ગમાં હજી પણ વૃક્ષો નમી જવા સાથે કાળમીંઢ શીલાઓ હમણા પડુ કે કાલે પડુનું નિમંત્રણ માંગતા પ્રવાસીઓની સુરક્ષા સામે ખતરો મંડરાઈ રહ્યો છે. ગિરિમથક સાપુતારામાં ખુશનુમામય વાતાવરણ છવાઈ રહ્યુ છે. પરંતુ સાપુતારા ઘાટમાર્ગનાં ભેખડોનાં ધસવાનાં પગલે પ્રવાસીઓ આવવાનું ટાળતા મંદીનો માહોલ સર્જાયો છે.

ડાંગ જિલ્લાનાં મુખ્ય નદી પર નીચાણવાળા ભાગો પર આવેલા છ માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયેલા હોઈ આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રહેવા પામ્યા હતા. જે છ જેટલા માર્ગો અને કોઝવે ઉપર હજી પણ વરસાદી પાણીને કારણે વાહન વ્યવહાર માટે બંધ રહ્યો છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં આહવામાં 1.48 ઈંચ, સુબિરમાં 1.52 ઈંચ, સાપુતારામાં 1 ઈંચ, જ્યારે વઘઇમાં 1.52 ઈંચ વરસાદ નોંધાયો હતો.

પાણી ભરાયેલા રહેતા છ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રહ્યા
(1) શિંગાણા-ધુલદા રોડ અને વઘઈ તાલુકાનાં (1) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ (2) કુડકસ-કોશિમપાતળ રોડ (3) ખાતળ ફાટકથી ઘોડી રોડ (4) માછળી-ચીખલા-દિવડયાવન રોડ અને (5) પાતળી-ગોદડીયા રોડ વાહન વ્યવહાર માટે બંધ થવા પામ્યા છે. આ 6 માર્ગો બંધ થવાથી 9 ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે.

Most Popular

To Top