World

રેકોર્ડબ્રેક ગરમીથી ઇંગ્લેન્ડમાં દાવાનળ: લંડનમાં ઘરો સળગ્યાં

લંડન(London): યુકે(UK)એ ગરમીની બાબતમાં આજે એક અનિચ્છનીય વિક્રમ સર્જયો હતો. આજે કેટલાક સ્થળે તાપમાન(temperature) 40 ડીગ્રીને વટાવી ગયું હતું અને બ્રિટન(Britain)ના અત્યાર સુધી નોંધાયેલા ઇતિહાસમાં મંગળવારનો દિવસ એ સૌથી ગરમ દિવસ રહ્યો હતો. યુરોપ(Europe)ના પોર્ટુગલ(Portugal), સ્પેન(Spain) અને ફ્રાન્સ(France)માં સખત ગરમીના કારણે દાવાનળો સળગી રહ્યા છે ત્યારે બ્રિટનમાં અભૂતપૂર્વ ગરમીનો સામનો કરી રહેલા ઇંગ્લેન્ડ(England)ના દક્ષિણ ભાગમાં પણ આજે જંગલ ઝાડીઓમાં આગના બનાવો બન્યા હતા અને રાજધાની લંડનમાં ઝાડીઓની આગની અડફેટે ચડતા પાંચ મકાનો(House) બળી(Burn) ગયા હતા.

  • બ્રિટનમાં ઇતિહાસનો સૌથી ગરમ દિવસ નોંધાયો: તાપમાન 40 ડીગ્રી પર પહોંચ્યું
  • લંડનમાં ફાયરબ્રિગેડની દોડાદોડ, હીથ્રો એરપોર્ટ પર બપોરે તાપમાન 40.2 સેલ્સિયસ નોંધાયું,
  • ગરમીથી બચવા જળાશયોમાં નહાવા પડેલા ઓછામાં ઓછા પાંચ જણા ડૂબી ગયા

અપમિન્સ્ટર અને ડેટફોર્ડના પ્રદેશોમાં મોટી આગના બનાવો નોંધાયા હતા, જ્યારે કોર્નવોલના ઝેન્નોરમાં પણ એક મોટી આગ ફાટી નીકળી હતી. પૂર્વ લંડનમાં ઝાડીઓમાં લાગેલી આગની ઝાળ લાગતા પાંચ મકાનો સળગી ઉઠ્યા હતા અને લગભગ નષ્ટ થઇ ગયા હતા. લંડન ફાયર બ્રિગેડે ‘મોટી ઘટના’ની જાહેરાત કરી હતી તથા અનેક વિસ્તારોમાં ફાયર બ્રિગેડના બંબાઓની દોડા દોડી જોવા મળી હતી.

લિંકનશાયરમાં 40.3 ડીગ્રી, અનેક સ્થળે તાપમાન 38 ડીગ્રીને પાર
આગાહી મુજબ જ બ્રિટનમાં આજે સખત ગરમીનું મોજું રહ્યું હતું તથા અનેક સ્થળે તાપમાન 38 ડીગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું જે ત્યાંના હિસાબે ઘણું વધારે તાપમાન કહેવાય. આમાં પણ લંડનના હીથ્રો એરપોર્ટ પર તો સ્થાનિક સમય પ્રમાણે બપોરે 12.50 કલાકે તાપમાન 40.2 ડીગ્રી સેલ્સિયસ(104.4 ફેરનહીટ) જેટલું અભૂતપૂર્વ નોંધાયું હતું. સરેમાં આવેલ ચાર્લવુડમાં તાપમાન 39.1 ડીગ્રી સેલ્સિયસ પર બપોર પહેલા પહોંચી ગયું હતું અને તેણે અહીં અગાઉ નોંધાયેલ ઉંચા તાપમાનનો રેકર્ડ તોડી નાખ્યો હતો, અગાઉ અહીં 2019માં 38.7 ડીગ્રી સે તાપમાન નોંધાયું હતું. જ્યારે લિંકનશાયરના કનિંગ્સબેમાં તો બપોરે તાપમાન 40.3 ડીગ્રી સેલ્સિય જેટલું ગયું હતું.

શાળાઓમાં રજા આપી દેવાઇ, અનેક ટ્રેનો રદ
હવામાન વિભાગે એવી પણ ચેતવણી આપી છે કે આ તાપમાનના આંકડા છેવટના નથી અને તાપમાન હજી પણ વધી શકે છે અને અન્ય પ્રદેશોમાંથી દિવસના જુદા જુદા સમયે હજી ઉંચા આંકડા આવી શકે છે. હવામાન વિભાગે જીવનના જોખમની આગાહી કરી હતી અને પરિણામે લાખો લોકોએ કામ માટે ઘરેથી બહાર જવાનું ટાળ્યું હતું અને બની શકે તેમણે ઘરેથી જ કામ કર્યું હતું. આજે ફરીથી શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ હતી. બીજી બાજુ સખત તાપમાનને કારણે રેલવે પ્રવાસની આજે ભારે અંધાધૂંધી સર્જાઇ હતી અને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી અને રેલવેએ તેની ટ્રાવેલ એડવાઇઝ અપગ્રેડ કરીને મુસાફરી કરો નહીંની સલાહ આજ માટે જારી કરી હતી. ગરમીથી રાહત મેળવવા તરવા પડેલા પાંચ જેટલા લોકો દેશના વિવિધ ભાગોમાં ડૂબીને માર્યા ગયા હોવાના અહેવાલ છે.

Most Popular

To Top