SURAT

હવે માત્ર બે મિનિટમાં જ જામીન મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી થઇ જશે

સુરત: દસ્તાવેજોની કામગીરી ઝડપી અને પારદર્શી બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આવતીકાલથી સબરજિસ્ટ્રાર કચેરીઓમાં સરકાર દ્વારા નવા પ્રારંભ કરાયેલા 2.0 સોફ્ટવેર ઉપર દસ્તાવેજોની નોંધણી શરૂ થશે. આ સોફ્ટવેર થકી અરજદાર અને કચેરી બંનેની કામગીરી ઝડપી બનશે.રાજ્ય સરકાર દ્વારા દસ્તાવેજના રજિસ્ટ્રેશન માટે ગરવી 2.0 સોફ્ટવેરની શરૂઆત કરાઈ છે. જેને લીધે હવેથી વેચાણ દસ્તાવેજ નોંધણી કરવા માટે સૌપ્રથમ વેચાણ દસ્તાવેજની તમામ વિગતો જેવી કે તમામ પક્ષકારોના નામ સહિતની વિગતો તથા સાક્ષીઓ તેમજ તેઓના ઓળખના પુરાવા મિલકતની વિગત સહિતની તમામ વિગતો ઓનલાઈન ભરવાની રહેશે. આ સોફ્ટવેરની અમલવારીને કારણે બોગસ દસ્તાવેજો કરનારની હવે ખેર નથી.

વેચાણ દસ્તાવેજની ઇન્ડેક્ષની વિગતો પણ ઓનલાઈન ભરીને જ લાવવાની રહેશે
હવે દસ્તાવેજની નોંધણી કયા ડોમીન થી કરવામાં આવી રહી છે એ સહિતની વિગતો તેમજ પક્ષકારોના મોબાઈલ નંબર, આધાર કાર્ડ સહિતની વિગતો પણ ઓનલાઇન ભરવાની હોવાથી ખોટી વિગતો ભરનાર સામે સરળતાથી કાયદેસરની કાર્યવાહી થઇ શકશે. વેચાણ દસ્તાવેજની ઇન્ડેક્ષની વિગતો પણ ઓનલાઈન ભરીને જ લાવવાની રહેશે. જેથી ક્ષતિઓ પણ નિવારી શકાશે. ઉપરોક્ત તમામ વિગતો ભર્યા બાદ જ રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરી શકાશે. અને ત્યારબાદ જ એપોઇન્ટમેન્ટ મેળવી શકાશે.

કચેરીમાં ઓપરેટરોની કામગીરી નહીંવત બનશે
અગાઉ દસ્તાવેજ નોંધણી માટે આવતા અરજદારોની તમામ વિગતો કચેરીમાં ભરવામાં આવતી હતી. ખરીદનાર, વેચનાર સહિતની વિગતો ભરાતી હતી. હવે આ વિગતો ઓનલાઈન જ ભરીને પૈસા ભરીને આવવાનું રહેશે. જેને કારણે પહેલા એક દસ્તાવેજ માટે જ્યાં 10 થી 12 મિનિટ સમય લાગતો હતો તેની જગ્યાએ હવે એક દસ્તાવેજ 2 મિનિટમાં થશે. હવે કોઈપણ સબરજિસ્ટ્રાર કચેરીમાં ઓપરેટરની કામગીરી ઘટી જશે.


ઓછા પડકારો સાથે ઝડપી કામગીરી થશે: એડવોકેટ પ્રણવ ઉપાધ્યાય
સિનિયર એડવોકેટ પ્રણવ ઉપાધ્યાય સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ગરવી 2.0 સોફ્ટવેરના કારણે પડકારોનો સમય બચશે. અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભીડ ઓછી થશે. અને ઝડપથી દસ્તાવેજો થઈ શકશે.

Most Popular

To Top