SURAT

શિક્ષકોને ફરી વડાપ્રધાન મોદીની સભામાં ભીડ ભેગી કરવાની સોપારી અપાઈ !

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 સપ્ટેમ્બરે સુરત આવી રહ્યા છે. તેવામાં જ સભામાં ભીડ ભેગી કરવાની જવાબદારી સરકારી શિક્ષકોને સોપી હોવાનો આક્ષેપ શિક્ષણ સમિતિના વિરોધ પક્ષે કર્યો છે. એટલું જ નહીં, આ મામલે કોઇ કાર્યવાહી નહીં થશે તો પછી આંદોલન થશે એવી ચીમકી પણ વિરોધ પક્ષે આપી છે.શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસની મહામારીને કારણે બાળકોના શિક્ષણ પર મોટી અસર પડી છે. જેથી શિક્ષકો બાળકોને એજ્યુકેશન આપે તે ખૂબ જ જરૂરી છે.

પરંતુ હાલમાં શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાય છે. દરમિયાન અગામી 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન સુરત આવી રહ્યા છે અને તેમની સભામાં લોકોને એકઠાં કરવાની જવાબદારી શિક્ષકોને સોપાય છે. જે મામલે કેટલાક શિક્ષકોને ફોન પણ આવ્યા છે. રવિવારની જાહેર રજા હોવા છતાં પણ શિક્ષણ સમિતિના કેટલાક શિક્ષકોને જુના સુડા ભવનમાં લેખિત ઓર્ડર વિના બોલાવવામાં આવ્યા હતા.

શિક્ષકોને ફોન નંબરનું લિસ્ટ અપાયું
શિક્ષકોને ફોન નંબરનું લિસ્ટ અપાયું, 150થી વધુ લોકોને કોલ કરી મોદીની સભામાં બોલાવવાનું કામ સોંપાયું
આ શિક્ષકોને એક ફોન નંબરનું લિસ્ટ આપવામાં આવ્યું હતું અને કહેવાયું કે 150થી વધુ લોકોને કોલ કરીને ભાજપની સભામાં આવવા માટે આમંત્રણ પાઠવવાનું રહેશે. રવિવારે સવારે આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી શિક્ષકોને જુના સુડા ભવન ખાતે બોલાવવામાં આવ્યા હતા અને સોમવારે પણ તેઓ પાસે આ કામગીરી કરાવવામાં આવશે. જો આવી પ્રવૃત્તિ બધ કરવામા નહી આવે તો આંદોલન કરશે.

Most Popular

To Top