SURAT

પ્રકાશના પર્વ દિવાળી ટાણે જ અંધારૂ : અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ

સુરત: એક બાજુ પ્રકાશપર્વ તરીકે ઓળખાતા દિવાળીના (Diwali) તહેવારો (Festival) નજીક આવી ગયા છે. તો બીજી તરફ શહેરમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટ (Streetlight) બંધ (Close) રહેતી હોવાની ફરિયાદો (Complaints) લાઇટ ફાયર સમિતિની મીટીંગમાં સભ્યો દ્વારા કરવામાં આવતા દિવાળીના તહેવારો વખતે સ્ટ્રીટલાઇટનું યોગ્ય મેઇન્ટેનન્સ થવું જોઇએ તેવી સુચના લાઇટ ફાયર સમિતિ ચેરમેન કિશોર મીયાણીએ તંત્રને આપી છે.ગુરૂવારે લાઈટ એન્ડ ફાયર કમિટીની બેઠકમાં થઈ હતી. જેમાં ખરવર નગર વિસ્તારમાં  સ્ટ્રીટ લાઈટ સુવિધા માટે માત્ર ફાયર વિભાગના રિપોર્ટની રાહમાં દોઢ વર્ષ સુધી મંજુરી નહી મળી હોવાની ફરિયાદ થઇ હતી.

બ્રિજ પર રાત્રે અંધારપટ થવાઇ જતો હોવાની ફરિયાદ
ઉપરાંત આગોતરા પ્લાનિંગ નહી થવાથી અલથાણ  બ્રિજમાં સ્ટ્રીટ લાઇટ પોલ નહીં બદલાતા છ માસથી આ બ્રિજ પર રાત્રે અંધારપટ થવાઇ જતો હોવાની ફરિયાદ પણ એક સભ્ય દ્વારા કરવામાં આવી છે. કમિટી ચેરમેન દ્વારા આગામી દિવસોમાં દિવાળી હોય લોકોની લાઈટ સંબંધની ફરિયાદ ન આવે અને કોઈ જગ્યાએ અંધારુ ન રહે તેવી કામગીરી કરવા માટે સુચના આપવામાં  આવી છે.

લાઇટ ફાયર સમિતિ ચેરમેન સામે ગેરવર્તન કરનાર ડે.ઈજનેરને શિક્ષા ને બદલે સરપાવ ?
સુરત: સુરત મનપાના ઘણા અધિકારીઓ એટલા ખાઇ બદેલા છે કે, ચુંટાયેલા નગર સેવકો અને શાસકોને ભાજીમુળા સમજતા થઇ ગયા છે જેની પ્રતિતિ લાઈટ એન્ડ ફાયર કમિટીના ચેરમેન કિશોર મીયાણી સાથે કતારગામ ઝોનના ડેપ્યુટી ઇજનેર શશીકાન્ત પટેલે ઉદ્ધતાઇથી વાત કરીને કરાવી હતી. જો કે આ અંગે ફરિયાદ થવા છતાં ડેપ્યુટી ઈજનેરની શિક્ષાત્મક બદલીને બદલે ઝોનના લાઇટ વિભાગમાંથી સીધા હાઈડ્રોલિક વિભાગમાં બદલી કરી દેવામાં આવતા આશ્ચર્ય ફેલાયું છે તેમજ આ ઇજનેરને શાસકો સામે ઉદ્ધતાઇનો શીરપાવ મળ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જો કે બદલીનો ડ્રામા કરી તેને વધુ સારી જગ્યાએ ગોઠવવા માટે બદલીનો તખ્તો ગોઠવનાર સબંધિત વિભાગના અધિકારીઓ પણ શાસકને ઉંધા ચશ્મા પહેરાવી રહ્યા હોવાની ચર્ચા ઉઠી છે.

ડે.ઈજનેરે ચેરમેન સાથે તોછડાઇથી વાત કરી હતી
વિસ્તૃત વિગતો મુજબ નવરાત્રી દરમિયાન કતારગામ વિસ્તારની વિજય નગર સોસાયટીમાં સ્ટ્રીટલાઈટ બંધ રહેતી હોવાથી લાઈટ એન્ડ ફાયર કમિટીના ચેરમેન કિશોર મીયાણીએ ઝોનમાં લાઈટ વિભાગના ડે.ઈજનેર શશીકાન્ત પટેલને ફોન કરી આ ફરિયાદના નિરાકરણ માટે જણાવતા જ ડે.ઈજનેરે ચેરમેન સાથે તોછડાઇથી વાત કરી હતી જેની ફરિયાદ મેયરને થતાં મેયરે કમિશનરને નોંધ મુકી શિક્ષાત્મક પગલા લેવા સુચના આપી હતી. જો કે આ બહાને બદલીનો તખ્તો ગોઠવતા અધિકારીઓને ફાવતું મળી ગયું હોય તેમ શશીકાન્ત પટેલની વધુ સારી જગ્યા મનાતા હાઈડ્રોલિક વિભાગમાં બદલી કરી દેતા આશ્ચર્ય ફેલાયું છે.

Most Popular

To Top