SURAT

ડીંડોલી પોલીસે આપઘાત કરવા જઈ રહેલા યુવકનો મોબાઇલ નંબર ટ્રેસ કરી જીવ બચાવ્યો

સુરત: પત્ની સાથેના પારિવારિક ઝઘડાથી કંટાળી ટ્રેન નીચે પડતું મૂકવા દોડેલા યુવકને ડીંડોલી પોલીસે મોતના મુખમાંથી ઉગારી લાવી હોવાની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. આપઘાત કરવા નીકળેલો યુવક સિટી બસમાં કંડકટર હોવાનું સામે આવ્યું છે.

રાહદારી એ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આત્મહત્યા કરવા જઈ રહેલા યુવકની માહિતી આપ્યા બાદ પોલીસ યુવકનો જીવ બચાવવામાં સફળ રહી હોવાનું જાણવા મળ્યું છે. ડીંડોલી પોલીસે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા જ યુવકના મોબાઈલ નંબરને ટ્રેસ કરી પીએસઆઈ સહિતની ટીમ રેલવે ટ્રેક નજીક દોડી ગઈ હતી અમે યુવકને ટ્રેક પરથી નીચે ઉતારી સમજાવ્યો હતો.

ડીંડોલી પોલીસે જણાવ્યું હતું કે ઘટનાની પ્રથમ જાણકારી પોલીસ કંટ્રોલરૂમને મળી હતી. ત્યારબાદ ડીંડોલી પોલીસને મળતા દોડી ગયા હતા. એક અજાણ્યા એક યુવક રેલવે ટ્રેક ઉપર આપઘાત કરવા જઇ રહ્યો હોવાના કોલ બાદ એલર્ટ થઈ ગયા હતા. જોકે યુવકને બચાવ્યા બાદ તપાસ કરતા કોલ કરનાર વ્યક્તિ જ આપઘાત કરવા દોડ્યો હતો. વ્યક્તિએ પોતાની ઓળખ જગદીશ રઘુનાથ પાટીલ તરીકે આપી હતી. સાથે સાથે નવાગામ ડીંડોલી ખાતે આવેલા રામનગર સોસાયટીમાં રહેતો હોવાની તેણે પોલીસ કંટ્રોલરૂમને જણાવ્યું હતું.

પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવા રેલવે ટ્રેક પર આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ડીંડોલી પોલીસ સ્ટેશનની પીસીઆર નંબર 18 તથા ડીંડોલી પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ.ને જાણ કરાતા ડીંડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ આજે ચુડાસમાને અને તેમની ટીમે એક યુવક ને જ નહીં પણ એના આખા પરિવારને મોતના મુખમાંથી ઉગારી લાવી હોય એમ કહી શકાય છે.

ડીંડોલી પોલીસે જણાવ્યું હતું કે પ્રથમ કોલ કરનાર જગદીશ રઘુનાથ પાટીલનો કોલ ટ્રેશ કરી લોકેશન મેળવવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએસઆઇ હરપાલસિંહ મસાણી તથા પીસીઆરના માણસો તાત્કાલિક લોકેશનવાળી જગ્યા પર પહોંચી ગયા હતા. જ્યાં ડીંડોલી પ્રમુખ પાર્ક પાસે આવેલા રેલવે ટ્રેક પાસે પહોંચેલી ડીંડોલી પોલીસે ટ્રેન આવે તે પહેલા જ જગદીશ રઘુનાથ પાટીલને ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા જોઈ દોડી ને ઉગારી લેવામાં સફળ રહ્યા હતા.

જગદીશ રઘુનાથ પાટીલને ડીંડોલી પોલીસ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. ડીંડોલી પોલીસ મથકના પીઆઇ આર.જે ચુડાસમા દ્વારા યુવકને પોતાની પાસે એક કલાક સુધી બેસાડી ભાર પૂર્વકની સમજણ આપવામાં આવી હતી.

પીઆઈએ સમજાવ્યું હતું કે જીવન એક અનમોલ છે. પારિવારિક ઝઘડામાં આત્મહત્યા એ કોઈ સમસ્યાનું સમાધાન નથી.પરંતુ દરેક પ્રશ્નોનું નિરાકરણ બેસીને થઈ શકે છે..યુવક ખૂબ જ હતાશાની ગર્તામાં ધકેલાઈ ગયો હતો. પરંતુ ડીંડોલી પોલીસ મથકના પીઆઇ દ્વારા ભારપૂર્વક આપવામાં આવેલી સમજણ બાદ જીવન કેટલું મૂલ્ય છે તેનું જ્ઞાન યુવકને થયું હતું. ડીંડોલી પોલીસ દ્વારા યુવકના વાલી વારસોને આ બાબતની જાણ કરવામાં આવી હતી. જે બાદ યુવક સામે અટકાયતી પગલા ભરી હવે પછી આ પ્રકારનું પગલું ન ભરે તે માટેની સમજણ આપી હતી.

Most Popular

To Top