Business

સામાન્ય માણસ માટે આવી ગયો ડિજિટલ રૂપિયો, આ તારીખે થશે લોન્ચ, આ રીતે કરાશે ઉપયોગ

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI) ડિજિટલ રૂપિયા (Digital Rupee) અંગે મહત્વની જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ કહ્યું કે 1 ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપિયો શરૂ કરવાની જાહેરાત કરી છે. રિટેલ ડિજિટલ કરન્સી (Digital currency) માટે આ પહેલો પાયલોટ પ્રોજેક્ટ હશે. પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન ડિજિટલ રૂપિયાના ઉત્પાદન, વિતરણ અને છૂટક ઉપયોગની સમગ્ર પ્રક્રિયાનું પરીક્ષણ કરવામાં આવશે. અગાઉ, 1 નવેમ્બરના રોજ, કેન્દ્રીય બેંકે જથ્થાબંધ વ્યવહારો માટે ડિજિટલ રૂપિયો લોન્ચ કર્યો હતો.

પસંદગીના સ્થળો પર રોલઆઉટ કરવામાં આવશે
રિઝર્વ બેંકની આ ડિજિટલ કરન્સીને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) નામ આપવામાં આવ્યું છે. 1 ડિસેમ્બરથી, તેનું રોલઆઉટ દેશના પસંદગીના સ્થળો પર કરવામાં આવશે, જેમાં ગ્રાહકથી લઈને વેપારી સુધીની દરેક વસ્તુનો સમાવેશ કરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ, ભુવનેશ્વરનો સમાવેશ થશે. અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોચી, લખનઉ, પટના અને શિમલા પછીના તબક્કામાં આવરી લેવામાં આવશે. જેમ જેમ પ્રોજેક્ટ આગળ વધશે તેમ વધુ બેંકો અને શહેરોનો સમાવેશ કરવામાં આવશે. ગ્રાહકોને રિટેલ ડિજિટલ રૂપિયા પર કોઈ વ્યાજ નહીં મળે. ચલણી નોટો અને સિક્કાઓના મૂલ્યમાં ડિજિટલ રૂપિયો જારી કરવામાં આવશે. રિટેલ ડિજિટલ રૂપિયાના રૂપમાં ટોકન જાહેર કરવામાં આવશે.

વ્યવહારો માટે ઉપયોગ કરી શકાય છે
ઇ-રૂપી (e-R) ડિજિટલ ટોકન તરીકે કામ કરશે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે. તે ચલણી નોટોની જેમ સંપૂર્ણ રીતે માન્ય છે. આનો ઉપયોગ કોઈપણ પ્રકારના આપ-લે માટે થઈ શકે છે

કેવી રીતે ઉપયોગ કરવો
e-R બેંકો દ્વારા વિતરિત કરવામાં આવશે. વ્યક્તિ-થી-વ્યક્તિ અથવા વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો ડિજિટલ વૉલેટ દ્વારા કરી શકાય છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, વપરાશકર્તાઓ મોબાઇલ ફોન અથવા ઉપકરણોમાં સંગ્રહિત બેંકોના ડિજિટલ વોલેટમાંથી ડિજિટલ રૂપિયા દ્વારા વ્યવહાર કરી શકશે. જો તમારે કોઈ દુકાનદારને ડિજિટલ સ્વરૂપમાં ચૂકવણી કરવાની હોય, તો તે વેપારી સાથે દર્શાવવામાં આવેલા QR કોડ દ્વારા કરી શકાય છે.

પાયલોટ પ્રોજેક્ટમાં આઠ બેંકો સામેલ થશે
આ પાયલોટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે આઠ બેંકોની ઓળખ કરવામાં આવી છે. પરંતુ પ્રથમ તબક્કો દેશભરના ચાર શહેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, યસ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા શરૂ થશે. આ પછી બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંકને આ પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવશે.

કાગળ નોટ જેટલું જ મૂલ્ય
તેની કિંમત કાગળની નોટો જેટલી હશે. તમે ઇચ્છો તો કાગળની નોટો આપીને પણ મેળવી શકો છો. રિઝર્વ બેંકે ડિજિટલ કરન્સીને બે શ્રેણીઓમાં વહેંચી છે, CBDC-W અને CBDC-R. CBDC-W એટલે જથ્થાબંધ ચલણ અને CBDC-R એટલે છૂટક ચલણ. રિઝર્વ બેંકના આ પગલાને ભારતની અર્થવ્યવસ્થાને ડિજિટલ સ્વરૂપમાં વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top