Charchapatra

દેવ આનંદનાં પત્ની કલ્પના કાર્તિક અત્યારે 92 વર્ષનાં છે

ગુરુવારની ‘શો ટાઈમ’ પૂર્તિના બીજા નંબરના પેજની અમે પ્રત્યેક ગુરુવારે આતુરતાથી રાહ જોતા હોઇએ છીએ. આ પેજ ઉપર ફિલ્મી ગીતોની સુંદર છણાવટ કરવામાં આવે છે. ફિલ્મના ગીતના લેખક, ફિલ્મનું નામ, ગાયક, સંગીતકાર તથા ફિલ્મના કલાકારોની યાદી આપવામાં આવે છે. ખૂબ મજાનાં ગીતોનો આ રીતે પૂર્ણપરિચય પ્રાપ્ત થાય છે.આ પેજ ઉપર હિન્દી ફિલ્મોના કલાકારોનો સંપૂર્ણ પરિચય પણ આપવામાં આવે છે. કયારેય ના જાણી હોય એવી વિગતો, કલાકારોને સંદર્ભે જાણવા મળે છે. 5.10.23ની શો-ટાઈમપૂર્તિમાં સદાબહાર, અદાકાર દેવઆનંદનો એમનાં અભિનેત્રી પત્ની, કલ્પના કાર્તિક દ્વારા જાણવા જેવો પરિચય પ્રાપ્ત થયો.

92 વર્ષનાં કલ્પના કાર્તિક અત્યારે હયાત છે એ પણ આવા લખાણથી જાણવા મળ્યું. દેવ આનંદ, ચેતન આનંદ તથા વિજય આનંદને સાવિત્રી, કાંતિ, શીલા, લતા તથા ઉષા નામની બહેનો હતી. વિજય આનંદ એમની એક ભાણેજ લવલીન સાથે પરણેલાં હતાં. દેવનાં પત્ની કલ્પના કાર્થિકે માત્ર નૌ દો-ગ્યારહ, ટેક્ષી ડ્રાઈવર, બાજી હાઉસ નં. 44 અને આંધિયાં જેવી પાંચેક ફિલ્મોમાં હિરોઇન તરીકે કામ કર્યું હતું. ત્યાર પછી એમણે દેવનું ઘર સંભાળી લીધું હતું.સુનિલ દત્ત અને નરગીસ સાથે એમને સારો સંબંધ હતો. હાઉસ નંબર 44 ફિલ્મનું લતાજીએ ગાયેલું, ગીત ફૈલી હુઇ હૈ સપનો કી બાહેં આ જા ચલ દે કહીં દૂર ઘણું મશહુર થયેલું. ફકત ત્રણ ચાર ઝાડવા વચ્ચે, કલ્પના કાર્થિક ઉપર ફિલ્માવાયેલું આ ગીત, લતાજીના મધુર આલાપથી જબરદસ્ત કર્ણપ્રિય બન્યું છે.

શરૂઆતના સમયે દેવ આનંદ, અભિનેત્રી-ગાયિકા સુરૈયા સાથે પ્રેમમાં હતા પણ લગ્ન શકય નહિ બનતાં તેઓ સુરૈયાને કાયમને માટે ભૂલીને કલ્પના કાર્તિક સાથે વિવાહના બંધનમાં જોડાઈ ગયા હતા. પુત્ર સુનિલ સાથે રહેતા કલ્પના કાર્તિકને દેવ આનંદની ના ભૂતો ના ભવિષ્યતિ જેવી ફિલ્મ ગાઈડ સૌથી વધુ ગમે છે. કાંઇ આવી ઘણી વિગતો દેવઆનંદ અને પત્ની કલ્પના કાર્તિક બાબતે પાના નંબર બે ઉપરથી જાણી આમ સંપાદકશ્રી ઘણી મહેનત અને સંશોધન કરીને ફિલ્મી કલાકારો વિશેની ઊંડી જાણકારી વાચકોને આપતા રહે છે તે બદલ એમને ધન્યવાદ ઘટે છે.
સુરત     –બાબુભાઈ નાઈ

Most Popular

To Top