Gujarat

‘…ઝૂકેગા નહીં’ ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓએ કર્યું શક્તિ પ્રદર્શન

ગાંધીનગર: રાજ્યમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારી કર્મચારી(Government Employee)ઓ દ્વારા સરકાર સામે વિરોધ(Protest) પ્રદર્શન શરુ કરાયું છે. સરકાર દ્વારા નવી પેન્શન(Pension) યોજના લાવવામાં આવતા રાજ્યના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના મુજબ જ લાભો આપવાની માંગ સાથે ગાંધીનગરમાં શિક્ષકોએ શક્તિપ્રદર્શન કર્યું છે.

હજારોની સંખ્યામાં વિવિધ સંગઠનના કર્મચારીઓનો વિરોધ
જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે અગાઉ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન: સ્થાપન સંયુક્ત મોરચા દ્વારા ત્રણ દિવસ અગાઉ ધરણાં યોજાયાં હતાં. આજે ફરી હજારોની સંખ્યામાં વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ગત તારીખ 1લી એપ્રિલ, 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના રદ કરી દેવામાં આવી છે. તેને બદલે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. ઉપરાંત કરાર આધારિત, ફિક્સ પગારથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે.

જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ બુલંદ બની
નવી પેન્શન યોજનાથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ જીવન નિર્વાહ ચલાવવો આર્થિક રીતે કપરો બની રહેતો હોવાની ફરિયાદ કરી છે. જેથી નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કર્મચારીઓમાં ઉઠી છે. સોમવારે સંયુક્ત મોરચાની આગેવાનીમાં હજારોની સંખ્યામાં શિક્ષકો સહિત વિવિધ કર્મચારીઓ ગાંધીનગર એકઠા થયા હતા. જેમાં કેટલાક ઉચ્ચ નિવૃત અધિકારીઓ પણ સત્યાગ્રહ છાવણી ખાતે આવી પહોંચ્યા હતા. તાજેતરમાં રાજસ્થાન સરકાર અને મહારાષ્ટ્ર સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. જેને પરિણામે રાજ્યના વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના યુનિયનો અને મંડળો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ બુલંદ બની છે.

1 લાખ કરતાં વધુ કર્મચારીઓ ગાંધીનગરમાં પહોંચ્યા : સંયુક્ત કર્મચારી મોરચા પ્રમુખ
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પહેલીવાર આવું બન્યું છે કે આટલી સંખ્યામાં ગાંધીનગરમાં ધરણાં થયા છે. અનેક લોકો કહેતા હતા કે અમારા મંડળને માન્યતા નથી મળી. તો કેમ અમે કાર્યક્રમની જાહેરાત કરી તો બીજાએ પણ કાર્યક્રમની જાહેરાત કરવી પડી. બે દિવસ અગાઉ અમારી પહેલા કેસરી સાફો પહેરીને ધરણાં યોજનાર આજના આ ધારણા જોઈ લે. અમારે અમારી માગણીઓ માટે કેવી રીતે કાર્યક્રમ આપવો એ અમને જાણ છે. સંગઠન કેવી રીતે ચલાવવું એ અમને શીખવાડવાની જરૂર નથી, 7 લાખ કર્મચારીઓ બધું જાણે છે. તમે તમારી આદત સુધારી લેજો. આજે 1 લાખ કરતાં વધુ કર્મચારીઓ ગાંધીનગરમાં પહોંચ્યા છે.

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા ઝુકેગા નહિ: પ્રમુખ દિગ્વિજયસિંહ
તેમણે વધુમાં કહ્યુ કે, અમને જૂની પેન્શન યોજના દેખાય છે. પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે મોરચાએ મારી પર જે ભરોસો તમે મૂક્યો છે એ હું જાળવી રાખીશ. અગાઉ અમે 5 રાજ્યની ચૂંટણી પહેલાં 27 ડિસેમ્બરે દેશમાં ધરણા કર્યા હતા. અમે કોઈ ભીખ નથી માગી રહ્યા. ગુજરાત એક નંબર પર છે, એમાં અમારો પણ ફાળો છે. એકપણ કર્મચારી એના લાભ વગર વંચિત ના રહેવો જોઈએ, જે પણ કર્મચારી હકથી વંચિત છે, એના હક માટે લડીશું. આગામી દિવસોમાં ગુજરાતમાં ચૂંટણી છે, મોદીજી અમિતજી જ્યારે આપણું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે અમારું એ સાંભળશે એવો અમને ભરોસો છે. આ એક ટ્રેલર છે, આવનાર સમયમાં હજુ પિકચર બાકી છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા ઝુકેગા નહિ.

72 સરકારી સંગઠ્ઠનોનું સરકાર સામે આંદોલન
રાજ્યમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓ દ્વારા સરકાર સામે વિવિધ પડતર માંગણીઓના સંદર્ભમાં ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના 72 જેટલા કર્મચારી મંડળો એકત્ર થયા છે. એક સંયુકત્ત મોરચાની રચના કરાઈ છે. જેમાં આરોગ્ય, શિક્ષણ તથા પંચાયત સહિતના વિભાગોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારી મંડળોની મુખ્ય પાંચ માંગણીઓ છે, જેમાં જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચના લાભો ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી, અન્ય કેડરની સર્વિસ પણ સળંગ કરવી અને અન્ય કેડરને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવું, તેનો સમાવેશ થાય છે.

Most Popular

To Top