Columns

ગંગા-યમુનાની ફળદ્રુપ જમીનમાંથી નીકળી
રહ્યો છે ઝડપી બોલરોનો સારો ફાલ

ગઇ સદી સુધી, ભારતને શ્રેષ્ઠ સ્પિનરો પેદા કરતો દેશ માનવામાં આવતો હતો, પરંતુ સારો ઝડપી બોલર ભાગ્યે જ સામે આવતો હતો. 21મી સદીની શરૂઆત સાથે, ભારતમાં ઘાતક ઝડપી બોલરો દેખાવા લાગ્યા, જેમાં ઝહીર ખાન, ઈરફાન પઠાણ, એસ શ્રીસંત, મુનાફ પટેલ અને આર.પી સિંહ જેવા નામોનો સમાવેશ થાય છે. તેમાંથી રાયબરેલીના આર.પી સિંહ ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર ઝડપી બોલર હતો. આ સદીના બીજા દાયકાની શરૂઆત સાથે, ગંગા-યમુનાની તહઝીબ માટે જાણીતા ઉત્તર પ્રદેશે દેશના ક્રિકેટને ઝડપી બોલરો પૂરા પાડવાનું કામ કરવાનું શરૂ કર્યું. મેરઠે દેશને પ્રવીણ કુમાર જેવો ઝડપી બોલર આપ્યો, તો અમરોહાથી મોહમ્મદ શમી આવ્યો. ભુવનેશ્વર કુમાર બુલંદશહરથી મળ્યો હતો, ત્યાર બાદ મુરાદાબાદનો મોહસીન ખાન હવે ભારતીય ક્રિકેટમાં દસ્તક દેવાની તૈયારી કરી રહ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે ગંગા-યમુનાના આ ફળદ્રુપ મેદાનમાં ફાસ્ટ બોલરોનો પણ સારો પાક થતો જણાઈ રહ્યો છે.

IPL એ ભારતીય ક્રિકેટને દુનિયાભરમાં એક અલગ ઓળખ આપી. તે વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગ બની અને દરેક ક્રિકેટર તેમાં રમવાનું સપનું જોવા લાગ્યો. આ લીગે ક્રિકેટરોને અમીર બનાવ્યા. એટલું જ નહીં, ઘણા વિદેશી ક્રિકેટરોએ પોતાની રાષ્ટ્રીય ટીમમાં રમવાને બદલે IPLમાં રમવાનું પસંદ કર્યું. IPLના આગમન પછી, તે યુગની શરૂઆત થઈ જ્યારે ઉત્તર પ્રદેશમાંથી એક પછી એક ઝડપી બોલર બહાર આવવા લાગ્યા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવા લાગ્યા. આમાં ઉત્તર પ્રદેશના ગંગા-યમુનાના ફળદ્રુપ મેદાન વિસ્તારમાંથી પણ શ્રેષ્ઠ ઝડપી બોલર બહાર આવતા થયા અને તેની શરૂઆત પ્રવીણ કુમારથી થઈ હતી.

પ્રવીણે ભલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી IPL પહેલા શરૂ કરી હોય પરંતુ IPLએ તેની કારકિર્દીને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જમણા હાથનો ઝડપી બોલર પ્રવીણ તેની સ્વિંગ બોલિંગ માટે જાણીતો હતો. તેણે ભારત માટે 6 ટેસ્ટમાં 27 વિકેટ, 68 વન ડેમાં 77 વિકેટ અને 10 T 20I માં 8 વિકેટ લીધી. IPLમાં, તેણે 2008 થી 2017 સુધી RCB, કિંગ્સ ઈલેવન પંજાબ, મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત લાયન્સનું પ્રતિનિધિત્વ કર્યું. આ દરમિયાન તેણે 119 મેચમાં 90 વિકેટ ઝડપી હતી.

પ્રવીણ બાદ દેશને સુદીપ ત્યાગીના રૂપમાં મેરઠનો વધુ એક ઝડપી બોલર મળ્યો. સુદીપે ડિસેમ્બર 2009માં શ્રીલંકા સામેની વન ડેથી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માત્ર ચાર વન ડે પૂરતી સીમિત રહી હતી, તેણે માત્ર ત્રણ વિકેટ લીધી હતી. તે IPLમાં બે સિઝન રમ્યો હતો. તે ચેન્નાઇ સુપર કિંગ્સમાં સામેલ હતો અને 10 મેચમાં માત્ર છ વિકેટ લઈ શક્યો હતો. મેરઠના અન્ય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે હજુ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય છે. તેણે દેશ માટે 21 ટેસ્ટમાં 63 વિકેટ, 121 વન ડેમાં 141 વિકેટ, 59 T 20I માં 58 વિકેટ લીધી છે. તે 2011થી IPLમાં રમી રહ્યો છે અને તેણે અત્યાર સુધી 141 મેચમાં 151 વિકેટ લીધી છે. ભુવનેશ્વર તેની ઇનસ્વિંગ અને આઉટ સ્વિંગ બોલ માટે જાણીતો છે.

2013માં ઉત્તર પ્રદેશના અમરોહામાં જન્મેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. જો કે, એ અલગ વાત છે કે શમી પોતાનું ઘરેલુ ક્રિકેટ બંગાળ માટે રમ્યો હતો, પરંતુ ભારતીય ક્રિકેટમાં તેની ઓળખ અમરોહાના શમી તરીકે જ થાય છે. તે ભારતના સૌથી ઝડપી બોલરોમાંનો એક છે અને બોલને બંને રીતે સ્વિંગ કરવા ઉપરાંત તે રિવર્સ સ્વિંગમાં પણ પારંગત છે. તે હજુ પણ ભારતનો અગ્રણી બોલર છે. શમીએ અત્યાર સુધીમાં 59 ટેસ્ટમાં 214 વિકેટ, 79 વનડેમાં 148 વિકેટ, 17 T 20માં 18 વિકેટ ઝડપી છે. શમીએ 2013માં KKR વતી રમીને તેની IPL કેરિયરની શરૂઆત કરી હતી અને તે પછી 2014થી 2018 સુધી દિલ્હી ડેરડેવિલ્સ અને 2019થી 2021 સુધી પંજાબ કિંગ્સનો ભાગ હતો, જ્યારે આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનો ભાગ બન્યો છે. તેણે અત્યાર સુધી IPLમાં 86 મેચમાં 93 વિકેટ ઝડપી છે. ઉત્તર પ્રદેશના ફાસ્ટ બોલર તરીકે હવે ચમકી રહેલા નવા સ્ટારનું નામ મોહસીન ખાન છે. મોહસીનનો જન્મ ઉત્તર પ્રદેશના સંબલ જિલ્લામાં થયો હતો, પરંતુ તેનો પરિવાર મુરાદાબાદમાં રહે છે.

23 વર્ષીય મોહસીન ડાબોડી ફાસ્ટ બોલર છે અને આ વર્ષે પહેલી વાર IPLમાં રમી રહ્યો છે. તે લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ છે. જો કે આ પહેલાં તે ત્રણ વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહ્યો હતો, પરંતુ તેને કોઈ મેચ રમવાની તક મળી ન હતી. આ વર્ષે, તેણે ચાર મેચમાં આઠ વિકેટ લીધી છે, જેમાં ગત રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે 16 રન આપીને ચારનો મેચ વિનિંગ સ્પેલ સામેલ છે. મોહસીન શમીને પોતાનો આદર્શ માને છે અને તેની જેમ બોલને સ્વિંગ કરાવવા માંગે છે. આ સિવાય હાપુડના કાર્તિક ત્યાગી અને નોઈડાના શિવમ માવી પણ એવા યુવા ઝડપી બોલર છે જેઓ ઉત્તર પ્રદેશના છે અને જુનિયર લેવલ અને આઈપીએલમાં પોતાની પ્રતિભાથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યા છે. આ બંને આવનારા સમયમાં ભારતીય ટીમમાં પણ દસ્તક દેતા જોવા મળી શકે છે.

Most Popular

To Top