Columns

પ્રિય સન્નારી

કેમ છો?
હેપ્પી ફ્રેન્ડશીપ ડે અને હેપ્પી રક્ષાબંધન.
દિવસે – દિવસે જેનો ઠાઠ ઝાંખો પડી રહ્યો છે એવા રક્ષાબંધનની સહુને શુભેચ્છાઓ. આમ જુઓ તો આ તહેવાર ન તો કોઇના જન્મ સાથે સંબંધિત છે કે ન તો કોઇ રાજકીય – ધાર્મિક ઘટના સાથે. જન્મ સાથે મળેલા ભાઇ-બહેનના કુદરતી સંબંધોના પ્રેમને એ ઉજાગર કરે છે. વાસ્તવમાં બંધન શબ્દ પ્રતિજ્ઞાનું પ્રતીક છે અને રક્ષાનો અર્થ છે બચાવ…. રાખીનો દોરો પ્રતિજ્ઞામાં દૃઢતાનું પ્રતીક છે અને એમાં સ્ત્રીની રક્ષા સર્વોપરી માનવામાં આવે છે. રાખડીનો એક દોરો કોઇની રક્ષા કરવાની તાકાત ધરાવે છે એવા વિશ્વાસની અનેક કથાઓ આપણે ત્યાં પ્રચલિત છે.

જેમ કે દેવતાઓની રક્ષા માટે પાર્વતીએ બધાના હાથમાં રક્ષાસૂત્ર બાંધ્યો હતો. દ્રૌપદીએ પોતાની સાડીમાંથી દોરો કાઢીને કૃષ્ણને બાંધ્યો હતો અને કૃષ્ણે કૌરવસભામાં દ્રૌપદીની રક્ષા કરી હતી. જયારે રાજપૂત રાજા યુદ્ધમાં જતા હતા ત્યારે તિલક કરીને એમને રક્ષાસૂત્ર પણ બાંધવામાં આવતું. યજ્ઞમાં પણ પહેલાં દોરો બાંધવામાં આવે છે… મતલબ કે શ્રદ્ધા – વિશ્વાસ અને લાગણીથી બાંધેલો દોરો કોઈની પણ રક્ષા માટે સમર્થ ગણાતો…. જો કે એમાં બાંધનાર બંધાવનારની રક્ષા માટે પ્રાર્થના કરતા અને બંધાવનાર બાંધનાર સ્ત્રીની રક્ષાની જવાબદારી લેતા.

સન્નારીઓ, આજના સમયમાં રક્ષણ શબ્દ થોડો ભારેખમ લાગે છે અને ભાઇ જ બહેનનું રક્ષણ કરે એવું નથી. બહેન પણ ભાઇના સુખદુ:ખમાં એક આધાર બનીને ઊભી રહે છે એટલે ઘણી ફેમીનીસ્ટ સ્ત્રીઓ એવું માને છે કે રક્ષાબંધન જેવા તહેવારો સ્ત્રીને હંમેશાં નબળી અને સહાયપાત્ર ગણે છે. શું મોટી બેન નાના-ભાઇને પ્રોટેકટ નથી કરતી? શ્રીમંત બેન ગરીબ ભાઇને હેલ્પ નથી કરતી? ભાઇને પણ બહેનની જરૂર પડે જ છે તો આ તહેવારમાં ભાઇની સર્વોપરિતા કેમ?

સન્નારીઓ, સમયની સાથે દરેક બાબતે નવા પ્રશ્નો ઊઠવા સ્વાભાવિક છે પણ આપણાં આ સંસ્કૃતિનાં મૂળિયાં આવા સવાલોથી હલી ઊઠે એવા તકલાદી નથી અને બદલાતા સમયમાં તહેવારો એ માત્ર આનંદનું માધ્યમ બન્યા છે. આજના બિઝી શેડયુલમાં ભાઇ-બહેન એ બહાને મળે છે. હૈયાથી નજીક હોય તો દિલની વાત શેર કરે છે નહીં તો ફોર્માલીટી નિભાવી છૂટા પડે છે. તહેવાર છે, કારણ કોઇ પણ હોય મળો, મજા કરો, બોન્ડીંગ બનાવો અને છૂટા પડો…. એનાથી વધારે અપેક્ષા રાખવાની જરૂર ખરી?

સન્નારીઓ, રક્ષાબંધન એ પારિવારિક તહેવાર છે પરંતુ ફ્રેન્ડશીપ ડે ને એની કોઇ લિમિટ નડતી નથી. એ કયાંય કોઇની પણ સાથે થઇ શકે. એનું કનેકશન એકદમ નેચરલ છે. આ સીધો દિલથી દિલનો સંબંધ છે. એમાં ઉંમર, અમીરી – ગરીબી, દેખાવ – પ્રભાવ કે સ્વભાવ કશું વચ્ચે આવતું નથી. બસ એક કેમેસ્ટ્રી સર્જાય છે અને કોઇ દોસ્ત બની જાય છે. દોસ્તી શબ્દ સહજ અને સરળ છે. ઓફિસ, બિઝનેસ, સોશ્યલ મીડિયા, સમાજ અને પરિવારના સંબંધોમાં પણ એને આપણે સર્વવ્યાપી બનાવી દીધો છે…. પરંતુ એનો અર્થ, એનો સ્વભાવ, એનું ઊંડાણ, એની આત્મીયતા ઘણી ઊંડી છે અને એ જૂજ દોસ્તો સાથે પાંગરે છે. તેથી દોસ્તીના નામે કે દોસ્તીના ઓઠા હેઠળ પાંગરતા દરેક સંબંધો દોસ્તી નથી હોતા.

દોસ્તી તો એવી ખળખળતી નદીનું નીર છે કે જે લાગણીની અધૂરી તરસને તૃપ્ત કરે છે. અહીં છબછબિયાં નથી કરવાનાં, ડૂબવાનું છે. અહીં વાછટ નહીં દિલદારીનો મુશળધાર વરસાદ હોય છે. સ્વાર્થનું ગણિત નહીં ઉદારતાનું કાવ્ય ક્ષણે-ક્ષણ ખીલતું રહે છે. અહીં સંવાદના તણખા સતત ઝરતા રહે છે. વિરોધનો, દલીલનો વંટોળ પણ વાતો રહે છે છતાં મૌનની લિપિ અને નિ:શબ્દતા પાછળ છુપાયેલી કથા – વ્યથા તરત જ વંચાય જાય છે, એમાં થોડી બદમાશી છે, નટખટતા છે, સ્મિત છે અને ખડખડાટ હાસ્ય છે, એકબીજાની ખુશીની, વિકાસની પરવા છે, સમય – કસમય જોયા વિના ધસી આવવાની પરવાનગી છે.

કોઇના પર ન હોય એવો ભરોસો છે. ટૂંકમાં દોસ્તીમાં એવું ઘણું બધું છે જે અન્ય સંબંધોમાં નથી. કદાચ દોસ્તી પૂર્ણ સંબંધ નથી પરંતુ એ માણસને પૂર્ણતાનો અહેસાસ કરાવે છે કારણ કે અહીં ખામીઓ, નબળાઇઓ કે મર્યાદાઓ જજ નથી થતી. બલકે એના સ્વીકાર સાથે દોસ્તી વિકસે છે. દોસ્તીની વાતો નથી થતી એ તો જીવાય છે, મહેસૂસ થાય છે.
પરંતુ સન્નારીઓ, જીવનમાં આવા દોસ્ત એકાદ-બે જ હોય છે. કહેવાતા દોસ્તોના ટોળામાંથી આવા દોસ્તને ઓળખીએ અને જીવનના સુમધુર સંબંધને જીવીએ.

ટૂંકમાં કહીએ તો
લડખડાતે કદમો કો સંભાલે
વો હાથ દોસ્તી હૈ
જીસે સુનતે હી હંસ દે દિલ
વો બાત દોસ્તી હૈ
અંગારો કો જો બના દે ફૂલ
વો જાદુ દોસ્તી હૈ
બદલ કર રખ દે હર ભૂલ
વો કાબૂ દોસ્તી હૈ
અંધેરો કો કર દે જો રોશન
વો દીપ દોસ્તી હૈ
હર આંસુ કો કર દે મોતી
વો સીપ દોસ્તી હૈ
દિલ કે હર દર્દ પર હો મહસૂસ
વો કરાહ દોસ્તી હૈ
ભટકાવ કે હર મોડ પર મિલે
વો પનાહ દોસ્તી હૈ
હર નાકામી કો જો હરા દે
વો જીત દોસ્તી હૈ
હર જમાને મેં રહે જીંદા
વો રીત દોસ્તી હૈ
-સંપાદક

Most Popular

To Top