SURAT

સાયરસ મિસ્ત્રીના સુરત સાથેના સંબંધ માટે તેમના દાદાની ડાયરી નિમિત્ત બની

વેસુમાં 149 વર્ષ જૂની પારસીઓની અગિયારી આવેલી છે. મુંબઈના પારસીઓ, તેના ટ્રસ્ટીઓથી ધ્યાન નહીં અપાતું હોવાથી મકાન ખખડી ગયેલું. આતશની પાછળની દીવાલ તો પડું પડું થતી હતી. સુરતના પારસીઓનું મન કચવાય. લડી ઝઘડીને મુંબઈના પારસીઓ પાસેથી વહીવટ લીધો. હવે પ્રશ્ન એ કે અગિયારીના જર્જરિત મકાનને બેઠું કેવી રીતે કરવું? નવા ટ્રસ્ટી પલ્લી બાસ્તાવાલા, કેકી ઈચ્છાપોરીયા, અફરોઝ પાતાળવાલા અને ખુરશેદબેન વેસુનાને ચિંતા કોરી ખાતી હતી ને એક ચમત્કાર થયો. એક રવિવારે કેકી ઈચ્છાપોરીયા અગિયારીમાં પ્રાર્થના કરતા હતા ત્યારે શાપુરજી પાલોનજી એન્ડ કંપનીના સીએફઓ ભાઠેના સાહેબ આવ્યા. કેકીભાઈએ તેઓ સમક્ષ અગિયારીની સ્થિતિ અંગે દુ:ખ વ્યક્ત કર્યું. અને પછી જે ઘટનાઓ બની તે ઘટનાઓને લીધે સુરત અને સાયરસ મિસ્ત્રીના સંબંધોનું એક એવું પાનું લખાયું જેને આખું સુરત અને ખાસ કરીને સુરતના પારસીઓ હંમેશાં યાદ રાખશે.

દાદાની ડાયરી વાંચી અને સાયરસ મિસ્ત્રીની સુરત મુલાકાતનો સિલસિલો શરૂ થયો
સાયરસ મિસ્ત્રીનો સુરત સાથેનો સંબંધ એક ચમત્કારથી શરૂ થયો. એક દિવસ સાયરસને દાદા શાપુરજી પાલોનજીની ડાયરી મળી. ઉત્સુકતાવશ સાયરસે તે વાંચી. દાદા શાપુરજી પાલોનજીએ લખ્યું હતું કે, તેમનો જન્મ સુરતના વેસુમાં થયો હતો. રોજ તેઓ વેસુની અગિયારીમાં દર્શને જતા. જે કોઈના હાથમાં આ ડાયરી આવે તેને મારો હૂકમ છે કે તે અગિયારીનું ધ્યાન રાખે. ડાયરી વાંચ્યા બાદ સાયરસ મિસ્ત્રીએ ભાઠેના સાહેબને તાબડતોબ સુરત રવાના કર્યા અને પછી શરૂ થયું અગિયારીને પુન:જીવિત કરવાનું ભગીરથ કાર્ય.

દુબઈના શેખનો મહેલ ડિઝાઈન કરનારને વેસુની અગિયારીના રિનોવેશન માટે મોકલ્યા
સાયરસ મિસ્ત્રીએ વેસુની અગિયારીના સરવે માટે મુંબઈથી 5 પારસીઓની એક ટીમ મોકલી. તેમાં એક ભાઈએ તો દુબઈના શેખનો મહેલ ડિઝાઈન કર્યો હતો. સાયરસ મિસ્ત્રીએ આવા દિગ્ગજોને વેસુની અગિયારીના રિનોવેશન માટે મોકલ્યા હતા. નવાં મકાનમાં અગિયારીની મૂળ જૂની ઓળખ જાળવી રાખવાનું કામ સુરતના કિલ્લાના રિનોવેશનનું કામ કરનાર આર્કિટેકને સોંપાયું. 2016માં સાયરસ પહેલીવાર સુરત આવ્યા હતા. 149 વર્ષ જૂની અગિયારીને બે વર્ષમાં સાયરસે પુન:જીવિત કરી દીધી. 2018માં સાયરસના મોટાભાઈ શાપુરે તેનું ઉદ્દઘાટન કર્યું હતું. બે વર્ષ દરમિયાન અનેકવાર સાયરસ સુરત આવ્યા. જેટલીવાર આવે તેટલીવાર 15 લાખનો ચેક આપી જાય. એટલે ટ્રસ્ટીઓ ખૂબ રાજી થાય.

સાયરસે સુરત આવી કહ્યું કે, ધાનશાક હું મુંબઈમાં રોજ ખાઉં છું, મને ગુજરાતી થાળી જમાડો : પલ્લીભાઈ બાસ્તાવાલા
આટલા મોટા ઉદ્યોગપતિ વિશે સુરતના પારસીઓના મનમાં અનેક પ્રકારની પૂર્વધારણા હતી, પરંતુ જ્યારે તેમને જોયા તો બધી ધારણાઓ ખોટી પડી. પલ્લીભાઈ બાસ્તાવાલાએ તે સંસ્મરણોને યાદ કરતા કહ્યું કે, પ્રાઈવેટ જેટ પ્લેનમાંથી સાયરસ સુરતના એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેમણે સફેદ બુશર્ટ, જીન્સની પાટલૂન અને સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. ગુજરાતીમાં વાતો કરી. અગિયારીમાં આતશની પ્રાર્થના કરી અને પછી મેં કહ્યું કે ‘’ચાલો ઘેર ધાનશાક બનાવ્યું છે’’. તો મને કહ્યું, ‘’એ તો મુંબઈમાં ખાવ જ છું, મને ગુજરાતી થાળી જમાડો’’. એટલે અમે તેમને જૂના આરટીઓ પાસેની હોટલમાં લઈ ગયા. હોટલમાં સામાન્ય લોકોની જેમ 15 મિનીટ વેઈટિંગમાં બેસી રહ્યાં. જમ્યા પછી કહ્યું, ચિંતા ના કરો, અગિયારીનું બધું કામ કરી દઈશ.

સાયરસ મિસ્ત્રીએ સુરત આવવા પહેલાં મોટી શરત મૂકી હતી
મુંબઈ પહોંચ્યા બાદ ભાઠેના સાહેબનો ફોન કેકીભાઈ પર આવ્યો. તેમણે કહ્યું, સાયરસ રવિવારે સુરત આવી અગિયારીના રિનોવેશન માટે દાન આપશે, પરંતુ કોઈને ખબર પડવી જોઈએ નહીં. એવું બન્યું તો દાન મળશે નહીં. દાન ઉઘરાવવા હવાતિયાં મારતા ટ્રસ્ટીઓને તો ખજાનો જ હાથ લાગી રહ્યો હતો. એટલે શરત માની લીધી.

સાયરસ છેલ્લે 2021માં સુરત આવ્યા તે પણ એક ચમત્કાર જ હતો
છેલ્લે 2021માં સાયરસ અનાયાસે સુરત આવ્યા હતા. ત્યારે છેલ્લું કામ કરતા ગયા. 4000 વાર જમીન પરનું દબાણ દૂર કરવા કમ્પાઉન્ડ વોલ માટે 20 લાખ આપ્યા. દાદા શાપુરજીના હૂકમને માથા પર ચઢાવી સાયરસ મિસ્ત્રીએ બે વર્ષમાં 149 વર્ષ જૂની અગિયારીને સુરતના પારસી સમાજ માટે ફરી જીવંત કરી. સાયરસ મિસ્ત્રીના અકાળ મૃત્યુ બાદ પલ્લી બાસ્તાવાલા કહે છે કે આ બધો આતશનો જ ખેલ હોય તેમ લાગે છે. દાદાની ઈચ્છા પૂરી કર્યા બાદ સાયરસ…આટલું બોલતા પલ્લી બાસ્તાવાલાને ડુમો ભરાઈ આવ્યો હતો.

Most Popular

To Top