SURAT

બાબુભાઇ કાશીરામ એન્ડ સન્સ 115 વર્ષથી ચાલી રહેલી કરિયાણાની દુકાન લોકો માટે વિશ્વાસનું સરનામું બની છે

115 વર્ષ પહેલાં ચોક બજાર સ્થિત સોપારી ગલીમાં તમાકુ અને બીડી બનાવવા માટેના પાનની એક દુકાન શરૂ થઈ હતી. ત્યારે તમાકુ પંચમહાલ બાજુથી આવતું, જ્યારે બીડીના પાન હજીરા બાજુ પાકતા આ માલ નદી માર્ગે વહાણવટુથી સુરત આવતો. ત્યારે વહાણવટુથી જ મોટાભાગનો વહેવાર ચાલતો. આ દુકાને લોકો બદળગાડામાં કે પગપાળા આવતાં. આ પેઢી એટલે બાબુભાઇ કાશીરામ એન્ડ સન્સ.બદલાતાં સમયની સાથે આ પેઢીએ ધંધાનું વિસ્તરણ કરવાની સાથે કરીયાણુ વેચવાનું શરૂ કર્યું. 1965ની આસપાસ આ પેઢીમાં ડ્રાયફ્રૂટ વેચાવાનું શરૂ થયું અને આ સાથે ધીરે-ધીરે બીડીના પાન અને તમાકુનું વેચાણ બંધ થયું. આ પેઢી સુરત શહેરની સીમાની અંદર છે પણ તેના 80 ટકા ગ્રાહકો સુરતની આસપાસ ઓલપાડ, ચોર્યાસી તાલુકાના અને હજીરા તથા ડુમસ ગામના છે. શહેરની સાથે ઉપરોક્ત ગામોના લોકો માટે કરીયાણાની ખરીદી માટે વિશ્વાસનું સરનામું આ પેઢી બની છે તો શા માટે તે આપણે આ દુકાનના ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

આ પેઢીનો પાયો કાશીરામ લાલભાઈ તમાકુવાલાએ નાંખ્યો હતો : બાબુભાઇ તમાકુવાલા
115 વર્ષ પહેલાં બાબુભાઇ કાશીરામ તમાકુવાલાએ 3 હજાર રૂપિયા કરતા પણ ઓછી કિંમતમાં આ દુકાન ખરીદી હતી અને દુકાનમાં તમાકુ અને બીડીના સુકાયેલા પાન વેચવાનું શરૂ કર્યું હતું. એમનાં પૌત્ર 80 વર્ષીય રમેશભાઈ તમાકુવાલાએ જણાવ્યું કે ત્યારે સુરતમાં બીજી કોઈ તમાકુની દુકાન નહીં હતી. એ જમાનામાં બીડી પીનારા લોકો આ દુકાનમાં વેચાતા બીડીના સૂકા પાન ખરીદી તેમાં તમાકુ ભરી બીડી પિતા. એ સમય સોંઘવારીનો હતો ત્યારે બે આના શેર તમાકુ અને એક રૂપિયાના બીડીના પાનના સો પડીકા આવતા. એક પડીકામાં એક તોલો પાન રહેતાં.

1915માં કરીયાણુ વેચવાનું શરૂ કર્યું
કાશીરામભાઈના દીકરા બાબુભાઇએ 15 વર્ષની ઉંમરથી આ પેઢીમાં બેસવાનું શરૂ કર્યું હતું. તમાકુનું વેચાણ ઘટતાં 1915-17 થી બાબુભાઈએ દુકાનમાં કરીયાણુ વેચવાનું શરૂ કર્યું હતું. મરી-મસાલા પણ વેચાવાના શરૂ થયાં હતાં. જીરું ઊંઝાથી આવતા તથા રાય અને મેથી ઉત્તર ગુજરાતથી આવતું.કરીયાણું નડિયાદથી અને મુંબઈથી મરી મસાલા આવતા. 80 ટકા ગ્રાહકો બળદ ગાડામાં આવતાં. કેટલાક લોકો આના-બે આના બચાવવા ચાલતા આવતા હતા. પારસીઓ નાની-નાની ગાડીઓમાં 15થી 20 જણા બેસીને આવતા.

1952-55માં એક રૂપિયાની 192 પાઈ આવતી
પહેલાના સમયમાં આના, બે આના, રૂપિયે, પાઇમાં લેવડ-દેવડ થતી. 1952-55ના સમયમાં એક રૂપિયા માં 192 પઈ આવતી. બેગર્સને એક પાઈ આપવામાં આવતી. આજે બેગર્સને એક રૂપિયો તો આપવોજ પડે છે. એ જમાનાની સરખામણીમાં આજે 200 ગણી મોંઘવારી થઈ છે. એ જમાનો સસ્તાઈનો જમાનો હતો. પહેલાના સમયમાં લોકોનો માસિક પગાર 12 રૂપિયા જેટલો તો હતો જ.

નાનપુરા નાના ગામડાં જેવું હતું: રમેશભાઈ તમાકુવાલા
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક રમેશભાઈ તમાકુવાલાએ જણાવ્યું કે પહેલાના સમયમાં સુરત શહેરનો વિસ્તાર ખૂબ નાનો હતો. તે સમયે નાનપુરાથી ચોકબજાર-ભાગળ તરફ મકાઇ પુલના (ત્યારે પૂલ નહીં હતો) રસ્તા તરફથી આવતા ત્યારે કહેતા કે અમે શહેરમાં જઈએ છીએ. ત્યારે નાનપુરા નાના ગામડાં જેવું હતું.

1968 અને 2006ની રેલમાં લાખોના માલને નુકસાન થયું હતું : યોગેશભાઈ તમાકુવાલા
આ દુકાનની ચોથી પેઢીનાં સંચાલક યોગેશભાઈ તમાકુવાલાએ જણાવ્યું કે 1968માં સુરતમાં આવેલી રેલમાં ઘણી મિલકતોને નુકસાન થયું હતું. ત્યારે આ દુકાનમાં દોઢ ફૂટ પાણી ભરાયું હતું ત્યારે કરીયાણા અને ડ્રાયફ્રુટના માલને દોઢ લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હતું. 2006માં આવેલી ભયંકર રેલને તો સુરતીઓ કદાપી નહીં ભૂલી શકે. આ રેલમાં દુકાનમાં ત્રણ ફુટ પાણી ભરાયું હતું. આ રેલમાં પણ કરિયાણા, ડ્રાયફ્રૂટ અને મરી-મસાલાના માલને લગભગ 3 લાખ રૂપિયાના સામાનને નુકસાન થયું ત્યારે દુકાનનું થોડું ઘણું રિનોવેશન થયું હતું. 1970માં આ દુકાનને મોટી કરી હતી.

સુવાલી માર્ગેથી અંગ્રજો આવ્યાં ત્યારે ફિરંગીઓ સાથે ઝઘડો થયો હતો
અંગ્રેજોએ વ્યાપારની ક્ષિતિજો વધારવા ભારત તરફ રૂખ કરી હતી. તેમનો સુરતમાં પગ જમાવવાનો મનસૂબો પાર પાડવા અંગ્રેજો સુવાલીના માર્ગે સુરત આવ્યા હતાં પણ ત્યારે પહેલાથી જ વ્યાપારની ક્ષિતિજો વિસ્તારી ચૂકેલા પોર્ટુગીઝો સાથે સામનો થયો હતો અંગ્રજો અને પોર્ટુગિઝો વચ્ચે સંઘર્ષ થયો હતો જેમાં અંગ્રજો માર ખાઈ ગયા હતાં. ત્યારબાદ અંગ્રેજો મોટું લશ્કર લઈને આવેલા અને ફિરંગીઓને માર્યા હતાં.

8થી 10 રૂપિયે શેર કાજુ-બદામ વેચાતા અને રોયલ લોકોનો ખોરાક ગણાતો
રમેશભાઈ તમાકુવાલાએ જણાવ્યું કે 1965ના સમય ગાળા પહેલાંથી જ ડ્રાયફ્રૂટ રોયલ લોકોનો ખોરાક ગણાતો. સામાન્ય લોકોને ડ્રાયફ્રુટ ખાવાનું પોષાતું નહીં હતું. મેં આ પેઢીમાં 1960ના વર્ષથી 17 વર્ષની ઉંમરે બેસવાનું શરૂ કર્યું હતું. 1965થી આ પેઢીનાં ધંધાનું વિસ્તરણ કરવાની સાથે કાજુ, બદામ, પીસ્તા, કિસમિસનું વેચાણ શરૂ કર્યું. મોટાભાગનું ડ્રાયફ્રુટ દિલ્લી થી આવતું જ્યારે કરિયાણુ નડિયાદથી આવતું. 1965ના સમય ગાળા દરમિયાન કાજુ અને બદામ 8થી 10 રૂપિયે શેર વેચાતા. 57 વરસમાં કાજુનો ભાવ આજે વધીને 800 રૂપિયે કિલો અને 700 રૂપિયે કિલો બદામ વેચાય છે. આ પેઢી દ્વારા ટેકનોલોજીના આ જમાનામાં ગ્રાહકોના ઓર્ડર વહાટ્સએપ પર લેવામાં આવે છે. ઓલપાડ, ચોર્યાસી, ડુમસ, હજીરાના ગામોના લોકો આજે પણ લગ્ન પ્રસંગે કે સારા-નરસા પ્રસંગો માટે આ પેઢીમાંથી જ કરીયાણુ ખરીદે છે.

પૈસાદાર હજીરાથી 2 રૂ. માં તાંબાના ઘડામાં પાણી મંગાવતા
શહેરના મોટા નગરશેઠ, પૈસાદાર વર્ગ હજીરાથી પીવાનું પાણી મંગાવતા કેમકે એ પાણી બહું સારું આવતું. પૈસાદાર લોકોના ઘરમાં હજીરાના વ્યક્તિઓ પાણી નો ઘડો મુકવા આવતા. આ પાણીમાં લોહતત્વ વધારે હતું એટલે પીવા લાયક પાણી ગણાતું. ગામના લોકો તાંબાના ઘડામાં પાણી લાવતાં. તે જમાનામાં આ પાણી રૂપિયામાં મંગાવતા.

Most Popular

To Top