બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલા ચક્રવાત ‘અર્નબ’ની અસર દેશના 14 રાજ્યોમાં જોવા મળી રહી છે. ભારે વરસાદ, તેજ પવન અને પૂરની સ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 48 કલાક દરમિયાન વરસાદને કારણે અલગ-અલગ અકસ્માતોમાં 13 લોકોનાં મોત થયા છે. જ્યારે ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
ચક્રવાતના કારણે ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી નોંધાઈ રહી છે. યુપી, બિહાર અને છત્તીસગઢમાં નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું છે. ઉત્તર પ્રદેશના 30થી વધુ જિલ્લાઓમાં પૂરના જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે. બિહારના 19 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઓડિશાના મલકાનગિરીમાં સ્થિતિ ગંભીર: ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં સતત વરસાદના કારણે સ્થિતિ ગંભીર બની છે. કાંકુરુકોંડા, કન્યાશ્રમ, એમવી-90 અને એમવી-96 સહિતના અનેક પુલો ઉપર ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે. જેના કારણે મલકાનગિરીથી કાલીમેલા, મોટુ અને પોડિયા તરફનું વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યું છે. સાથે જ નેશનલ હાઈવે-326 પર પણ પાણી ભરાઈ જતા જિલ્લા પ્રશાસને માર્ગ બંધ કર્યો છે. જો કે હાઈવે પર અનેક સ્થળોએ સેકડો વાહનો ફસાયા હોવાના અહેવાલ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન અને પંચાયતો દ્વારા અસરગ્રસ્ત લોકોને ખોરાક તથા જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.મલકાનગિરીમાં આગામી કલાકો પણ મુશ્કેલ બની શકે તેવી શક્યતાને પગલે રેડ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો હોવાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક વિસ્તારોનો સંપર્ક પણ તૂટી ગયો છે.
ઓડિશાના સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ : ચક્રવાતની અસર મલકાનગિરી ઉપરાંત ગજપતિ સહિતના જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઓડિશાના સાત જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાલાસોરમાં પણ ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ફાયર સર્વિસની ટીમો દ્વારા રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.રેમુનામાં મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થયું હતું. બચાવ અને રાહત ટીમોને પણ વિવિધ વિસ્તારોમાં તૈનાત રાખવામાં આવી છે. બાલાસોરના 12 ફાયર સ્ટેશનો પર એક-એક બોટ તૈનાત કરવામાં આવી છે, જ્યારે ચાર વધારાની બોટ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
છત્તીસગઢમાં ત્રણ દિવસથી મુશળધાર વરસાદ : ચક્રવાત અર્નબના કારણે છત્તીસગઢમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. રાયપુર, બિલાસપુર, બસ્તર, દુર્ગ અને સરગુજા સહિતના વિભાગોમાં જનજીવન પર અસર પડી છે. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને કેટલાક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે.બસ્તર વિભાગ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતની અસર વધુ જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક નદીઓ અને નાળાઓમાં પૂર જેવી સ્થિતિ છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતાં આંતરજિલ્લા સંપર્ક પણ પ્રભાવિત થયો છે.ધમતરીના ગંગરેલ ડેમના તમામ 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમ 98 ટકાથી વધુ ભરાઈ જતાં રુદ્રી બેરેજ મારફતે મહાનદીમાં આશરે 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મુરૂમસિલી ડેમ પણ તેની સંપૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ ગયો છે, જ્યારે બાલોદ જિલ્લાના દુધવા અને સોંધુર ડેમમાં પણ 90 ટકાથી વધુ પાણી ભરાયું છે.
ઓડિશાના કેટલાક વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા સુકમા, કાંકેર, બીજાપુર, જગદલપુર, નારાયણપુર અને દંતેવાડા સહિતના વિસ્તારોમાં આવેલા અનેક ગામો પર પૂરના પાણીનું જોખમ વધ્યું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે તૈયારીઓ વધારી દેવામાં આવી છે.આ દરમિયાન હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત કુલ 14 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતની અસરથી આગામી સમયમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.