Vadodara

દિગ્ગજોનું પત્તુ કાપી શહેરનેમળ્યા નવા મેયર પિંકી સોની

વડોદરા: છેલ્લા કેટલાય સમયથી જેની વડોદરા વાસીઓ રાહ જોઈ રહ્યા હતા તેવા આગામી અઢી વર્ષ માટે નવા મેયરના નામની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. વડોદરાને નવા મહિલા મેયર તરીકે પિંકી સોની મળ્યા છે. તો સ્થાયી સમિતિના ચેરમેન તરીકે ડો. શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટ અને શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલના નામ ઉપર મહોર મારવામાં આવી છે. વડોદરા શહેરના મેયર તરીકેનું પદ ચોક્કસ કાંટાળું પદ છે. પરંતુ આ પદ મેળવવા માટે ચૂંટનાયેલા સભ્યો પડાપડી કરે છે. કારણ કે આ પદને તેઓ મલાઈદાર પદ તરીકે જ માને છે.

વડોદરા મહાનારપાલિકાના આગામી અઢી વર્ષ માટે પ્રથમ નાગરિકના નામની આજે જાહેરાત કરવાની હતી. સોમવારે સવારે 10 કલાકે વડોદરાના પ્રભારી ગોરધન ઝડફિયા શહેર કાર્યાલય ખાતે મેન્ડેડ લઈને આવી પહોંચ્યા હતા. અને તેઓએ નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી. પ્રદેશ તરફથી આવેલ મેન્ડેડમાં નવા મેયર તરીકે વોર્ડ નંબર 4 ના પ્રથમ વખત ચૂંટાયેલા મહિલા સભ્ય પિંકી સોનીના નામની જાહેરાત કરવામાં આવી હતી. તો ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન તરીકે ડો. શીતલ મિસ્ત્રી, અને શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોના નામની જાહેરાત સાથે જ કેટલાકના ચહેરા પર ખુશી તો કેટલાકના ચહેરા પડી ગયેલા નજરે પડ્યા હતા.

નામોની જાહેરાત બાદ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યાર બાદ મહાનગરપાલિકા ખાતે સભાખંડમાં વિશેષ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં તમામ સભ્યોએ નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને શાસક પક્ષના નેતાને શુભકામનાઓ પાઠવી હતી.

નિમણૂકોમાં સાંસદ અને સંગઠનનો હાથ ઉંચો રહ્યો
નવી નિમણુંકોમાં સંગઠનનો હાથ ઉંચો રહ્યો હતો સાથે સાથે મેયરએ ધારાસભ્ય મનીષા વકીલ તેમજ સાંસદ રંજનબહેન ભટ્ટના નિકટના માનવામાં આવે છે. મેયર તરીકે પિંકી સોનીના નામની જાહેરાત બાદ એમ પણ ચર્ચા ચાલી હતી કે મનીષાબહેન વકીલ તેમજ રંજનબહેન ભટ્ટના આશીર્વાદ પિંકી સોનીને ફળ્યા છે. અને પોતાના નામની જાહેરાત બાદ તેઓએ સાંસદના પગે પડી તેઓના આશીર્વાદ મેળવ્યા હતા. જ્યારે અન્ય હોદ્દેદારોમાં સંગઠન દ્વારા કરાયેલ રજુઆતને ધ્યાને રાખી હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે નિમણુંકોમાં સંગઠનનો પણ દબદબો જોવા મળ્યો.

પ્રદેશે તમામને સાચવી લીધા
નવા હોદ્દેદારોની નિમણૂકમાં પ્રદેશે સંગઠન અને ચૂંટાયેલ ધારાસભ્યો, સંસદને સાચવી લીધા હોવાનું જણાઈ આવ્યું છે. ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની નિમણુંક કરવામાં આવી છે જેઓ અગાઉ દંડક હતા. તેઓ ધારાસભ્ય અને દંડક બાલુ શુકલના નિકટના માનવામાં આવે છે. તો સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીની કોરોના દરમિયાનની કામગીરી જોઈને તેઓને આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું ચર્ચામાં છે. મનોજ પટેલ એ શહેર પ્રમુખ ડો. વિજય શાહના નિકટના છે તેથી તેઓની શાસક પક્ષના નેતા તરીકેની નિમણુંક થતા સંગઠનને પણ સાચવી લેવાયું હોવાની ચર્ચા જોવા મળી હતી.

નવા મેયર પાસે કોઈ એક્શન પ્લાન જ નથી
નવા મેયર તરીકે પિંકી સોનીના નામ ઉપર મહોર મારવામાં વી છે. ત્યારે તેઓની નિમણુંક બાદ તેઓને શહેરના પ્રાણ પ્રશ્નો અંગે પૂછવામાં આવ્યું હતું અને તેઓ કેવી રીતે નિકાલ કરશે તે પૂછતાં તેઓના ચહેરા ઉપર ચુપકીદી જોવા મળી હતી. તેઓ માત્ર ફિલોસોફીની વાતો અને વડાપ્રધાનની વાતો જ કરતા જોવા મળ્યા હતા. તેઓ શહેરના વિકાસને આગળ કેવી રીતે ધપાવશે તેવો કોઈ એક્શન પ્લાન તેઓ પાસે હાલ નથી તેમ સ્પષ્ટ પાને લાગી રહ્યું છે. ત્યારે તેઓ માત્ર રબર સ્ટેમ્પ જ બની રહેશે તે ચોક્કસ છે.

શહેરના વિકાસ માટે સૌને સાથે રાખી પહાડી પ્રયાસો કરીશુ
પ્રદેશ ભાજપ એ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તેને પરિભૂત કરીશ આગામી દિવસોમાં કલાનગરી અને સંસ્કાર નગરી વડોદરાના વિકાસમાં ચાર ચાંદ લાગે તેવા પ્રયત્નો કરીશ અને મારા પહાડી પ્રયત્નો રહેશે કે વડોદરા ને આગળ ધપાવી શકાય. સૌને સાથે લઈ હાલ સુધીમાં જે કામો કરાવવામાં આવ્યા છે તેને આગળ ધપાવવાના પ્રયત્નો કરીશું.
– પિંંકી સોની, મેયર વડોદરા

નવા ભાજપામાં RSS નું વર્ચસ્વ ઘટ્યું
એક સમય હતો જયારે કોઈ પણ નિમણૂકમાં સંઘનો દબદબો રહેતો હતો. જો કે હવે નવા ભાજપામાં સંઘને જાને સાઈડ ટ્રેક કરવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. નવી નિમણૂકોમાં સંઘનું વર્ચસ્વ ઘાયું હોય તેમ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. એકેય હોદ્દેદ્દાર સંઘની ભલામણથી નથી મુકાયા. ત્યારે નવા ભાજપાને હવે નવા કાર્યકરો પોતાની રીતે જ ચલાવવા માંગતા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Most Popular

To Top