SURAT

સુરતના ભટારમાં રહેતી મહિલાએ રૂપિયા ડબલ કરવાની લાલચમાં 20 લાખ ગુમાવ્યા

સુરત: (Surat) ભટારમાં રહેતી પરિણીતાને તેની બહેનપણીએ (Friend) તેના સાગરીતો સાથે મળી ટૂંકાગાળામાં પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી જાળમાં ફસાવી હતી. પરિણીતા પાસેથી ૨૦ લાખ રૂપિયા પડાવી લઈ બાદમાં પૈસા પરત નહીં આપી છેતરપિંડી (Fraud) કરી હતી. અંતે પૈસા ગુમાવ્યાનું સમજી ગયેલી પરિણીતાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  • ભટારમાં રહેતી પરિણીતાએ રૂપિયા ડબલ કરવાની લાલચમાં 20 લાખ ગુમાવ્યા
  • સાથે નોકરી કરતી બહેનપણીએ સાગરિતો સાથે મળીને પરિણીતા સાથે ખેલ કર્યો
  • પરીણિતાને ડુમસ ઓફિસમાં મળવા લઈ ગઈ, બાદમાં ફોર્ચ્યુનર અને થાર કારમાં બેસાડી પૈસા પડાવી લીધા
  • બાળકોની બચતના ગલ્લામાં રાખેલા બે લાખ રૂપિયા પણ ગુમાવ્યા

ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટાર રોડ ઉમાભવન પાસે આનંદમંગલ સોસાયટીમાં રહેતી 33 વર્ષીય સુમનબેન મનીષભાઈ જૈને ખટોદરા પોલીસ સ્ટેશનમાં સુપ્રિયા રવિન્દ્ર પરીડા (રહે. સ્વપ્ન સૃષ્ટી સોસાયટી, ભેસ્તાન), સાગર બાબુલાલ પટેલ (રહે. બાલાજી બંગલો, ભીમરાડ), આશીષ અને બે અજાણ્યાઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પરિણીતા વર્ષ 2017 માં ઘોડદોડ રોડ હેપ્પીનેશ નામની બેનર પ્રિન્ટિંગની ઓફિસમાં નોકરી કરતી હતી.

આરોપી સુપ્રિયા પરીડા પણ તેની ઓફિસમાં કામ કરતી હોવાથી તેની સાથે ઓળખાણ થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થતા સુપ્રિયાએ એક દિવસ તેમનો પરિચય સાગર બાબુલાલ પટેલ અને આશિષ નામના યુવક સાથે પરિચય કરાવ્યો હતો. આશિષ રૂપિયા ડબલ કરવાનું કામ કરે છે તારે રૂપિયા ડબલ કરવા હોય તો થોડા સમયમાં જ ડબલ થઈ જાય છે તેવી લાલચ આપી હતી. અને બાદમાં ખેલ કરીને પરિણીતા પાસેથી 20 લાખ પડાવ્યા હતા. આ રૂપિયા પરત નહી આપી છેતરપિંડી કરી હતી. આ બનાવમાં સૌથી કરૂણ બાબત તો એ છે કે, પરીણિતાએ બાળકોની બચતના બે લાખ રૂપિયા ગલ્લામાં રાખ્યા હતાં તે પણ ગુમાવી દીધાં.

20 લાખના 40 લાખની લાલચમાં મિત્રો અને ભાઈ પાસેથી ઊછીના લીધા
પૈસા ડબલ કરવા માટે ટોળકીએ પરિણીતાને 20 લાખ લાવવા કહ્યું હતું. બીજા 20 લાખ સાગર અને 10 લાખ સુપ્રિયા લાવશે. જેના બદલે 1 કરોડ રૂપિયા મળશે તેમ કહ્યું હતું. લાલચમાં આવીને પરિણીતાએ તેમની બહેનપણી મનીષાબેન પાસે 5.50 લાખ ઉછીના લીધા હતા. ભાઈ પાસેથી 2.50 લાખ લીધા હતા. બાળકોના બચત કરી ગલ્લામાં રાખેલા 2 લાખ રૂપિયા પણ કાઢી લીધા હતા. બાદમાં બીજા મિત્ર પાસેથી 4 લાખ લીધા હતા. અને સોનાની લગડી વેચીને બીજા 6 લાખ મળીને 20 લાખ ભેગા કર્યા હતા.

20 લાખ લઈને કારમાં બેસાડી ડિંડોલી લઈ ગયા અને બેગ લઈને જતા રહ્યાં
બે મહિના પહેલા સુમનને સુપ્રીયા રૂપિયા ડબલ કેવી રીતે થાય છે તે સમજાવવા માટે ડુમસ ખાતે આશિષને મળવા માટે લઈ ગઈ હતી. આશિષ ચાર અજાણ્યાઓ સાથે ફોર્ય્યુનર કારમાં આવ્યો હતો. સુમનને ગાડીમાં બેસાડી સ્કીમ અંગે વાતચીત કરી હતી. એક મહિના બાદ સુપ્રિયાએ અગાઉ એક કામ કર્યું હતું. જેમાં 50 હજાર કમિશન મળ્યું છે કહી વિશ્વાસમાં લીધી હતી. ટોળકીની વાતોમાં આવી સુમનબેને 8 ઓગસ્ટના રોજ 20 લાખ રૂપિયા ડબલ કરવા માટે ડિંડોલી પ્રમુખ સર્કલ પાસે આપ્યા હતા. પૈસા લીધા ટોળકીએ સુમનને ઠાર ગાડીમાં માણસો પૈસા લઈને આવે છે. કહી પાછળ પાછળ બોલાવ્યા હતા. થોડા સમય બાદ થાર ગાડી આવતા સુપીયા પૈસા લઈને ગાડી પાસે ગઈ હતી. અને થોડીક વારમાં પરત સુમન પાસે આવી ગાડીમાં આવેલા લોકો પૈસા ભરેલી બેગ ઝુટવી ધક્કો મારી ભાગી ગયા હોવાની સ્ટોરી ઉપજાવી હતી.

સુપ્રિયા હનીટ્રેપ કરતી ગેંગમાં સંકળાયેલી છે
બીજી તરફ આશિષનો મોબાઈલ બંધ આવવા લાગ્યો હતો. જેથી સુમનને અંદાજ આવી ગયો કે આ બધુ સુપ્રીયા અને સાગરે જ કરાવ્યું છે. અને બંને જણાને તેમની સામે પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતા સુપ્રીયાએ આપણે કોઈ બીજી રીતે કમાવી લઈશુ અને હું પૈસાદાર માણસોને હનીટ્રેપમાં ફસાવી પૈસા કમાવતી આવી છુ. તેમાંથી તારા રૂપિયા ચુકવી દઈશ તેવુ કહેતા પૈસા પરત ન આપી છેતરપિંડી કરી હતી.

Most Popular

To Top