Gujarat

દેશના સાંસ્કૃતિક પુનઃ જાગરણ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી થઈ રહી છે : રાજનાથસિંહ

ગાંધીનગર : કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની ઉપસ્થિતિમાં આજે સોમનાથ (Somnath) ખાતે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો હતો. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વિશ્વના (World) પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં તમિલનાડુ અને ગુજરાત, આ બે પ્રદેશોના મિલનનો આ કાર્યક્રમ ભારતના સાંસ્કૃતિક વૈભવના દર્શન કરાવે છે.

રાજનાથસિંહે કહ્યું હતું કે સીમા સુરક્ષા, આર્થિક સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, સામાજિક સુરક્ષા, સાયબર સુરક્ષાની સાથે-સાથે આજે દેશમાં સંસ્કૃતિની સુરક્ષા પણ અનિવાર્ય છે. કોઈ પણ રાષ્ટ્રની સરહદને સુરક્ષિત રાખવા સીમા સુરક્ષા જરૂરી છે તેવી જ રીતે તેની અસ્મિતાને જાળવી રાખવા માટે સાંસ્કૃતિક સુરક્ષા પણ ખૂબ જ જરૂરી છે. પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આ દિશામાં અભૂતપૂર્વ કામગીરી થઈ રહી છે. દેશના સાંસ્કૃતિક પુનઃ જાગરણ યુગના આપણે સાક્ષી બન્યા છીએ.

પીએમ મોદીના પ્રયાસોથી અગાઉ કાશી-તમિલ સંગમનું પણ ભવ્ય આયોજન થયું હતું. આ પ્રકારના આયોજનો ભારતની વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરનારા અને દેશની એકતાને દ્રઢ કરનારા બની રહે છે. ભારત એક વિચાર એક એવી અનુભૂતિ છે કે જેને શબ્દોથી વ્યાખ્યાયિત કરી શકાય તેમ નથી. આ વિચારને સદીઓ સુધી થયેલા વિદેશી આક્રમણો પણ નષ્ટ કરી શક્યા નથી તેમ સૌરાષ્ટ્રની ધરતી પર સમુદ્ર માર્ગે થયેલા અનેક આક્રમણો સૌરાષ્ટ્રના જુસ્સાને તોડી શક્યા નથી. આક્રમણકારો ધન વૈભવને લૂંટીને લઈ ગયા સાથે સાથે મંદિરો, ઘરો, વિદ્યાલયો, પુસ્તકાલયો તોડ્યા અને તેનો નાશ કર્યો હતો પરંતુ એ આક્રમણકારીઓ સૌરાષ્ટ્રવાસીઓના મનોબળને તોડી શક્યા નહિ અને તેઓ વારંવાર બેઠા થતા રહ્યા છે. આવા સૌરાષ્ટ્રવાસીઓ પોતાના ધર્મ અને સંસ્કૃતિને બચાવવા સદીઓ પૂર્વે તામિલનાડુમાં સ્થાયી થયા અને પોતાની મહેનત અને બુદ્ધિથી સમૃદ્ધિ પામ્યા તેમજ તામિલનાડુના વિકાસમાં પણ મહત્વપૂર્ણ પ્રદાન આપ્યું.

દૂધમાં સાકરની માફક એકબીજા સાથે ભળી જવું અને બીજાને અપનાવી લેવા એ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે. તમિલ સૌરાષ્ટ્ર સંગમ ‘વસુધૈવ કુટમ્બકમ’નો ઉદ્દાત વિચાર આપનાર દેશે પ્રસ્તુત કરેલું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આવા મૂળ સૌરાષ્ટ્રવાસી તમિલો પોતાના મૂળ વતનની મુલાકાતે આવ્યા છે ત્યારે ભારતના પશ્ચિમી સમુદ્રનું જળ પૂર્વ જળ સાથે ભળી જતું હોય એવો આ સંગમ લાગે છે.

ગુજરાતના નરસિંહ મહેતા જેવા સંતોને યાદ કરતા રાજનાથસિંહે જણાવ્યુ હતું કે ભગવાન શ્રી કૃષ્ણની ભજન પરંપરા શ્રદ્ધા રાખનાર મૂળ સૌરાષ્ટ્રીયન તમિલોએ આગળ ધપાવી. એક સમુદ્રના છેડા પર ભગવાન સોમેશ્વર શિવ વસે છે જ્યારે બીજા છેડા પર ભગવાન રામે વસાવેલું રામેશ્વરમ છે. આ સંગમ બંને સંસ્કૃતિને જોડતો અદભુત સંગમ છે. આ સમુદાયનો ઇતિહાસ વિકાસ સાધવાનો છે. કલા સાહિત્ય અને ભાષાના ક્ષેત્રોમાં સૌરાષ્ટ્રના પ્રદાન વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે આ સંગમમાં આ તમામ ક્ષેત્રનો બારીકાઈથી વિચાર કરવામાં આવ્યો છે અને બંને પ્રજા અને રાજ્યોના વિકાસમાં આ સંગમ સીમાચિહ્નરૂપ બની રહશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સદીઓ પહેલા તામિલનાડુ જતા રહેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલોને પોતાના મૂળ વતનની મુલાકાત કરાવવાનું અને એ રીતે બે સંસ્કૃતિઓના સંગમની ઉજવણીનો આ અનોખો કાર્યક્રમ પીએમ નરેન્દ્રમોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સપનાને પૂર્ણ કરવાની દિશામાં અતિ અગત્યનો બની રહેશે. બે વિશિષ્ટ સંસ્કૃતિઓના સંગમનો આ અનોખો કાર્યક્રમ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનું એક ગૌરવશાળી પ્રકરણ બની રહેશે. વડાપ્રધાન મોદીએ નાત-જાત કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌને સમાવી લેતી વિકાસની રાજનીતિનો પ્રારંભ કર્યો છે એમ જણાવતા મુખ્યમંત્રીએ તમિલ બાંધવોને વિકાસની આ રાજનીતિનો પાયો જ્યાં નંખાયો તે ગુજરાતની મુલાકાત લેવા અને અન્યોને પણ આ માટે પ્રેરવા અનુરોધ કર્યો હતો.

ભારતમાં અઢળક ભાષા અને જુદા જુદા વ્યવહાર છે પરંતુ સંસ્કૃતિ, ધ્યેય, ભાવના અને લાગણીથી તમામ એકતાંતણે જોડાયેલા છે. કૃષ્ણલાલ શ્રીધરાણી તેમજ શ્રી ઝવેરચંદ મેઘાણી જેવા સાહિત્યકારો થકી ગુજરાતી સાહિત્ય ઉજળુ બન્યું છે. તો એ જ રીતે તમિલ ભાષામાં એ જ લાગણીઓ વ્યક્ત કરતા કવિ સુબ્રમણીયમ જેવા કવિ રત્નો છે.

Most Popular

To Top