Dakshin Gujarat

નદીમાં નાહવા પડેલા યુવાનને 8 ફૂટના મગરે પકડી લીધો, એક લાકડી અને 4 મિત્રોની મદદથી આવી રીતે બચાવ્યો જીવ

ભરૂચ: ઝઘડિયાના (Zaghadiya) લીમોદરા ગામે નદીમાં (River) નાહવા પડેલા 5 મિત્રો પૈકી એક યુવાનને મગરે (Crocodile) પકડી લેતાં જીવ સટોસટીનો જંગ એક કલાક સુધી ખેલાયો હતો. ચાર મિત્રોએ ભારે જહેમતે યુવાનને મગરના મુખમાંથી ઉગારી લીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને ભરૂચ (Bharuch) સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઝઘડિયાના લીમોદરા ગામે મગરના હુમલામાં ઈજાગ્રસ્ત કમલેશ ભીખા વસાવાને પગે ગંભીર ઇજા પહોંચતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો છે.

  • ૮ ફૂટ મોટા મગરના મોંમાં ફસાયેલો પગ છોડાવવા કામે લાગી એક લાકડી અને ચાર મિત્રોની હિંમત
  • ઘવાયેલા યુવાનને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

શુક્રવારે બપોરે ઝઘડિયાના લીમોદરા ગામનો કમલેશ ભીખા વસાવા તેના ૪ મિત્ર સાથે નર્મદા નદીમાં નાહવા ગયો હતો. બપોર સુધી કામ પતાવ્યા બાદ તેઓ ગરમી વધુ હોય નર્મદા નદીમાં નાહવા ગયા હતા. જ્યાં નદીમાં રહેલો મગર પાછળથી કમલેશભાઈ ઉપર હુમલો કરી પાણીની અંદર ખેંચી ગયો હતો. મગર પાણીમાં ખેંચી જતાં કમલેશે બૂમો પાડતાં તેના મિત્રો દોડી આવ્યા હતા. અને કમલેશને બચાવવા પ્રયત્ન હાથ ધર્યા હતા. પાણીની અંદર મગરે જડબામાં યુવાનનો પગ દબોચી લીધો હોવાથી પાણીમાંથી બહાર આવવામાં અસમર્થ બન્યો હતો. ચાર મિત્રોએ લાકડીની મદદથી મગરનો પ્રતિકાર કર્યો હતો. કમલેશે પણ હિંમત દાખવી મગરના મુખમાંથી પોતાને છોડાવવાના પ્રયત્નો જારી રાખ્યા હતા. મગર ૮ ફૂટનો હોવાનો અંદાજ કમલેશે લગાવ્યો હતો. મગરે પગ છોડતાં જ એક કલાકની ભારે જહેમતે યુવાન હેમખેમ ઊગરી ગયો હતો. કમલેશને પગના ભાગે ગંભીર ઇજા થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મગરના હુમલામાં એક ઈસમ પર હુમલાની વાત વાયુવેગે પ્રસરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ચીખલી તાલુકાના કલિયારી ગામેથી દીપડો પાંજરે પૂરાયો
ઘેજ : ચીખલી તાલુકાના કલિયારી ગામેથી દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોને રાહત થવા પામી હતી. પ્રાપ્ત વિગત મુજબ કલિયારી ગામના દાદરી ફળિયામાં દીપડાની અવર – જવર જણાતા વનવિભાગ દ્વારા ખેડૂત ધર્મેશભાઇ ઠાકોરભાઇ પટેલના ખેતરમાં પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. દીપડાની અવર-જવરને પગલે સ્થાનિકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. આ દરમ્યાન આજે અંદાજે ત્રણેક વર્ષની ઉંમરનો દીપડો પાંજરે પૂરાતા દીપડાને જોવા આસપાસના લોકો ધસી આવ્યા હતા. વન વિભાગ દ્વારા આ દીપડાનો કબજો લઇ વેટરનીટી તબીબ પાસે જરૂરી મેડીકલ તપાસ કરાવી જંગલમાં સલામત રીતે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીમાં ચીખલી રેંજના આરએફઓ એ.જે. પડસાળા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Most Popular

To Top