Columns

કોવિનનો ડેટા લિક થયો તે કોઈ પણ દેશ માટે ગંભીર મામલો છે

કોરોનાની વેક્સિન લેવા માટે કોવિન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરનારા ૧૧૦ કરોડ ભારતીયોનો ડેટા લિક થયો તે બાબતમાં સરકાર સત્ય સંતાડી રહી છે. આ ડેટામાં વેક્સિન લેનારાં ભારતીયોનાં નામ, સરનામાં, લિંગ, ઉંમર, આધાર નંબર, જન્મતારીખ, બેન્ક અકાઉન્ટ નંબર, પાસપોર્ટ નંબર વગેરે વિગતો ટેલિગ્રામની ચેનલ પર મૂકી દેવામાં આવી હતી. અમેરિકા જેવા કોઈ પણ વિકસિત દેશમાં જો આટલા વિરાટ પાયા પર નાગરિકોનો ડેટા લિક થયો હોત તો સરકારને રાજીનામું આપવાની ફરજ પડી હોત; પણ અહીં તો સરકારના પેટનું પાણી પણ હલતું નથી. તેનું કારણ એ છે કે ભારતનાં નાગરિકો પોતાની પ્રાઇવસી અને પોતાના ડેટા બાબતમાં સુષુપ્ત છે. જો આ નાગરિકોના બેન્કનાં ખાતાંમાંથી રૂપિયા ચોરાઈ ગયા હોત તો તેઓ રસ્તા ઉપર આવી ગયા હોત; પણ ડેટા ચોરાઈ જવાને કારણે તેમને જે નુકસાન થયું છે, તેની ગંભીરતા તેમને સમજાતી નથી.

કોવિનનો ડેટા લિક થયો તેવા સમાચાર આવ્યા કે તરત સરકાર દ્વારા ખુલાસો બહાર પાડવામાં આવ્યો હતો કે ડેટા લિક થવાના સમાચાર તોફાની છે અને બિનપાયેદાર છે. સરકારના દાવા મુજબ કોવિન સર્વર સેફ છે અને તેમાંથી કોઈ ડેટા લિક થયો નથી. જો સરકારની વાત સાચી હોય તો ટેલિગ્રામ ચેનલ પર જે ડેટા વેચાઈ રહ્યો હતો તે ક્યાંથી આવ્યો? હકીકતમાં સરકાર અર્ધસત્ય બોલી રહી છે, જે અસત્ય કરતાં વધુ ભયંકર છે. કેન્દ્રના આઈટી ખાતાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરના કહેવા મુજબ ટેલિગ્રામની ચેનલ પર અગાઉ ચોરેલો ડેટા અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિધાન પરથી સમજાય છે કે કોવિનનો ડેટા તો અગાઉ લિક થઈ ગયો હતો.

હેકરો દ્વારા તેને બીજા સર્વર પર અપલોડ કરવામાં આવ્યો હતો અને તેના પર તેઓ ડેટા વેચતા હતા. આ કૌભાંડ બહાર આવી ગયું ત્યારે સરકાર દ્વારા ટેલિગ્રામની ચેનલ બ્લોક કરી દેવામાં આવી છે, પણ હેકરો પાસે ચોરાયેલો ડેટા જેમનો તેમ છે. આવતી કાલે તેઓ બીજી કોઈ પણ ચેનલ પર ડેટા વેચવાનું ચાલુ કરી શકે છે. વર્ષ ૨૦૨૧માં જ્યારે કોવિન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું અને વેક્સિન લેનારા લોકો માટે આરોગ્ય સેતુ એપ ફરજીયાત કરવામાં આવી ત્યારે પણ તેમાં સંગ્રહિત કરાનારા ડેટાની સલામતી માટે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

બેંગલોરમાં રહેતા અનિવર અરવિંદ નામના આઈટી નિષ્ણાતે કર્ણાટક હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી કરીને આરોગ્ય સેતુ એપ ફરજીયાત કરવાનો વિરોધ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ વિશ્વનો મોટામાં મોટો ડેટા લિક ૨૦૧૩માં થયો હતો, જ્યારે યાહૂમાં પોતાનું ખાતું ધરાવતા ૩ અબજ લોકોના ઇમેઇલ આઇડી અને પાસવર્ડ લિક થયા હતા. તેનો ઇલાજ સરળ હતો. લોકોએ પોતાના પાસવર્ડ બદલી કાઢ્યા હતા, જેને કારણે તેમનાં ઇમેઇલ ખાતાંઓ સલામત બની ગયાં હતાં. ભારતમાં કોવિન પોર્ટલ પરથી જે ડેટા ચોરાયો છે તેમાં વેક્સિન લેનારાં લોકોનાં નામ, સરનામાં, જન્મતારીખ, આધાર નંબર અને પાસપોર્ટ નંબર પણ છે.

તેમાંની કોઈ વિગતો બદલી શકાય તેવી નથી. આ ડેટાનો કઈ રીતે દુરુપયોગ થઈ શકે તેની કોઈને કલ્પના નથી. દાખલા તરીકે કોઈ ગિફ્ટ આઇટેમ બનાવતી કંપની તેના પરથી ૧૧૦ કરોડ લોકોની જન્મતારીખ અને મોબાઈલ નંબર લઈને તેમના જન્મદિવસે પોતાની પ્રોડક્ટ વેચી શકે છે. આજકાલ લોકોના વ્હોટ્સ એપ નંબર ઉપર માર્કેટિંગના કોલ કે મેસેજ આવતા થઈ ગયા છે. આ કંપનીઓ પાસે લોકોના ફોન નંબરો ક્યાંથી આવે છે? તેની પાછળ આ રીતનું ડેટાનું લિકેજ કારણભૂત હોય છે.
આજકાલ ઇન્ટરનેટ ઉપર ઘણાં આર્થિક કૌભાંડો ચાલી રહ્યાં છે.

કૌભાંડકારો દ્વારા લોકોને ફોન કરીને તેમની અંગત વિગતો તેમને જણાવવામાં આવે છે, જે કોવિન જેવા પોર્ટલ પરથી લિક થયેલી હોય છે. ફોન કરનાર તેમની બેન્ક કે વીમા કંપનીમાંથી ફોન કરતો હોવાનો દાવો કરે છે. તેની પાસે ગ્રાહકના ફોન નંબર ઉપરાંત તેની જન્મતારીખ વગેરે વિગતો સચોટ હોવાથી ગ્રાહક તેના પર વિશ્વાસ મૂકીને પોતાની વિગતો આપી દે છે. તેનો ઉપયોગ કરીને તેનો મોબાઈલ હેક કરી લેવામાં આવે છે. મોબાઈલ નંબરને બેન્ક અકાઉન્ટ સાથે લિન્ક કરવામાં આવ્યો હોવાથી બેન્કનું ખાતું પણ ખાલી થઈ જાય છે.

કૌભાંડ કરનારાઓ આપણા આધાર નંબરનો ઉપયોગ કરીને ફોટોશોપ વડે બોગસ આધાર કાર્ડ છપાવી આપણા નામે બેન્કમાં ખાતું પણ ખોલાવી શકે છે. તેઓ આપણા નામે મોબાઈલ કંપનીનું સીમ કાર્ડ ખરીદી તેનો ઉપયોગ સમાજવિરોધી પ્રવૃત્તિ માટે કરી શકે છે. આજકાલ ઇન્ટરનેટ પર ફીશીંગ કૌભાંડ ચાલી રહ્યાં છે. તેમાં બેન્કની વેબસાઇટ જેવી જ વેબસાઇટ બનાવી ગ્રાહકોને મેસેજ મોકલવામાં આવે છે અને તેમનાં ખાતાં ખાલી કરી દેવામાં આવે છે. કોવિન પોર્ટલનો જે ડેટા ટેલિગ્રામની ચેનલ પર વેચવામાં આવ્યો તે ક્યારે લિક થયો હતો? સરકારને તેની કોઈ ગતાગમ નથી. સરકારે માત્ર એટલો જ ખુલાસો કર્યો હતો કે તે જૂનો ડેટા છે.

તેનો મતલબ એ થયો કે આ ડેટાની ભૂતકાળમાં ચોરી કરવામાં આવી હતી, પણ તેનું વેચાણ હમણાં ચાલુ કરવામાં આવતાં આપણને તેની જાણ થઈ હતી. આ ડેટામાં બાળકોને વેક્સિન આપી તેનો ડેટા પણ છે. બાળકોને વેક્સિન આપવાનો પ્રારંભ વર્ષ ૨૦૨૧ના જાન્યુઆરીમાં કરવામાં આવ્યો હતો. તેના પરથી કહી શકાય કે આ ડેટા લિક ૨૦૨૧ના જાન્યુઆરી પછી થયો છે. સરકાર જ્યારે કોઈ પણ નાગરિકનો ખાનગી ડેટા માગે ત્યારે સરકાર દ્વારા તેને બાંયધરી આપવામાં આવતી હોય છે કે સરકારી હાથોમાં તેમની અંગત માહિતી સુરક્ષિત છે. જો સરકારની બેદરકારી કે અણઆવડતને કારણે નાગરિકોનો ડેટા લિક થઈ જાય તો તે સરકાર દ્વારા કરાયેલો વિશ્વાસઘાત છે.

વિદેશોમાં કોઈ પણ નાગરિકોનો ડેટા લિક થઈ જાય તો લિક કરનારને સજા કરવા બાબતના કાયદાઓ છે. ભારતનાં ડેટા સંરક્ષણ બાબતના કોઈ કાયદાઓ હયાત નથી. કાયદા પંચ દ્વારા આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, પણ તેને સ્વીકારવા સરકાર તૈયાર નથી. સરકાર દ્વારા વારંવાર તેમાં પાણી નાખીને તેને નબળો બનાવવામાં આવી રહ્યો છે. તેનો કાયદો બનાવવાની સરકારને ઉતાવળ નથી; કારણ કે કાયદો બન્યા પછી સરકારની જવાબદારી વધી જશે. આવા કોઈ પણ કાયદાના અભાવમાં નાગરિકોને તેમનો ખાનગી ડેટા આપવાની ફરજ પાડવી એ તેમની સ્વતંત્રતા ઉપરનું પણ આક્રમણ છે.

દાખલા તરીકે સુપ્રિમ કોર્ટ દ્વારા આધાર કાર્ડને મરજીયાત જાહેર કરવામાં આવ્યું હોવા છતાં બેન્કના મેનેજરો આધાર કાર્ડ વગર ખાતું ખોલી આપતા નથી. સરકારે પહેલાં પ્રસાર માધ્યમો દ્વારા પ્રજામાં કોરોનાનો ડર ફેલાવ્યો. પછી લોકોને કોરોનાથી બચવા વેક્સિન લેવાનું દબાણ કર્યું. વેક્સિન લીધા સિવાય સરકારી કચેરીમાં જઈ ન શકાય અને દુકાન ખોલી ન શકાય તેવા તઘલઘી કાયદાઓ કર્યા. ડરના માર્યા લોકો વેક્સિન લેવા દોડ્યા ત્યારે તેમને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની ફરજ પાડવામાં આવી. આરોગ્ય સેતુનો બધો ડેટા કોવિન પોર્ટલ પર સેવ કરવામાં આવ્યો છે. હવે તે ડેટા લિક થઈ ગયો છે ત્યારે સરકાર તેની જવાબદારી લેવા તૈયાર નથી. આવતી કાલે તે ડેટાનો ઉપયોગ કરીને કૌભાંડ કરનારા બેન્કના ગ્રાહકોને ફોન કરીને કહેશે કે તમારો ઓટીપી નહીં આપો તો તમારું ખાતું બંધ થઈ જશે. અબુધ લોકો ઓટીપી આપશે અને તેમનું ખાતું ખાલી થઈ જશે તો સરકાર તેની જવાબદારી લેશે ખરી?

Most Popular

To Top