રાજ્યમાં ૧૦ હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ કાર્યરત થઇ ગયા

ગુજરાત સ્થાપના દિવસ ૧લી મેથી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે. સીએમ વિજય રૂપાણીએ ગ્રામજનોને પોતાના ગામમાં કોરોનાના અતિ સામાન્ય લક્ષણો ધરાવતા વ્યક્તિઓ માટે કોવિડ કેર સેન્ટર ગ્રામ્યસ્તરે શરૂ કરી ત્યાં સારવાર-આઇસોલેશન માટે આહવાન કરાયું હતું.

જેનો માત્ર ૪૮ કલાક એટલે કે બે જ દિવસમાં ઉત્સાહજનક પ્રતિસાદ મળતાં રાજ્યના ર૪૮ તાલુકાની ૧૪,ર૪૬ ગ્રામ પંચાયતોમાં ૧૦૩૨૦ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત થઇ ગયા છે. આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં કુલ ૧ લાખ પ હજારથી વધુ બેડની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

સીએમ વિજય રૂપાણીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપીલ કરી હતી.

એટલું જ નહિ, આવા આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાન્ડર્ડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન પણ તેમણે કર્યુ હતું.
ગ્રામીણ કક્ષાએ કોરોના મુકત ગામ બંને સાથોસાથ ગામમાં શરદી, તાવ, ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા અને પોતાના ઘરે આઇસોલેશનની સુવિધા ન હોય તેવા ગ્રામજનોને આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં ભોજન-આવાસ, સ્ટાન્ડર્ડ દવાઓ, આયુર્વેદીક ઊકાળા તેમજ પલ્સ ઓક્સિમીટર, થર્મોમીટર જેવી પાયાની આરોગ્ય સુવિધાઓ સાથે આઇસોલેશનમાં અલગ રાખવા પણ તેમણે અપીલ કરી હતી.


આ અપીલને પગલે ગ્રામ્ય કક્ષાએ સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન જેવા બિલ્ડીંગ સ્થળોનો ઉપયોગ કરીને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તાલુકા વિકાસ અધિકારી અને ગામના અગ્રણીઓની ૧૦ વ્યક્તિઓની સમિતિને લોકભાગીદારીથી જોડી વધુને વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. ડાંગ જેવા દુર્ગમ આદિજાતિ વિસ્તારમાં ૮૩ સેન્ટર્સમાં ૧૨૪૨ બેડ માંડીને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર બનાસકાંઠામાં ૮૯૭ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ૬૪૦૦ પથારીની સુવિધા સાથે ઊભા કરવામાં આવ્યા છે.

Related Posts