National

જેમને કોવિડ-૧૯ થયો હોય તેવા દર્દીઓને કેન્સર સામે લડવામાં મદદ મળે છે?

શું કોઇ વ્યક્તિને કોવિડ-૧૯ થયો હોય તો તે તેને કેન્સર સામે લડવામાં મદદરૂપ થઇ શકે? એક કિસ્સામાં કેન્સરના એક દર્દીને કોવિડ-૧૯ થયા બાદ તેની કેન્સરની ગાંઠો સંપૂર્ણ નાબૂદ થઇ ગઇ હતી, તો બીજા કિસ્સામાં કોવિડ થયા બાદ કેન્સરના એક દર્દીનું કેન્સર ઘણુ ઘટી ગયું હતું.

હવે ડોકટરો એ બાબતે તપાસ કરી રહ્યા છે કે શું કોરોનાવાયરસ સામે જન્મેલી પ્રતિકારશક્તિએ કેન્સર સામે પણ લડત આપી ? અને શું કોવિડ-૧૯ સામેની રસી કેન્સરના કોષો નાબૂદ કરવામાં પણ ઉપયોગી થઇ શકે છે?

યુકેના કોર્નવોલ ખાતેની એક હોસ્પિટલમાં ૬૧ વર્ષના એક બ્લડ કેન્સરના દર્દીને કોવિડ-૧૯ થયા બાદ ડોકટરોને કશું અસાધારણ જોવા મળ્યું અને તે એ કે આ દર્દીની કેન્સરની ગાંઠો જે તેના ધડના ભાગમાં થઇ હતી તે સંપૂર્ણ નાબૂદ થઇ ગઇ હતી! તેના શરીરમાંથી કેન્સરકારક કોષો અચાનક નાબૂદ કઇ રીતે થઇ ગયા તે એક રહસ્ય જ છે.

આ દર્દીનું નામ જાહેર કરવામાં આવ્યુ નથી પરંતુ તેનો કિસ્સો મેડિકલ જર્નલમાં છપાયો છે. કેન્સરના એક બીજા દર્દીને કોવિડ થયા બાદ તેના કેન્સરના પ્રમાણમાં ઘણો ઘટાડો થઇ ગયેલો જોવા મળ્યો છે. બ્લડ કેન્સરના દર્દીને તો કેમોથેરાપી જેવી કેન્સરની કોઇ સારવાર પણ હજી અપાઇ ન હતી પણ તેને કોવિડ-૧૯ થયો અને આ દર્દી કેન્સરમાંથી સાજો થઇ ગયો.

આ બાબતે રોયલ કોર્નવૉલ હોસ્પિટલના ડો. સારાહ ચેલોનેર કહે છે કે અમે માનીએ છીએ કે કોવિડ-૧૯ સામે ઉભી થયેલી પ્રતિકારશક્તિ દ્વારા છોડવામાં આવેલા ટી-સેલ્સ નામના કોષોએ કેન્સરના કોષો પર પણ આક્રમણ કર્યું હશે અને તેમને નાબૂદ કરી નાખ્યા હશે.

કોવિડ-૧૯ સામેની રસી દ્વારા જન્મતી પ્રતિકારશક્તિ પણ કેન્સર સામે પ્રતિકારશક્તિ જન્માવી શકે છે તેવી આશા સર્જાઇ છે. જો કે નિષ્ણાતો કહે છે કે આ હજી છૂટાછવાયા કિસ્સાઓ છે મોટા પ્રમાણમાં આવા બનાવો બને પછી જ કોઇ નિષ્કર્ષ પર પહોંચી શકાય.

Most Popular

To Top