સૌજન્યતાથી સદગુણો શોભે

સૌજન્યશીલ માણસ સર્વત્ર આવકારપાત્ર હોય છે. તેને દરેક સ્થળે માન મળે છે. સૌજન્યતા એટલે સુજનપણું તેનાથી બધા સદગુણો શોભે છે. સદગુણી માણસમાં સુજનપણું- સૌજન્યતા ન હોય, તો તે કંઈ કામનું નથી. મુંબઈની આ વાત છે. મુંબઈના પ્રખ્યાત શેઠ ભાઉ રસુલના તાબામાં આખું મુંબઈનું બંદર ધમધમતું હતું ત્યારે તેમનો કારભારી મનોહર બાબુ હતો. આ શેઠના ઘરમાં પરંપરા મુજબ દર વર્ષે ભગવાન બાલાજીની સ્થાપના કરવામાં આવતી અને તેની પૂજાઅર્ચના કરી શેઠ ભગવાનનાં પારણાં કરતા ત્યારે હજારો લોકો, ભિક્ષુકો, બ્રાહ્મણોને જમાડતા. એક વખત પારણાના દિવસે જમવા માટે આવેલા માણસોની પંગત પડી ગઈ હતી, જમણ પીરસાવાની તૈયારી હતી એવામાં એક બ્રાહ્મણ મંડપ પાસે આવીને ઊભો રહી ગયો. શેઠને ખબર પડી, તો એને અંદર બોલાવ્યો અને જમવા કહ્યું. બ્રાહ્મણે કહ્યું, ‘‘હું નાહ્યો નથી એટલે પહેલાં સ્નાન કરી લઉં પછી જમીશું.’’

બ્રાહ્મણ ભૂખ્યો હતો, એને જમવાની ઉતાવળ હતી એટલે ન્હાવાનું પાણી લેવા રસોડામાં ગયો, ત્યાં એક તપેલું ચૂલા પર ચડાવેલું હતું. એમાંથી ડોલ ભરી એ ન્હાવા ચાલ્યો ગયો. ન્હાયો ત્યારે ખબર પડી કે એ પાણી નહીં પણ ઘી હતું, બહુ ગરમ નહીં એટલે એ દાઝ્યો નહીં પણ શરીરે લાય બળતી હતી. એણે બીજા રસૌયાને વાત કરી. આ જાણ શેઠને થઈ, એ ત્યાં આવ્યા અને પાણી ગરમ કરી એ બ્રાહ્મણને ન્હાવા આપ્યું. બ્રાહ્મણ સારી રીતે ન્હાઈને પરત આવ્યો. એને ઘી વેડફી દેવાનો રંજ હતો. આ તરફ લોકો જમવા બેસી ગયેલા, કંસારમાં પીરસવાનું ઘી વેડફાઈ ગયું એટલે બીજું ઘી મંગાવી તત્કાળ ગરમ કરી પીરસવા માંડ્યું.

બ્રાહ્મણ જમવા બેઠો પણ મનમાં ડર હતો કે શેઠ ઠપકો આપશે. એ જમી શકતો ન હતો, શેઠ આંટો મારતા તેની પાસે આવ્યા અને કહ્યું; ‘મહારાજ, શાંતિથી જમજો. ઘીની કોઈ ફિકર કરશો નહીં. ભગવાને ઘણું આપ્યું છે. મારું ભાગ્ય છે કે આપ જેવા બ્રાહ્મણે ઘીથી સ્નાન કર્યું અને ભોજન ગ્રહણ કર્યું. મારે ઘેર તો ખુદ ભગવાન જ પધાર્યા છે.’ આ શબ્દો સાંભળી બ્રાહ્મણ ગદ્દગદ્દ થઈ ગયો. એ શેઠને વંદન કરવા લાગ્યો ત્યારે શેઠે વાર્યો અને જમ્યા બાદ દક્ષિણા આપી વિદાય કર્યો. શેઠની આ નમ્રતા, સૌજન્યતા જોઈ અન્ય સૌ પ્રસન્ન થઈ ગયા અને શેઠના વખાણ કરવા લાગ્યા. કેવી ભલાઈ? ઘી વેડફાયું તોય તેને બ્રહ્મ સ્નાનનું મહત્ત્વ આપી વધાવી લીધું. મોટા માણસનો આ જ ગુણ તેના બધા ગુણોને શોભાવે છે. સદ્દભાવ, સૌજન્ય અને નમ્રતાથી જ માણસની મહાનતા અંકાય છે.

Most Popular

To Top