Comments

સર્વિસની કિંમત હોય પછી સર્વિસ ચાર્જ ના હોય

તમે કરીયાણાની દુકાને વસ્તુઓ ખરીદવા જાઓ. વસ્તુઓના ભાવ પૂછો, કિંમત વાજબી લાગે તો ખરીદો અને છેલ્લે બિલ આવે ત્યારે દુકાનદાર વસ્તુઓની કિંમતના સરવાળા પછી 5 % થી 10 % સર્વિસ ચાર્જ ઉમેરી બિલ બનાવે તો સ્વાભાવિક તમે પૂછો કે આ સર્વિસ ચાર્જ શેનો? તો વેપારી તમને કહેશે કે આ ત્રાજવું, કાઉન્ટર, આ ખાના, આ ખાનામાંથી કાઢીને તમે માંગ્યા મુજબ વસ્તુઓ તમને આપી, આ દુકાન સ્વચ્છ રાખી આ તમને કોમ્પ્યુટરાઈઝ બિલ આવ્યું, તેનો ચાર્જ અલગ.

જો તમે પરદેશ જવા માંગો છો. તમે એર કંપનીના ભાવ પૂછો છો. કેનેડા જવાનું ભાડું એક ટિકીટના 9,000 “ છે. તમે 2 ટિકીટ ખરીદો છો. આમ તો 18,000 થાય! પણ તમને કહેવામાં આવે છે કે ટિકિટના 18,000 + 2,000  સર્વિસ ચાર્જ. તમે કહેશો શેનો? તો જવાબ મળે છે – તમે પ્લેનમાં ઊભા ઊભા તો જવાના નથી. બેસવાની આરામદાયક સીટ, આટલા હજાર ફૂટ ઊંચે ઉડે તેની સુરક્ષા તમારી કુદરતી હાજત માટેની વ્યવસ્થા, પીવાનું પાણી અને AC આ તમામ સેવાઓનો ભેગો સર્વિસ ચાર્જ ટિકીટ દીઠ 1,000 “.

તમે બાળકને શાળામાં એડમીશન માટે ગયા. શિક્ષણ ફી વર્ષની 12,000 “ કહી. તમે હા પાડી પછી… બીલ બન્યું “ 15,000નું, તમે પૂછયું કેમ? તો કહે સર્વિસ ચાર્જ! તમારૂ બાળક બેંચ ઉપર બેસશે, રીસેસમાં લોબી વાપરશે, શિક્ષક ચોક ડસ્ટરથી ભણાવશે, રૂમમાં પંખા ફરશે, રોજ સફાઈ થશે, આ બધાનો ખર્ચ સર્વિસ ચાર્જ રૂપે તમારે આપવાનો. તમે સિનેમાં હોલમાં ફિલ્મ જોવા જાવ છો. ત્યાં 25 “ સર્વિસ ચાર્જ લેવાય છે. પૂછો શેનો! તો કહે છે પીવાના પાણીની વ્યવસ્થા, સિનેમાની સફાઈ, આરામદાયક ખુરશીમાં બેસવાનું વગેરે ના. ઘણો ઉપકાર થયો! પ્રજા ઉપર કે તદ્દન નજીવા દરે ‘ઉત્તમ સર્વિસ’ આપવામાં આવે છે!

તમે ગયા હોટલ, રેસ્ટોરંટમાં જમવા. દરેક વસ્તુના ભાવ જોયા. ગમતી વાનગી મંગાવી. રોટીના 25 “, શાકના 200 “, છાસના 20. છેલ્લે બિલ આવ્યું તો તમામ ભાવના સરવાળા પછી 5 % સર્વિસ ચાર્જ! પૂછો કેમ! તો કે વેઈટરે તમને પીરસ્યું, ટેબલ પર બેઠા, રસોઈયાએ રાંધ્યુ આ બધાનો નજીવો સર્વિસ ચાર્જ! નવાઈ લાગીને? ગમ્મત પડીને! પણ આ સત્ય છે. આ શરૂ થઈ ગયું છે! એરપોર્ટ પર ઓથોરીટી એરપોર્ટ યુઝર્સ ચાર્જ લેવા લાગી છે. સ્કૂલો સીધા તો ચોક – ડસ્ટર સફાઈના નથી માંગતી પણ કોમ્પ્યુટર ફી, લાયબ્રેરી ફી, સ્પોર્ટસ ફી, કલ્ચરલ ફી વગેરે માંગી રહી છે. કોરોના કાળ પછી ઘણી સંસ્થાઓ ‘એપ્લીકેશન ફી’ ઊઘરાવે છે.

હોટલોમાં જમવાના બિલ પર 5 % સર્વિસ ચાર્જ લેવાવા લાગ્યો છે અને 2 – 5 વર્ષના વિવાદ બાદ સરકારે તાજેતરમાં જાહેર કર્યું છે કે હોટલો દ્વારા બિલ ઉપરાંત લેવાતો સર્વિસ ચાર્જ યોગ્ય નથી. એક સત્તાવાર નોટીફીકેશન બહાર પડશે. જો કે પછી મોટા રેસ્ટોરંટ, હોટલ ચેઈન તેને કોર્ટમાં પડકારશે. 4 – 5 વર્ષ ન્યાય પ્રક્રિયા ચાલશે. ત્યાં સુધી ગ્રાહક ‘ચુકવતો’ રહેશે! વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષવા બજારમાંથી વસ્તુ અને સેવા ખરીદે છે. તે કિંમત ચુકવે છે. સામે પક્ષે વેપારી વસ્તુ કે સેવા વેંચે છે અને કિંમત મેળવે છે. હવે વસ્તુઓ હોય કે સેવાઓ તે વેચવા માટે એક આખું વ્યવસ્થાતંત્ર ઊભું કરવુ જ પડે. આખી વ્યવસ્થાને બજાર કહેવાય અને બજારમાં એક સંસ્થા એટલે દુકાન! કરીયાણાનો વેપારી દુકાનમાં હજારો વસ્તુઓ રાખે છે. આ વસ્તુઓ રાખવા કબાટ રાખવા પડે, માપવા માટે ત્રાજવા કે અન્ય સાધન રાખવા પડે.

ગ્રાહકની સગવડ માટે પણ વ્યવસ્થા કરવી પડે. સ્વાભાવિક છે આ તમામ વ્યવસ્થાનો ખર્ચ થાય જ. ગ્રાહક પણ આ જાણે જ છે! તેને ખબર જ છે કે મૂળ 30 “નો સાબુ આ દુકાનદાર, આ તેની દુકાનના ખર્ચ તથા તેનો નફો ઉમેરીને જ મને 40 “માં આપે છે. મુદ્દો તો એ છે કે આ 40 આપ્યા પછી પાછા ફરી આ વ્યવસ્થા, સગવડના ‘સર્વિસ ચાર્જ’ના શેના? હા, વસ્તુ ઘરે મંગાવીએ તો અલગ ચાર્જ થાય, ખાસ પેકીંગ કરાવીએ તો અલગ ચાર્જ થાય. મતલબ કે સેવાનું સ્વરૂપ જુદું પડે તો અલગ ચાર્જ થાય પછી અહીં અલગ કેમ? વ્યક્તિ હોટલ રેસ્ટોરાં શરૂ કરે છે, ત્યારે એને ટેબલ – ખુરશી, પીવાના પાણીની વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા અને વાનગીના વિકલ્પો રાખવા જ પડે છે અને આ આખી જ વ્યવસ્થા પાછળ થયેલા ખર્ચને ધ્યાનમાં રાખીને જ તે પ્રતિ ડિશનો ભાવ નક્કી કરે છે. પાલકની સબ્જી આમ તો 20 “ની જ છે પણ રાંધવાનો, ટેબલ ખૂરશી પર બેસી જમવાનો અને વેઈટર દ્વારા આપવાનો સમગ્ર ચાર્જ ઉમેરાતા, તે 250 “ની થાય છે. ગ્રાહક એ સ્વીકારે જ છે અને ભાવ જોયા પછી જ ઓર્ડર કરે છે! હવે પાછળથી તમે ફરી બીજા 25 “ કેમ ઉમેરો છો! ગુજરાતીમાં કહેવત છે કે મરેલાને મણ લાકડે બાળો કે 2 મણ લાકડે શું ફેર પડે છે! એમ ગ્રાહક પાસે 250 + 25 કરીને 275 “ લો કે સીધા જ 275 લો શું ફેર પડે છે!

વિમાનની ટિકીટ 3,000 + 1,000 બીજા લખવાને બદલે સીધા જ 4,000 લખો તો! સિનેમા ટિકીટ 175 + 25 સર્વિસ ચાર્જ એમ 250 લેવાને બદલે આમ જુદું કેમ પાડતા હશે? તો મૂળ વાત આ છે કે જો કંપની દુકાન કે સંસ્થા કિંમત જ વસુલ કરે તો તે તેની ગ્રોસ એટલે કે કુલ આવક બને છે, પણ જો કિંમત જુદી અને સર્વિસ ચાર્જ જુદો કરે છે તો ગ્રોસ ઈન્કમમાં માત્ર કિંમત ગણાય છે. સર્વિસ ચાર્જ ગણાતો નથી! કરવેરાના નિયમમાં કુલ આવક વેરાપાત્ર નથી. તેમાંથી આવક મેળવવા કરેલ ખર્ચ બાદ થાય પછી ચોખ્ખી આવક વેરાપાત્ર છે. સર્વિસ ચાર્જ એ ખર્ચ સામેનું ઈમ્બરર્સમેન્ટ હોવાથી તે આવક નથી. માટે હોટલ, સિનેમા કે અન્યને સર્વિસ ચાર્જની આવક આવકના હિસ્સામાં જ બતાવાની થતી નથી.

હવે મુદ્દો એ છે કે હોટલ ચલાવવાનો ખર્ચ એટલે કે વેઈટરનું વેતન, સફાઈ ચાર્જ, બિલ્ડીંગનો ઘસારો આ બધુ જ તો વેરાપાત્ર આવક ગણતા પહેલા બાદ થાય જ છે, પણ જ્યારથી આ સર્વિસ ચાર્જ લેવાતો થયો છે ત્યારથી આ સર્વિસ ચાર્જની આવક પણ આ જ બધા મુદ્દા માટેની ગણીને આવકમાં બતાવવામાં આવતી નથી! ટોકીઝની કુલ આવકમાં તેવો પ્રેક્ષક દીઠ વસુલેલા 25 “ ગણવામાં જ આવતા નથી. હવે આખા વર્ષ દરમ્યાન હોટલમાં 1 લાખ લોકો આવ્યા હોય કે સિનેમાઘરમાં 10 લાખ આવ્યા હોય તો તેમની પાસેથી મળેલો કરોડોનો સર્વિસ ચાર્જ વેરાનો 1 “ ભર્યા વગર માલિકને મળે છે! માટે માલિકને આ વધારે ગમે છે. જો આ જ સર્વિસ ચાર્જ તે કિંમતમાં ભેગો કરી દે, તો તે વેરાપાત્ર બની જાય છે.

અધિકારીઓ આ વાત જાણે છે, પણ નેતાઓ અને પ્રજાજનો નથી જાણતા. એમ તો દેશના સુલ ઓફ ઈકોનોમીક્સ, I.I.M. કે I.I.T.ના વિદ્વાનો પણ જાણતા હશે પણ તેમણે કદી આ બાબતે સરકારનું ધ્યાન દોર્યું હોય તેવું લાગતું નથી! સો વાતની એક વાત વસ્તુ હોય કે સેવા તેની કિંમત હોય પછી તેનો ‘સર્વિસ ચાર્જ’ ના હોય, વસ્તુ વેચો કે સેવા તેની વ્યવસ્થા કરવાની જવાબદારી વિક્રેતાની છે. તેનો વસ્તુ કે સેવાની કિંમત બધા જ પરિબળો ધ્યાનમાં લઈને જ નક્કી કરવાની છે! 20 “માં દૂધની થેલીની પડતર હોય. તેમાં વાહનવ્યવહાર ખર્ચ, કોલ્ડ સ્ટોરેજનો ખર્ચ અને વિક્રેતાનું કમિશન ગણીને જ થેલીનો ભાવ 30 નક્કી થયો છે! પછી ફરી ફ્રિજમાં મૂકવાના 2 “ ના હોય!

AC ખરીદીએ, ગાડી ખરીદીયએ ત્યારે કિંમત ચૂકવીએ છીએ. પછી વરસ દિવસે તેના મેઈન્ટેનન્સ માટે પણ કિંમત ચૂકવીએ જ છીએ, જેને આપણે સર્વિસ કહીએ છીએ. આ વસ્તુ અને સેવા બંને જુથ છે, માટે બંનેના ચાર્જ ચૂકવીએ છીએ પણ સર્વિસ કરવા આવેલ વ્યક્તિ પાના – પક્કડનો ચાર્જ, કપડાં બગાડયા તેની સફાઈનો ચાર્જ માંગે તો? આજના આર્થિક યુગમાં અર્થશાસ્ત્રની સામાન્ય સમજણ રાખવી જરૂરી છે! બાકી ડાકુઓને પણ લૂંટી લે તેવી સિસ્ટેમેટીક લૂંટનો ભોગ બનશો. ચાકુ, પિસ્તોલ, જીપ, ઘોડા કશાની જરૂર નથી. જરૂર છે માત્ર રૂપાળા નામની જેમ કે ‘સર્વિસ ચાર્જ’!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top