Business

બિનસાંપ્રદાયિકતા: ભારત અને પાકિસ્તાન

હું શરૂઆતમાં પાકિસ્તાનના અખબારો માટે ઘણા વર્ષો સુધી કટાર લખતો હતો. મેં તેની ઘણીવાર મુલાકાત લઇ તેની યુનિવર્સિટીઓમાં વાર્તાલાપ આપ્યાં છે. તેના સાહિત્ય – ઉત્સવોને પણ સંબોધ્યા છે અને છેલ્લા 3 દાયકાથી ઊંડો અભ્યાસ કરી આ સ્થળને જાણું છું. નોંધપાત્ર એ લાગે છે કે ભારત બિનસાંપ્રદાયિકતાથી હિંદુત્વની શૈલીનું રાજય બનતું જાય છે, ત્યારે પાકિસ્તાન ધર્મ તરફથી બિનસાંપ્રદાયિક બનતું જાય છે.

1947માં પાકિસ્તાન બંધારણીય રીતે એક ધાર્મિક રાજય બનવા માંગતુ હતુ. ઝીન્નાના અનુયાયી લિયાકત અલી ખાન કહેતા કે ધર્મને કાયદા અને સરકારમાં આત્મસાત કરવાથી રાષ્ટ્ર પર વિધાયક અસર પડશે. જાપાન પર અણુબોંબ ઝીંકાયાના થોડા જ વર્ષો પછી લિયાકત અલી ખાને કહ્યું હતું કે માનવીના ભૌતિક અને વૈજ્ઞાનિક વિકાસ માનવના વ્યકિતગત વિકાસની ટપી ગયો છે. પરિણામ એ આવ્યું કે માનવી વિશ્વ અને સમાજનો નાશ કરી શકે તેવી શોધ કરી શકયો છે. કારણ કે માનવીએ પોતાની આધ્યાત્મિક બાજુની અવગણના કરવાનું નકકી કર્યું છે અને તેણે ખુદામાં વધુ શ્રદ્ધા રાખી હોત તો આ સમસ્યા આવી જ ન હોત. લિયાકતે કહ્યું હતું કે ધર્મે વિજ્ઞાનના જોખમ સાથે ચેડા કર્યાં અને પાકિસ્તાનીઓ એક મુસ્લિમ તરીકે ઇસ્લામના આદર્શોને વળગી રહેશે અને વિશ્વને અર્પણ કરતા રહેશે. મુસ્લિમોને ઇસ્લામના સિધ્ધાંતો પ્રમાણે જીવવામાં રાજયની પ્રવૃત્તિની બિનમુસલમાનો પર અસર નહીં પડે. તેથી તેમને તેની કોઇ સમસ્યા નહીં રહે.

મુસ્લિમ લીગના મનમાં આ હતું, પણ જે કંઇ બન્યું તે જુદું જ હતું. ધ્યાન મુસલમાનો પરથી બિનમુસલમાનો પર ખેંચાયું અને પાકિસ્તાને 1960ના દાયકામાં લઘુમતીઓને રાષ્ટ્ર પ્રમુખ બનવા પર કે 1970માં વડાપ્રધાન બનવા પર બંધારણીય રીતે પ્રતિબંધ ફરમાવ્યો. દરમ્યાન પાકિસ્તાનના મુસલમાનોને લગતા કાયદાનું પતન થયું. રમઝાનમાં રોજા ફરજીયાત રાખવાના કાયદાની કાંઇ જરૂર નથી. કારણ કે ઉપખંડના મુસલમાનો આમ પણ રોજા રાખતા જ હોય છે, પણ મુસ્લિમ રેસ્ટોરાં અને મલ્ટિપ્લેકસના માલિકોએ ફરિયાદ કરતા આ કાયદાનો વિરોધ થયો. પાકિસ્તાની સુન્નીઓના બેંક ખાતામાંથી 2.5 % જકાત કાપી લેવાનો કાયદો નિષ્ફળ ગયો. કારણ કે જકાત કાપી લેવાનો સમય થાય તે પહેલા લોકો પોતાના પૈસા ઉપાડી લેતા થયા.

શિયાઓ વારસાગત રીતે ધર્મગુરુને જકાત સીધી જ ચૂકવતા હોય છે અને તેમણે વિરોધ કરતા તેમને મુકિત અપાઇ હતી. ભારત અને પાકિસ્તાન દંડ સંહિતાના એટલે કે શિક્ષાના કાયદા સમાન રીતે ધરાવે છે. આથી પાકિસ્તાનીઓ કલમ 302, 420 અને 144થી આપણી જેમ જ પરિચિત છે જ. તેમણે કાયદા બદલવાની કોશિશ કરી. ભૂતકાળમાં ઇસ્લામ એ સમયે હયાતિ ધરાવતો હતો કે જે સમયે જેલ નહોતી. ગુનેગારોની સજા મોટે ભાગે અટકાયતને બદલે શારીરિક રહેતી. 1980માં પાકિસ્તાને ચોરીના ગુનાસર હાથ – પગ કાપી નાંખવાની સજા દાખલ કરી અને ગભરાયેલા ડોકટરોને આને માટે તાલીમ આપી તૈયાર કર્યા.

પાકિસ્તાનના ન્યાયાધીશો ભારત જેવા સમાન કાયદામાં તાલીમ પામેલા હોવાથી તેઓ આવી સજા કરવામાં ખંચકાટ અનુભવતા હોવાથી કાયદા સ્થગિત થઇ ગયા. પાકિસ્તાનમાં વ્યભિચારના ગુનાસર પથ્થર મારવાની સજા છે, પણ હજી સુધી કોઇને પથ્થર મારીને મારી નાંખવામાં આવ્યા નહોતા. 1980ના ગાળામાં દારૂડિયાઓને ફટકા મારવા માટે ઉત્સાહ હતો, પણ તે પણ ખતમ થઇ ગયો. 2009માં શરિયત અદાલતે દારૂ પીવાને ગંભીર ગુનો નહીં ગણ્યો. પરવેઝ મુશરફના પાકિસ્તાનમાં બળાત્કારની સજા શરિયતને બદલે દંડ સંહિતા મુજબ થવા માંડી. બેંકીંગ પ્રથામાં વ્યાજની માગણી પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતા શરિયત કોર્ટના હુકમની અવગણના થાય છે, નહીં તો અર્થતંત્ર જ ખતમ થઇ જાય.

છેલ્લે બે દાયકા પહેલા પાકિસ્તાનનું નવાઝ શરીફની હકુમતમાં ઇસ્લામીકરણ કરવાની મોટી કોશિશ થઇ હતી. પાકિસ્તાનીઓ સાંસ્કૃતિક રીતે દક્ષિણ એશિયાઇ છે. પાકિસ્તાને બિનસાંપ્રદાયિકતા અપનાવવાની કોશિશ કરી છે, તો ભારત અન્ય માર્ગે જઇ રહ્યું છે. ભારત વિશે એટલું કહી શકાય કે તે મુસલમાનોને ઊંચા પદ પર બિરાજતા અટકાવતું નથી. ભારતમાં મુસલમાન રાષ્ટ્રપતિ પણ આવ્યા છે, પણ પાકિસ્તાનથી વિપરીત તેઓ વાસ્તવમાં કોઇ સત્તા ધરાવતા નથી. તેમને પાકિસ્તાનના પ્રમુખની જેમ સંસદને બરતરફ કરવાની સત્તા હોત તો ભારતમાં કેટલા મુસલમાનોને બઢતી મળી હોત તે જોવાનું રસપ્રદ રહ્યું હોત. આજે ભારતમાં કોઇ મુસલમાન મુખ્યપ્રધાન નથી. 1947થી પહેલીવાર 15 રાજયોના પ્રધાન મંડળમાં કોઇ મુસલમાન પ્રધાન નથી અને 10 રાજયોમાં એક જ પ્રધાન છે. લોકસભાના 305 સભ્યોમાંથી કોઇ મુસલમાન નથી.

દેશમાં કેન્દ્ર અને રાજયોમાં મુસલમાનોને નિશાન બનાવતા કાયદાઓ બનતા જાય છે. તલાક – 3 વાર બોલવાને ગુનો ગણવામાં આવે છે. ધર્માંતર રોકી આંતરધર્મી લગ્ન પર પ્રતિબંધ મૂકી, આવા લગ્નને ફોક ગણવામાં આવે છે. મુસલમાનોને હિંદુઓ પાસેથી મિલકત લેવા સામે કાયદા છે. ગુજરાતમાં વિદેશીઓ મિલકત ખરીદી શકે છે, મુસલમાનો નહીં! આપણે કાશ્મીરીઓ પ્રત્યેના વ્યવહારને અહીં જોવાનો નથી. કારણ કે જે સામૂહિક સજા કરાઇ છે તેમાં આપણને રસ નથી. વાસ્તવમાં પાકિસ્તાન અને ભારત એકબીજાથી સામી દિશામાં આવી રહ્યા હોવાથી બંને વચ્ચે કોઇ ખરો તફાવત નથી. બંને એ બિનસાંપ્રદાયિકતાના પોશાકની અદલાબદલી કરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top