Feature Stories

લોહીના સંબંધો જેટલો જ ગાઢ જામી ગયો રક્તદાતા સાથેનો નાતો !

રક્તદાનને મહાદાન માનવામાં આવે છે અને આ મહાદાન થકી બે અજાણ્યા વ્યક્તિઓ વચ્ચે મિત્રતા કેળવાઇ હોય તેવા કિસ્સા પણ સમાજમાં જોવા મળે છે. સુરત શહેર આખા રાજ્યમાં રક્તદાનમાં બીજા ક્રમે આવે છે અને અહીં જરૂરીયાત સમયે કેટલાયે દર્દીઓના રક્તદાન કરનારાઓ થકી જીવન બચે છે. તો આજે આપણે આગામી 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ આવી રહ્યો છે ત્યારે આપણે એવા રક્તદાતાઓને મળીશું કે જેમણે અણીના સમયે લોકોના જીવ બચાવવાનું પરોપકારી કાર્ય કર્યું છે અને તેઓના હૃદયમાં કાયમી સ્થાન મેળવ્યું છે.

રાત્રિના 2 વાગ્યે મિત્રને ત્યાં કામ કરતા કારીગરને બ્લડની જરૂર ઉભી થતા રક્તદાન કર્યું : ઘનશ્યામ બિરલા
રીયલ એસ્ટેટના કામ સાથે સંકળાયેલા અને અડાજણ રેડ ક્રોસ બેંકના કો.ઓર્ડિનેટર ઘનશ્યામભાઇ બિરલાએ જણાવ્યું હતું કે, સચીન હોજીવાલામાં ફેક્ટરી ચલાવતા તેમના મિત્રને ત્યાં એક કારીગરના સંબંધીને અડધી રાતે લોહીની જરૂર પડી હતી. ઉત્રાણ વિસ્તારમાં રહેતા ઘનશ્યામ બિરલાને ત્યાં રાત્રિના 2 વાગ્યે પહોંચેલા મિત્રએ બ્લડની જરૂર હોવાનું કહેતા જ રાત્રે ઘનશ્યામભાઇએ બ્લડ ડોનેશન કર્યું હતું. આ બ્લડનું દાન તેમના મિત્રએ કારીગરને આપ્યું હતું. બે ત્રણ વર્ષ બાદ ઘનશ્યામ બિરલા મિત્રના કારખાને જતા ત્યાં કામ કરતા માસ્ટર ઘનશ્યામ ભાઇના પગ પકડી લીધા હતા. માસ્ટરે ઘનશ્યામ બિરલાને કહ્યું હતું કે, સાહબ તુમ્હારા ખુન મેરે ભતીજે બલરામ કે અંદર ચલ રહા હૈ આપ મેરે લીયે ભગવાન હો.

મિત્રની ભાભીને પુણેમાં પ્લાઝમાની જરૂર પડતા ડોનેટ કર્યું હતું : સિદ્ધાર્થ શાહ, (બ્લડ ડોનર)
ટેક્સટાઇલ મેન્યુફેક્ચરીંગ અને ટ્રેડીંગના કામ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ મહેશભાઇ શાહે જણાવ્યું હતું કે તેમણે 40થી વધુ વખત રક્તદાન કર્યું છે. પુણે ખાતે રહેતા તેમના મિત્રના ભાભીને 5-6 વર્ષ પહલા પ્લાઝમાની જરૂર પડી હતી. જેથી તેમણે પુણેમાં પ્લાઝમાં ડોનેટ કર્યું હતું. મિત્રના ભાભી જીવી ગયા તેનો ઘણો આનંદ છે. સિદ્ધાર્થ શાહે જણાવ્યું હતું કે મારા મિત્ર નિલેશ સેલારે આભાર માનતા કહ્યું કે, “તે મારી ભાભીની િજંદગી બચાવી છે. તારો ખૂબ ખૂબ આભાર. તુંજ મારો સાચો મિત્ર છે.” વધુમાં નિલેશ સમયાન્તરે મારા સંપર્કમાં રહીને ખબર પૂછતો રહે છે.

ક્લિનીકના પેશન્ટને છોડીને ઇમરજન્સી સમયે એક યુવક માટે બ્લડ ડોનેટ કર્યું હતું : ડો.મુકેશ જગીવાલા (સાયક્યાટ્રીસ્ટ)
શહેરના જાણિતા સાયક્યાટ્રીસ્ટ ડો. મુકેશ જગીવાલા પણ સમયાંતરે રક્તદાન કરતા રહે છે. તેમણે જણાવ્યું હતું કે, એક દોઢ વર્ષ પહેલા મહેશ લક્કડ કરીને એક યુવાનને તાત્કાલિક AB + બ્લડની જરૂર પડી હતી. AB + બ્લડ ગ્રુપ 100માંથી 15 ટકા લોકોનું જ હોય છે. સુરત રક્તદાન કેન્દ્રમાંથી AB + બ્લડ માટેની ઇન્ક્વાયરી આવી હતી. સમયાંતરે બ્લડ ડોનેટ કરતા ડો.મુકેશ જગીવાલાએ સાંજના સમયે ક્લિનીકનું કામ એક તરફ મુકીને પહેલા રક્તદાન કર્યું હતું. તેમણે પોતાના વિચારો રજુ કરતા કહ્યું હતું કે, રક્તદાનથી કોઇને નવું જીવન મળતું હોય તો તેનાથી મોટો આનંદ જીવનમાં કોઇ નથી.

ઇમરજન્સીમાં દર્દીને કરેલું રક્તદાન ભવિષ્યમાં પણ રક્તદાનની પ્રેરણા આપે છે : દિલીપ વરસાણી, હાસ્ય કલાકાર
હાસ્ય કલાકાર અને LIC એજન્ટ તરીકે કામ કરતા બ્લડ ડોનર દિલીપ વરસાણી રક્તદાન અંગે જણાવ્યું હતું કે, આપણા રક્તના દાન થકી કોઇને નવું જીવન મળી શકે છે તો ઇમરજન્સી સમયે ઉભી થયેલી લોહીની અછત પણ પુરી થઇ શકવા સાથે રક્તદાન કેમ્પમાં કરેલું રક્તનું દાન ભવિષ્યમાં કોઇને કામ પણ આવી શકે છે. કોવિડ પહેલા નવી સિવિલ હોસ્પિટલમાં બારડોલીના એક શ્રમજીવીને બ્લડની જરૂર પડતા મેં તેને રક્તનું દાન કર્યું હતું. તેને રજા મળ્યા બાદ તેણે મને ઘરે આવવા અને ચા-નાસ્તો કરવાની આજીજી કરી હતી અને તેની સાથે મિત્રતા થઇ હતી. શ્રમજીવીની લાગણી જોઇને મને ભવિષ્યમાં ઇમરજન્સીમાં બ્લડ ડોનેટ કરવાની પ્રેરણા મળી છે.

દાઝી ગયેલી બાળકીને જલ્દી રૂઝ આવે તે માટે રેર ગ્રુપમાં આવતા બી-નેગેટિવ પ્લેટ્લેટ્સ ડોનેટ કર્યા હતા : અંકીત બંગડીવાળા (બ્લડ ડોનર)
બહુ ઓછા લોકોમાં હોય તેવું B નેગેટીવ બ્લડ ગ્રુપ ધરાવતા શહેરના બ્લડ ડોનર અંકીત બંગડીવાળા બ્લડ બેંકના કહેવા પ્રમાણે માત્ર પ્લેટલેટ્સ જ ડોનેટ કરે છે. અંકીત બંગડીવાળાએ એક કિસ્સો કહ્યો હતો જેમાં એક નાની બાળકી દાઝી ગઇ હતી અને તેને જલ્દી રિકવરી આવે તે માટે B નેગેટિવ પ્લેટલેટ્સની તાત્કાલિક જરૂર પડી હતી. બ્લડ બેંક દ્વારા અંકીત બંગડીવાળાનો સંપર્ક કરાતા તેમણે પ્લેટલેટ્સ ડોનેટ કર્યા હતા. બાળકી સારી થતા તેમના માતા-પિતાએ અંત:કરણથી અંકીત બંગડીવાળાનો આભાર માન્યો હતો. અંકીતે જણાવ્યું હતું કે, સુરત શહેર બ્લડ ડોનેશનના ઉમદા કાર્યની અંદર સૌથી પ્રથમ નંબર ઉપર છે. આટલા સારા યુનિટ સુરત સિવાય ક્યાંયથી મળી શકે નહીં.

Most Popular

To Top