Madhya Gujarat

નડિયાદ પાલિકામાં રસ્તાના કામમાં ચાલતો ભ્રષ્ટાચાર!

નડિયાદ: નડિયાદ પાલિકાના પદાધિકારી, વહીવટી અધિકારી, કર્મચારીઓ અને કાઉન્સિલરો મળતીયા કોન્ટ્રાક્ટરોને રોડ-રસ્તા બનાવવાનો કોન્ટ્રાક્ટ આપીને, મસમોટો ભ્રષ્ટાચાર આચરતાં હોવાથી શહેરમાં નવનિર્મિત રસ્તાઓ ટુંકાગાળામાં જ બિસ્માર બનતાં હોવાના આક્ષેપો નડિયાદ શહેર કોંગ્રેસ સમિતી દ્વારા કરવામાં આવ્યો છે. નડિયાદ પાલિકાને રસ્તાના કામ માટે સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે. તેમછતાં શહેરના મોટાભાગના રોડ-રસ્તા ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યાં છે. આની પાછળ પાલિકાતંત્રનો ભ્રષ્ટાચાર કારણભુત હોવાના આક્ષેપો નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યાં છે.

તેઓ જણાવે છે કે, નગરપાલિકા દ્વારા રસ્તાઓના કામના કોન્ટ્રાક્ટ આપતાં પહેલાં ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવે છે. જેમાં રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ કામની અંદાજીત રકમ પણ જાહેર કરવામાં આવે છે. પરંતુ,પાલિકાના પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કાઉન્સિલરો સાથે સાંઠગાંઠ ધરાવતાં કોન્ટ્રાક્ટરો ટેન્ડર મંજુર કરવા એવી મોડસ ઓપરેન્ડી અપનાવે છે કે, અંદાજીત રકમ કરતાં ઓછી રકમના ટેન્ડર ભરે તો પણ તેઓને જ કોન્ટ્રાક્ટ મળી જાય છે. જે બાદ કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાનો સામાન વાપરી, કામમાં પણ વેઠ ઉતારે છે અને નફો સરભર કરી લે છે.

દરેક અધિકારીઓ, કર્મચારીઓ, એન્જિનીયરો તેમજ કાઉન્સિલરો આ સમગ્ર કાંડથી વાકેફ હોવા છતાં આર્થિક હિત ખાતર આંખ આડા કાન કરે છે. પરિણામ સ્વરૂપ રસ્તા ખુબ જ નબળાં બને છે અને ગણતરીના દિવસોમાં જ તુટવા લાગે છે. ચોમાસાના વરસાદમાં આવા રસ્તાઓ આખેઆખા ધોવાઈ જાય છે. તેવા સમયે આવા ખખડધજ રસ્તાઓ પર અવરજવર કરવામાં વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવે છે.

બિસ્માર રસ્તાનું સમારકામ કોન્ટ્રાક્ટર પાસે કરાવવાને બદલે પાલિકાતંત્ર સ્વખર્ચે કરી
ગેરંટી પીરીયડ દરમિયાન બિસ્માર બનતાં રસ્તાઓની મરામત કરવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરોની હોય છે. પરંતુ, સાંઠગાંઠને કારણે પાલિકાતંત્ર આવા કોન્ટ્રાક્ટરોને રસ્તાઓનું સમારકામ કરવા ફરજ પાડતી નથી. જોકે, આવા બિસ્માર થયેલાં રસ્તા મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજુઆતો પહોંચે ત્યારે, પાલિકાતંત્ર સ્વખર્ચે રસ્તાઓનું સમારકામ કરી, સરકારી નાણાંનો વ્યય કરતાં હોવાના આક્ષેપો મુક્યાં છે. જેને પગલે ખળભળાટ મચી ગયો છે.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન થયેલા રસ્તાના કામોની માહિતી માંગવામાં આવી
શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટે પાલિકાના ચીફ ઓફિસરને લેખિત પત્ર આપી, છેલ્લાં પાંચ નાણાંકીય વર્ષ દરમિયાન રસ્તાના કામો માટે દર વર્ષે કેટલી રકમની ગ્રાન્ટ આપવામાં આવેલ છે ?, તે ગ્રાન્ટમાંથી પાલિકાએ શહેરના કયાં-કયાં રસ્તાઓ પાછળ વર્ષવાર કેટલો ખર્ચ કર્યો ?, એ ખર્ચ કરવામાં આવેલ રસ્તા પાછળ પાલિકાએ છેલ્લે ક્યારે અને કેટલો ખર્ચ કર્યો હતો ?, તે અંગેની માહિતી માંગી છે.

Most Popular

To Top