Charchapatra

કોંગ્રેસનો રાષ્ટ્રપતિના અપમાનનો ઇતિહાસ

નવા સંસદભવનની આવશ્યકતા વર્ષોથી હતી. જેને બનાવવાનો પ્લાન કોંગ્રેસે 2012માં મંજૂર કરી દીધો હતો. પરંતુ કોંગ્રેસની આદત મુજબ તે પ્રોજેકટ આગળ ન વધ્યો. પછી 2020માં મોદી સરકારે સંસદમાં કાયદો લાવી તે પ્રોજેકટ ચાલુ કરાવ્યો. નવા સંસદભવનનું ઉદ્‌ઘાટન વડા પ્રધાન મોદીના હસ્તે થયું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેનો વિરોધ કર્યો. નવા સંસદભવનનું ઉદ્‌ઘાટન કરી મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુ પાસે કરાવવું જોઇએ. મોદી આમ ન કરે તો તે રાષ્ટ્રપતિનું અપમાન ગણાશે. જે કોંગ્રેસ કાયમ દેશના રાષ્ટ્રપતિ જેવા ગરિમામય હોદ્દાનું, રાષ્ટ્રપતિનું અપમાન કરતી આવી છે તે કોંગ્રેસને હવે એકાએક રાષ્ટ્રપતિ પર સ્નેહ ઉભરાઇ આવ્યો છે.

કોંગ્રેસના રાષ્ટ્રપતિના અપમાનનાં ઉદાહરણો આપું તો મહાન વૈજ્ઞાનિક સ્વ. અબ્દુલ કલામ જયારે બીજી વખત રાષ્ટ્રપતિ માટેના ઉમેદવાર હતા ત્યારે સોનિયા ગાંધી સહિત વિપક્ષોએ તેમનું સમર્થન નહોતું કર્યું. કેમ કે કલામે એવો ઓડરિનન્સ બહાર પાડયો હતો કે એક જ વ્યકિત બે મલાઇદાર હોદ્દા ન ધરાવી શકે. ત્યારે સોનિયા નેતા વિપક્ષ અને નેશનલ એડવાઇઝરી કાઉન્સીલના અધ્યક્ષા એમ બે હોદ્દા ધરાવતાં હતાં તે છીનવાઇ જાય તેમ હતું. આથી કોંગ્રેસે તેનો વિરોધ કરી રાષ્ટ્રપતિનું અપમાન કર્યું હતું. વર્તમાન રાષ્ટ્રપતિએ 2021માં બજેટ પર અભિભાષણ કર્યું હતું ત્યારે તેનો બહિષ્કાર કોંગ્રેસે કર્યો હતો.

આ જ રીતે જયારે નવા રાષ્ટ્રપતિની નિમણૂક થાય પછી એક રાજકીય શિષ્ટાચારવશ બધા જ વિપક્ષો તેમને મળવા જતા હોય છે. પણ ભાજપે નિમેલા એકેય રાષ્ટ્રપતિને મળવા કોંગ્રેસી નેતાઓ આજદિન સુધી ગયા નથી. કોંગ્રેસી નેતા ઉદિત રાજે તો રાષ્ટ્રપતિ મુર્મુ માટે કહેલું કે આવા ચમચા જેવા રાષ્ટ્રપતિ એકેય દેશને ન મળવા જોઇએ. 1984માં ઇંદિરા ગાંધીની હત્યા પછી કોંગ્રેસે દિલ્હીમાં શીખોને મારવાનું શરૂ કર્યું તેનાથી દુ:ખી થયેલા રાષ્ટ્રપતિ ઝૈલસિંઘે પોતાના અંગરક્ષકો અને ગાડીઓ શીખોને બચાવવા મોકલી ત્યારે ઝૈલસિંઘનો વિરોધ કરતાં કોંગ્રેસીઓએ કહેલું કે રાષ્ટ્રપતિ ભવન આતંકવાદીઓનું શરણ સ્થળ બની ગયું છે. આમ વારંવાર રાષ્ટ્રપતિનું અપમાન કરનાર કોંગ્રેસને હવે રાષ્ટ્રપતિ માટે શાને પ્રેમ ઉભરાઈ આવ્યો તે સમજાતું નથી.
સુરત – દર્શન જીવાણી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ બાબા કયાંથી આવ્યા?
હાલ દેશમાં બાગેશ્વર બાબાના નામની ધૂમ મચી છે. લાખો લોકો એની પાછળ દોડી રહ્યા છે. સુરતના નીલગીરી કમ્પાઉન્ડ માટે આ બાબાની જાહેર સભામાં કીડીયારૂં ઉભરાય તેમ લોકો ઉમટી પડયાં! જાણે આ બાબા મંતર મારીને એમનાં દુ:ખ દર્દ દૂર નહીં કરી દેવાના હોય! આ બાબાના અનેક વિડીયો વળી યુ ટયુબની અનેક સાઇટો ઉપર બતાવાઇ રહ્યા છે. આ જ રીતે એક સમયે લાખો લોકો આશારામ બાપુ અને એના પુત્ર નારાયણ સાંઇની પાછળ પાગલ થતા હતા. આજે બેય ઢોંગીઓ જેલમાં છે! હિંદુ પ્રજા એવી ઢોર પ્રજા છે જે લાંબુ વિચારતી નથી. આવા ઢોંગી બાવા-બાબા- બાપુઓનો વગર વિચાર્યે જય જયકાર કરવા દોડે છે.

ખેર, આપણે એ વિચારવાનું છે કે અચાનક આ બાગેશ્વર બાબા કયાંથી પ્રગટ થયા? હિમાલયમાંથી આવ્યા કે સ્વર્ગેથી? કઇ ગુફામાં તેઓ છુપાયા હતા? હજી બે વર્ષ પહેલાં આખો દેશ કોરોના મહામારીથી થરથર ધ્રૂજતો હતો. હજારો લોકો રોજ મરતા હતા. સ્વજનો મરનારને અડવાયે તૈયાર ન હતા ત્યારે આ ચમત્કારી બાબા કયાં છુપાયા હતા? વળી આ બાબા હિંદુ રાષ્ટ્રની ડંફાસો મારે છે એ જોતાં આ ઢોંગી બાબાની ઉત્પત્તિ પાછળ ભાજપ અને આરએસએસનો હાથ હોય એવું લાગે છે. પ્રજાએ આવા ઢોંગી ફરેબી બાબા બાવાઓથી સાવધાન રહેવાની જરૂર છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top