કોમનવેલ્થ ગેમ્સ 2026ની 23મી આવૃત્તિમાં પાંચમો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે. આજે કુલ 9 ગોલ્ડ મેડલ માટેની સ્પર્ધા યોજાશે, જેમાં એથ્લેટિક્સમાં 4, વેઇટલિફ્ટિંગમાં 3 તેમજ જિમ્નેસ્ટિક્સ અને સ્વિમિંગમાં એક-એક ગોલ્ડ મેડલ દાવ પર રહેશે. ભારતીય ખેલાડીઓ અનેક ઇવેન્ટમાં મેડલ માટે પડકાર રજૂ કરશે. ચોથા દિવસના અંત સુધીમાં ભારતે એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત કુલ ત્રણ મેડલ જીત્યા છે. હવે પાંચમા દિવસે પણ દેશને અનેક ખેલાડીઓ પાસેથી મેડલની આશા છે.
એથ્લેટિક્સમાં બપોરે 2:30 વાગ્યે પૂજા સિંહ મહિલા હાઇ જમ્પ ક્વોલિફિકેશનમાં ઉતર્યા છે. ત્યારબાદ યશસ પલકશા અને સંતોષ તમિલરાસન પુરુષોની 400 મીટર હર્ડલ્સમાં ભાગ લેશે. મુરલી શ્રીશંકર અને લોકેશ સત્યનાથન લોંગ જમ્પ ક્વોલિફિકેશનમાં પોતાનું નસીબ અજમાવશે, જ્યારે ગુરિન્દરવીર સિંહ 100 મીટર સ્પ્રિન્ટ અને તેજસ શિરસે 110 મીટર હર્ડલ્સમાં એક્શનમાં જોવા મળશે. મેડલ ઇવેન્ટમાં રાત્રે શર્મિલા ધનખર અને શિલ્પા કે. શૈલા મહિલા શોટ પુટ F57 ફાઇનલમાં ઉતરશે. સર્વેશ કુશારે, આદર્શ રામ અને તેજસ્વિન શંકર પુરુષોની હાઇ જમ્પ ફાઇનલમાં ભારત માટે મેડલ જીતવાનો પ્રયાસ કરશે. ત્યારબાદ રાકેશભાઈ ભટ્ટ અને શ્રેયાંશ ત્રિવેદી પેરા 100 મીટર T38 ફાઇનલમાં અને તેજસ શિરસે 110 મીટર હર્ડલ્સની ફાઇનલમાં પણ મેડલ માટે પડકાર આપી શકે છે.
સ્વિમિંગમાં સાજન પ્રકાશ 200 મીટર બટરફ્લાય હીટમાં ઉતરશે, જ્યારે સ્વાતિક પાટિલ 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક SB9 હીટમાં ભાગ લેશે. જો બંને ક્વોલિફાય કરશે તો રાત્રે ફાઇનલમાં મેડલ માટે સ્પર્ધા કરશે. ઉપરાંત આર્યન નેહરા પુરુષોની 800 મીટર ફ્રીસ્ટાઇલ ફાઇનલમાં પણ ભારતની આશા રહેશે. વેઇટલિફ્ટિંગમાં ભારતની સૌથી મોટી આશા જ્ઞાનેશ્વરી યાદવ, બિંદ્યારાણી દેવી અને અજય બાબુ પર રહેશે. જ્ઞાનેશ્વરી મહિલા 53 કિલો, બિંદ્યારાણી મહિલા 58 કિલો અને અજય બાબુ પુરુષોની 79 કિલો વજન વર્ગની ફાઇનલમાં ગોલ્ડ માટે પડકાર આપશે. જિમ્નેસ્ટિક્સમાં પ્રતિષ્ઠા સામંતા મહિલા વોલ્ટ ફાઇનલમાં મેડલ જીતવાનો પ્રયાસ કરશે.
બોક્સિંગમાં પણ ભારતના ચાર ખેલાડીઓ રિંગમાં ઉતરશે. સચિન સિવાચ, અંકુશ, સાક્ષી ચૌધરી અને સુમિત કુંડુ પોતાના-પોતાના રાઉન્ડ ઓફ 16 મુકાબલામાં જીત મેળવી આગળ વધવાનો પ્રયાસ કરશે. બાઉલ્સ સ્પર્ધામાં પુતુલ સોનોવાલ સિંગલ્સ મેચ રમશે, જ્યારે રૂપા રાની તિર્કી અને પિંકી સિંહની જોડી ક્વોલિફાય કરશે તો સેમિફાઇનલમાં રમશે. ભારતીય ચાહકોની નજર ખાસ કરીને એથ્લેટિક્સ, વેઇટલિફ્ટિંગ, સ્વિમિંગ અને જિમ્નેસ્ટિક્સની મેડલ ઇવેન્ટ્સ પર રહેશે. પાંચમા દિવસે ભારતના મેડલના ખાતામાં વધારો થાય તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.