Business

સીએમ રેવન્ત રેડ્ડીએ સોનિયા ગાંધીને કહ્યું, ‘તેલંગાણામાં તમારી છબી માતા જેવી છે, આગામી ચૂંટણી અહીંથી લડો’

નવી દિલ્હી: તેલંગાણાના (Telangana) મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ રેવંત રેડ્ડીએ (CM A Revanth Reddy) ગઇકાલે સોમવારે સાંજે દિલ્હીમાં 10 જનપથ ખાતે સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત (Visit) લીધી હતી. તેમણે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષને તેલંગાણામાંથી આગામી લોકસભા ચૂંટણી (LokSabha elections) લડવાની અપીલ કરી હતી. સીએમ રેડ્ડીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને માહિતી આપી હતી કે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સોનિયા ગાંધીને તેલંગાણામાંથી ચૂંટણી લડવા વિનંતી કરતા પહેલા જ એક ઠરાવ પસાર કરી દીધો છે.

સીએમ રેવંતે તેમને કહ્યું કે આંધ્રપ્રદેશથી તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો આપવા માટે, અહીંના લોકો સોનિયા ગાંધીને તેમની ‘મા’ માને છે અને ઈચ્છે છે કે તેઓ રાજ્યની કોઈપણ બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણી લડે. તેના જવાબમાં સોનિયા ગાંધીએ કહ્યું કે તેણી યોગ્ય સમયે નિર્ણય લેશે. આ મીટીંગમાં મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમારકા, રાજ્યના મહેસૂલ, માહિતી અને પ્રસારણ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી પણ હાજર હતા.

તેલંગાણામાં કોંગ્રેસ સરકારની બે ગેરન્ટી લાગુ
સીએમ રેડ્ડીએ સોનિયા ગાંધીને રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચનોના અમલીકરણમાં પ્રગતિ વિશે માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે છમાંથી બે ગેરંટીઓ, 1. મહિલાઓ માટે મફત બસ મુસાફરી અને 2. આરોગ્યશ્રી હેઠળ આરોગ્ય કવચ રૂ. 5 લાખથી વધારીને રૂ. 15 લાખ, પહેલેથી જ લાગુ કરવામાં આવી છે. રેવન્ત રેડ્ડીએ સોનિયા ગાંધીને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વધુ બે ગેરંટી લાગુ કરવા તૈયાર છે, 1. 200 યુનિટ સુધી મફત વીજ પુરવઠો અને 2. રૂ. 500માં ગેસ સિલિન્ડર.

સીએમએ સોનિયા ગાંધીને એમ પણ કહ્યું કે સરકારે પછાત જાતિઓની વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે. જેની કામદીરી અંગે ઝડપથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સિવાય મુખ્યમંત્રીએ સોનિયા ગાંધીને કહ્યું કે તેલંગાણા કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં વધુમાં વધુ બેઠકો જીતવાનો પ્રયાસ કરી રહી છે અને પાર્ટીએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પાર્ટી દરેક લોકસભા મતવિસ્તારના ઉમેદવારો પાસેથી અરજીઓ મેળવી રહી છે. સીએમએ કહ્યું કે પક્ષનું નેતૃત્વ અરજીઓની ચકાસણી કરશે અને ચૂંટણી જીતનારા ઉમેદવારોની પસંદગી કરશે.

Most Popular

To Top