Dakshin Gujarat Main

VIDEO: પીપોદરા GIDCમાં કારીગરો અને વીવર્સ વચ્ચે મારામારી, પત્થરમારો, પોલીસે ટીયર ગેસ છોડવા પડ્યા

સુરત(Surat): સુરત જિલ્લાની પીપોદરા જીઆઈડીસીમાં (PipodraGIDC) આજે શનિવારે તા. 13 જાન્યુઆરી 2024ની સવારે તોફાન ફાટી નીકળ્યા હતા. કારીગરોએ અહીં પત્થરમારો કર્યો હતો. જેના પગલે પોલીસ દોડી ગઈ હતી. તોફાની કારીગરોને પકડવા પોલીસનો આખો કાફલો જીઆઈડીસીમાં ફરી વળ્યો હતો. જીઆઈડીસી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસે ટીયર ગેસ સેલ છોડવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત કિમ-પીપોદરા જીઆઈડીસીમાં 12 કલાકથી વધુ કામ કરવાનો વિરોધ કરતા કારીગરો પૈકી એકને લુમ્સના કારખાનેદારોએ બોલાવી ઢોરની જેમ ફટકાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહી પણ ઇજાગ્રસ્ત કારીગરને સારવાર માટે મોડી રાત્રે સિવિલ ખસેડાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. કારીગરે આક્ષેપ કર્યો હતો કે 12 કલાક ની જગ્યા એ લુમ્સના કારખાનેદારો કારીગરો પાસે 18 અને 22 કલાક કામ લે છે એનો વિરોધ કરતા હુમલો કરાયો છે. પોલીસ ફરિયાદ કરી છે.

કારખાનેદારે કારીગરને ફટાકરાતા મામલો બગડ્યો
અમિત પટેલ નામના કારીગરને કારખાનેદારે માર્યો હતો. અમિત પટેલ (ઉં.વ.30, રહે વિશ્વકર્મા નગર પીપોદરા) એ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની સાંજની છે. સંજય અને ચંદન સહિતના લુમ્સના કારખાનેદારોએ બોલાવીને કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર ફટકા લઈ તૂટી પડયા હતા.

ગોંધીને ઢોરને ફટકારે એવી રીતે ફટકાર્યો હતો. માથું ફાડી નાંખ્યા બાદ બન્ને પગ તોડી નાખ્યા હતા. હાથ પર પણ ફટકા મારતા ગંભીર ઇજા થઇ હતી. ત્યાર બાદ ભાગી ગયા હતા. અન્ય સાથી કારીગરો અમિતને 108ની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે પોલીસે મારા નિવેદન લેવા આવી હતી.

પીપોદરા જીઆઈડીસીમાં 18 કલાક કામ કરાવાતું હોવાનો આક્ષેપ
વધુમાં કારીગર અમિત પટેલે જણાવ્યું હતું કે પીપોદરા સહિતની GIDC માં ચાલતા 300થી વધુ લુમ્સ સહિતના કારખાનાઓમાં હજારો કારીગરો કામ કરે છે. જેમની પાસે 12 કલાકની જગ્યા એ 18-22 કલાક કામ લેવાઈ રહ્યું છે. ઓછા પગારમાં કારીગરો નોકરી કે મારપીટના ડરથી કામ કરવા મજબુર બન્યા છે. જેનો વિરોધ ચાલી રહ્યો છે. 12 કલાકથી વધુ કામ ના વિરોધ સાથે કારીગરોએ તમામ કારખાના બંધ રાખ્યા હતા. જેની અદાવત રાખી મારી ઉપર હુમલો કરાયો છે.

પંદર દિવસથી કારીગરો બબાલ કરી રહ્યાં છે
સ્થાનિક કારખાનેદારોનો આક્ષેપ છે કે 15 દિવસથી કારીગરો હેરાનગતિ કરી રહ્યાં છે. કારીગરોના ટોળાએ વિવર્સ સાથે મારપીટ કરી મારી નાંખવાની ધમકી આપી હતી. કારીગરોના નેતાએ કાપડઉદ્યોગ ઠપ્પ કરવાની ધમકી આપી છે. વિવર્સને મારવા પહોંચેલા અસામાજિક તત્વોને કારખાનેદારોએ સ્વબચાવમાં માર્યો છે. કારખાનેદારો પર કામદારો હુમલો કર્યા બાદ તંત્રએ એક્શન નહીં લેતા આ સ્થિતિ ઉદ્દભવી છે. હાલમાં પીપોદરામાં કીમ સુધી હાઈવેની એક તરફના કારખાના બંધ છે. કારીગરો અને વીવર્સ આમને સામને છે. પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ટીયરગેસ છોડી પરિસ્થિતિ પર કાબુ મેળવાયો છે: હિતેશ જોયસર, એસપી સુરત ગ્રામ્ય
હિતેષ જોયસર (એસ. પી. સુરત ગ્રામ્ય) એ જણાવ્યું હતું કે, પીપોદરા GIDC માં કારીગરને કરવાની ઘટનામાં આજે કારીગરો વિફર્યા હતા. પથ્થરમારો કરતા મામલો ગરમાયો હતો. પીપોદરા જી. આઈ. ડી. સી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સાથી કામદાર પર હુમલાના પગલે અન્ય કામદારો બેકાબુ બન્યા છે. પીપોદરા જીઆઈડીસી માં ઉગ્ર બનેલા કામદારો ને કાબુમાં લેવા પોલીસ પ્રયાસ કરી રહી છે. ઉશકેરાયેલા કામદારોએ પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો છે. જેથી પોલીસે પણ 6 રાઉન્ડ ટીયર ગેસ છોડ્વાની ફરજ પડી છે. માંગરોળ મામલતદાર અને માંડવી પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યાં છે. હાલ મામલો કાબુમાં છે. પોલીસે 20થી વધુ કામદારોની અટકાયત કરી છે. હાલ પીપોદ્રા GIDCમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Most Popular

To Top