Vadodara

63મા વિશ્વ દિવ્યાંગ કલ્યાણ દિવસની વડોદરામાં શહેરસ્તરની ઉજવણી

વડોદરા : તા.3જી ડિસેમ્બર શુક્રવારે સમગ્ર દેશમાં 63માં વિશ્વ દિવ્યાંગ( વિકલાંગ) કલ્યાણ દિવસની સંવેદનાસભર કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે.ત્યારે વડોદરા શહેરમાં પણ શહેરસ્તરની વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી સમિતિ દ્વારા યુનાઈટેડ વે ઓફ બરોડા અને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના સહયોગ તેમજ જીલ્લા કાનૂની સેવા સમિતિ, પોલીસ તંત્ર,વિવિધ ઔધોગિક અને કોર્પોરેટ એકમો,સંસ્થાઓ અને મંડળોના સહયોગથી સપ્તાહ દરમિયાન ત્રણ કાર્યક્રમો દ્વારા તેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા શહેરમાં શહેરસ્તરની વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી શુક્રવારે જીલ્લા કાનૂની સેવા સમિતિના સહયોગ થી આયોજિત દિવ્યાંગ કાનૂની શિક્ષણ શિબિરથી થશે.તમામ કાર્યક્રમો મૂકધ્વનિ ટ્રસ્ટ શિક્ષણ સંકુલ,ભગિની સમાજ પાછળ,પાણીની ટાંકી રોડ કારેલીબાગ ખાતે યોજવામાં આવ્યાં છે.એક અંદાજ અનુસાર વિશ્વમાં શારીરિક કે અન્ય પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકોની સંખ્યા 15 ટકા જેટલી છે.એવી જાણકારી આપતાં શહેર ઉજવણી સમિતિના અધ્યક્ષ રીકેશ દેસાઈએ જણાવ્યું કે દિવ્યાંગોની વિશ્વની સૌથી મોટી લઘુમતી ગણવામાં આવે છે.સંયુક્ત રાષ્ટ્ર સંઘની માન્યતા થી આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.તેમણે જણાવ્યું કે દિવ્યાંગ લોકોની ખાસ પ્રકારની જરૂરિયાતો,સંવેદનાઓ અને સામાજિક અધિકારોની જાગૃતિ વ્યાપક બનાવવી જરૂરી છે અને આ ઉજવણી એ દિશાનો પ્રયાસ છે.

આ દિવસે દિવ્યાંગ લોકોની ક્ષમતાઓ અને શક્તિઓને સમાજ સમક્ષ ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તે રીતે સમાજમાં તેમના માટે સહાનુભૂતિ નહીં પણ સંવેદના કેળવાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે.તેમણે જણાવ્યું કે અપંગ કે વિકલાંગ નહીં પણ દિવ્યાંગ ની આદર ભરી ઓળખ આ સમુદાયને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલથી મળી છે.શુક્રવારના રોજ સવારના નવ વાગે ઉપરોક્ત જણાવેલા સ્થળે કાનૂની જાગૃતિ શિબિર શરૂ થશે જેમાં જીલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અને વરિષ્ઠ સિવિલ જજ વિશાલ ગઢવી અને મહાનુભાવો સન 2016ના નવા દિવ્યાંગ કલ્યાણ કાયદાની કલ્યાણકારી જોગવાઈઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપશે.

તે પછી તા.5 મી ડિસેમ્બરના રોજ સવારના 9 વાગે ઉપરોક્ત સ્થળે જ દિવ્યાંગો માટે સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા જાગૃતિ પરિસંવાદ રાખવામાં આવ્યો છે. જેમાં તજજ્ઞ મયુર ભુસાવળકર અને મદદનીશ પોલીસ કમિશનર તેજલ પટેલ અને મહાનુભાવો માર્ગદર્શન આપશે.ઉજવણીનું સમાપન તા.7 મી ડીસેમ્બરના રોજ જીલ્લા કલેકટર આર.બી.બારડની વિશેષ ઉપસ્થિતિમાં સાંજના 7 વાગે ઉપરોક્ત સ્થળે  રાખવામાં આવેલા કાર્યક્રમથી થશે.જેમાં વિશેષ બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.

Most Popular

To Top