ભારતીય નાગરિકતા: ઓળખપત્રો નહીં, કાયદો અને સંવિધાન અંતિમ આધાર ભારતીય નાગરિકતા ભારતીય સંવિધાનના અનુચ્છેદ 5 થી 11 તથા Citizenship Act, 1955ની જોગવાઈઓ અનુસાર નક્કી થાય છે. કોઈ રાજકીય પક્ષની સભ્યતા, કોઈ વિચારધારા અથવા કોઈ સંગઠન સાથેનો સંબંધ નાગરિકતાનો આધાર બની શકતો નથી. આધાર કાર્ડ, PAN કાર્ડ, Voter ID, Driving Licence અથવા અન્ય ઓળખપત્રો ચોક્કસ વહીવટી હેતુઓ માટે બનાવવામાં આવ્યા છે. આધાર નિવાસ અને ઓળખની પુષ્ટિ માટે, Voter ID મતદાન માટે અને PAN કરવેરા સંબંધિત હેતુઓ માટે ઉપયોગી છે. આ દસ્તાવેજો દરેક પરિસ્થિતિમાં નાગરિકતાનો અંતિમ કાનૂની પુરાવો નથી. તે જ સમયે, ભારતીય પાસપોર્ટનું વિશેષ કાનૂની મહત્વ છે.
સામાન્ય રીતે ભારતીય પાસપોર્ટ માત્ર ભારતીય નાગરિકને જ આપવામાં આવે છે અને તે પહેલાં સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે. તેમ છતાં, જો કોઈ ચોક્કસ કાયદાકીય વિવાદ, છેતરપિંડી અથવા નાગરિકતા અંગે પ્રશ્ન ઊભો થાય, તો દરેક કેસમાં પાસપોર્ટને પણ અંતિમ અને અવિચલ પુરાવો ગણવો જરૂરી નથી. લોકશાહીમાં નાગરિક અને રાજ્ય વચ્ચેનો સંબંધ વિશ્વાસ, કાયદો અને સંવિધાન પર આધારિત હોવો જોઈએ, શંકા અને અનિશ્ચિતતા પર નહીં. કાયદાનું શાસન (Rule of Law) ત્યારે જ સાચા અર્થમાં સ્થાપિત થાય, જ્યારે દરેક ભારતીયને પોતાની નાગરિકતા અંગે સ્પષ્ટ, સમાન અને ન્યાયસંગત કાનૂની સુરક્ષા પ્રાપ્ત થાય.
સુરત – નિલેશ ચૌહાણ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.