Editorial

હાસ્યાસ્પદ પુરવાર થતી ચીનની ઝીરો કોવિડ નીતિ

વર્ષ ૨૦૨૦ના શરૂઆતના સમયથી કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયો પછી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં લૉકડાઉન સહિતના નિયંત્રણો શરૂ થયા. આ રોગચાળાની શરૂઆત ૨૦૧૯ના અંતમાં ચીનથી જ શરૂ થઇ હતી. ચીનના વુહાન શહેરમાં આ કોરોનાવાયરસજન્ય રોગના કેસો સૌપ્રથમ દેખાયા હતા અને ચીને ત્યાં સખત લૉકડાઉન તે વખતે લાદ્યું હતું. આના પછી આ રોગચાળો અન્ય દેશોમાં ફેલાવા માંડ્યો અને અન્ય દેશોએ પણ લૉકડાઉન શરૂ કર્યા, અન્ય નિયંત્રક પગલાઓની શરૂઆત કરી.

ચીને ત્યારબાદ થોડા મહિનાઓ પછી પોતાને ત્યાં આ રોગચાળો કાબૂમાં આવી ગયો હોવાની જાહેરાત કરીને નિયંત્રણો ઉપાડી લીધા, જો કે તે કદાચ અત્યંત સાવધ હતું. તેના કેસોના અને મૃત્યુઓના આંકડાઓ અમેરિકા અને ભારત જેવા દેશોની સરખામણીમાં ખૂબ ઓછા છે, જો કે આ આંકડાઓને શંકાની નજરે તો જોવામાં આવે જ છે. ચીનમાં જો કે થોડા સમય પછી ફરીથી કેસો દેખાવા માંડ્યા. ખાસ કરીને કોરોનાવાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ આવ્યા બાદ ત્યાં ફરીથી કેસો વધવા માંડ્યા અને તેણે ફરીથી લૉકડાઉનો લાદવા માંડ્યા અને ફરજિયાત ટેસ્ટિંગ જેવા આદેશો બહાર પાડવા માંડ્યા.

તેના ઔદ્યોગિક મહાનગર શાંઘાઇ સહિત અનેક વિસ્તારોમાં તેણે નવેસરથી નિયંત્રણો લાદ્યા. કોવિડને એકદમ અંકુશમાં લઇ લેવાની દેખીતી જીદ સાથે ચીનના શાસકોએ ઝીરો કોવિડની જક્કી નીતિ અમલમાં મૂકી. શાંઘાઇને તો સપ્તાહો સુધી લૉકડાઉન હેઠળ રાખ્યું. કંટાળેલા લોકો સત્તાવાળાઓ સાથે સંઘર્ષમાં પણ ઉતર્યા, છતાં ચીની સત્તાવાળાઓ પોતાની જક્કી નીતિને વળગી રહ્યા. આજે વ્યાપક રસીકરણ અને હર્ડ ઇમ્યુનિટી પછી ઘટી ગયેલા અને મંદ પડી ગયેલા કોવિડના કેસો વચ્ચે દુનિયાભરના દેશોએ નિયંત્રણો લગભગ નહીંવત જેવા કરી દીધા છે ત્યારે ચીનમાં સ્થિતિ એેવી છે કે તે કેટલાક વિસ્તારોમાં ફરીથી લૉકડાઉન લાદી રહ્યું છે.

ચીનની રાજધાની બૈજિંગની આસપાસના વિસ્તારોના લાખો લોકોને ચીને આ સોમવારે લૉકડાઉનમાં રહેવાનો આદેશ આપ્યો છે, જ્યારે સત્તાવાળાઓ આ વર્ષે યોજાનાર શાસક કોમ્યુનિસ્ટ પાર્ટીની મહત્વની બેઠક અગાઉ કોવિડ-૧૯ને કાબૂમાં રાખવાના તેમના પ્રયાસો બમણા કરી રહ્યા છે. ચીનના શાસક પક્ષ સીપીસીનું પંચવર્ષિય અધિવેશન હજી તો દોઢ મહિના પછી યોજાવાનું છે પણ બૈજિંગના આસપાસના લોકોને અત્યારથી તેમના ઘરોમાં ગોંધવામાં આવી રહ્યા છે. હેબેઇ પ્રાંત, કે જે બૈજિંગની આસપાસના વિસ્તારમાં આવેલો છે ત્યાંના લોકોને આ સપ્તાહના અંત સુધીમાં ઘરોમાં જ રહેવા આદેશ અપાયો છે જ્યારે અધિકારીઓ વાયરસના કેસોમાં આવેલા એક નાના ઉછાળાને કાબૂમાં લેવા માટે ઘાંઘા થયા છે.

અને બાજુના બંદરીય શહેર તિઆનજીનના ૧૩૦ લાખ કરતા વધુ લોકોને સ્થાનિક સમય પ્રમાણે સવારે છ વાગ્યાથી ફરજિયાત સામૂહિક ટેસ્ટિંગ કરાવવાનો આદેશ અપાયો છે. ત્યાં મોટે ભાગે નજીવા લક્ષણ ધરાવતા એવા ૫૧ કેસો નિકળ્યા  બાદ આ આદેશો જારી કરાયા છે. ચીનના દક્ષિણી ટેક હબ શેન્ઝેનમાં બે ડિસ્ટ્રિક્ટને આંશિક લૉકડાઉન હેઠળ મૂકવામાં આવ્યા છે, જ્યારે હુઆકિઆંગબેઇમાં આવેલ વિશ્વના સૌથી મોટા ઇલેકટ્રોનિક બજારને બંધ કરી દેવાયુ છે – જ્યારે કે આ ૧૮૦  લાખની વસ્તી ધરાવતા શહેરમાં દરરોજના માત્ર ૩૫ દૈનિક કેસો નિકળી રહ્યા છે. સમજી શકાય છે કે ખૂબ ઓછી સંખ્યામાં અને નજીવા લક્ષણો ધરાવતા કેસો સામે પણ ચીન આક્રમક વલણ અપનાવી રહ્યું છે જ્યારે કે અન્ય દેશોએ તો આવા કેસોને હવે ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું છે.

ભારતમાં હજી પણ રોજના દસ હજારની આસપાસ કેસ નિકળે છે. વિશ્વના અનેક દેશો એવા છે કે જ્યાં હજી રોજના વીસ હજાર કરતા પણ વધુ કેસો નિકળે છે પરંતુ વિશ્વમાં હવે હાહાકાર નથી. રોગચાળામાં એક સમય પછી લોકોનું શરીર  રોગના જીવાણુઓ, વિષાણુઓ સામે ટેવાઇ જાય છે. સામૂહિક રોગ પ્રતિકારકશક્તિ કે હર્ડ ઇમ્યુનિટી પણ જન્મે છે અને પછી રોગ, ખાસ કરીને વાયરસજન્ય રોગ નબળો પડી જાય છે. આ સ્થિતિમાં મોટા ભાગના દેશોએ નિયંત્રણો નહીંવત કરી  નાખ્યા છે. દેશોએ તેમના લોકોની સુખાકારી અને અર્થવ્યવસ્થાની પણ ચિંતા કરવાની હોય છે.

પરંતુ ચીનના સરમુખત્યાર, જક્કી શાસકો ઝીરો કોવિડ અંગે જાણે જીદે ચડ્યા છે. બ્રિટન જેવા દેશે તો હવે કોવિડના દર્દીને આઇસોલેશનમાં રાખ્યા વિના અન્ય રોગના દર્દીઓની જેમ જ સામાન્યપણે સારવાર કરવાનું શરૂ કર્યું છે. પરંતુ ચીને હજી લૉકડાઉન જેવા સખત પગલાઓ ચાલુ રાખ્યા છે અને લોકોએ તે સ્વીકારવા પડે છે. જક્કી, આપખુદશાહી શાસન હેઠળ પ્રજાએ કેવું હેરાન થવું પડે છે તેનું આ ઉદાહરણ છે. અને સખત નિયંત્રણો છતા ચીનમાં કોવિડનો રોગચાળો સંપૂર્ણ કાબૂમાં તો આવતો જ નથી. તેની ઝીરો કોવિડની નીતિ હાસ્યાસ્પદ પુરવાર થઇ રહી છે.

Most Popular

To Top