Feature Stories

બુર્જ ખલીફા નહીં બનાવી શક્યા તો સુરતના ભક્તોએ બાપ્પા માટે બનાવી દીધો લાલમહેલ..

જ્યાંનું પ્રવેશદ્વાર રાજમહેલના પ્રવેશદ્વાર જેવું લાગે અને જ્યાં અંદર જતાં રાજમહેલમાં જતાં હોય તેવો અનુભવ થાય એવા ગણેશોત્સવનું આયોજન આ વખતે સુરતના ભાગળના લીમડાચોક ખાતે કરવામાં આવ્યું છે. આયોજક પ્રજ્ઞેશ ફૂલવાલાના કહેવા પ્રમાણે અમારે પહેલા બુર્ઝ ખલીફા જેવો પ્રવેશ દ્વારા બનાવવો હતો પરંતું હાઈટના કારણે અમે તે બનાવી શક્યા નથી અને તેને કારણે અમે રાજમહેલનો હોય તેવો પ્રવેશદ્વાર બનાવ્યો છે. આ માટે લાલ કલરના વેલવેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે મંડપની અંદર પણ લાલ વેલવેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ભક્તોને પણ મંડપમાં પ્રવેશ લેતાં જ રાજમહેલમાં આવ્યા હોય તેવો અનુભવ થાય.

અનેક ભક્તો દ્વારા જ્યાં વર્ષોથી બાધાનાં નાળિયેર મૂકવામાં આવે છે તેવા સુરતના લીમડા ચોકના જાણીતા ગણેશોત્સવમાં આ વખતે અલગ જ થિમ પર ગણેશ મંડપ બનાવાયો છે

કાશીવિશ્વનાથ મંદિરની થિમ પર ગણેશજીની સ્થાપના: મયુરભાઈ પ્રજાપતિ
વાડી ફળિયા સ્થિત વ્યાયામ શાળાના મયુરભાઈ પ્રજાપતિ અને નૈમેશભાઈ પોલેકરે જણાવ્યું કે તેમની વ્યાયામ શાળામાં છેલ્લાં 57 વર્ષથી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. આ વખતે કાશી વિશ્વનાથ મંદિરની થિમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ વ્યાયામ શાળામાં સ્થિત કૂવામાં દસ દિવસ બાદ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. તેમની વ્યાયામ શાળામાં દર વર્ષે ધાર્મિક સ્થળોની થિમ પર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. આ વખતે તેમના ગણેશમંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે અને ભક્તોને છોડ આપી વૃક્ષારોપણ માટેનો સંદેશો આપવામાં આવશે.

વરસાદી પાણીના ભરાવાના સ્થળે મનપા વોટર રિચાર્જ બોર બનાવશે
સુરત: શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ઘણા સ્થળોએ વરસાદી પાણીના ભરાવાની સમસ્યા થાય છે. જેથી હવે સુરત મહાનગરપાલિકા દ્વારા આવા સ્થળો પર વોટર રીચાર્જીંગ બોર બનાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અઠવા ઝોનમાં પીપલોદ ઇડબલ્યુએસ આવાસ ખાતે  વરસાદી પાણીનો ભરાવો થતો હતો તે જગ્યાએ  વોટર રીચાર્જીંગ બોરનો  પ્રયોગ હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત અઠવા ઝોનમાં વરસાદી પાણીનો ભરાવો વધુ રહેતા હોય તેવા 15  જેટલા  સ્થળોએ વોટર રીચાર્જીંગ બોર  માટે પણ આયોજન કરાશે. અહીં મનપાને સફળતા મળશે તો ખાડી પુરના પાણી જે વિસ્તારોમાં ભરાય છે તે જગ્યાએ પણ આ કામગીરી કરવામાં આવશે. શહેરમાં દર વર્ષે ખાડીપુરની સમસ્યા સર્જાતી હોય છે. આ વર્ષે પણ ખાડી વિસ્તારોમાં ખાડીપુરને કારણે સ્થાનિકોને ચાર ચાર દિવસો સુધી પાણી વચ્ચે રહેવાનો વારો આવ્યો હતો. જેથી હવે આવી સમસ્યાના નિકાલ માટે મનપા દ્વારા વરસાદી પાણીના ભરાવાની સમસ્યાને નિવારવા માટે આ પ્રયોગ કરાશે. પાણી ભરાય તેવા સ્થળે વોટર રીચાર્જીંગ બોર બનાવવાથી પાણી સીધુ જમીનમાં ઉતરી જશે અને પાણીનો ભરાવો નહીં થશે. અઠવાના પીપલોડ ઈડબલ્યુએસ આવાસ પાસે સફળતા મળ્યા બાદ મનપા દ્વારા અઠવા ઝોનમાં 20 જગ્યા એવી છે જ્યાં પાણીનો ભરાવો થાય છે તે જગ્યાએ પણ વોટર રીચાર્જીંગ બોર બનાવવામાં આવશે.

Most Popular

To Top