પશ્ચિમ બંગાળમાં ઇતિહાસ રચાયો: શુભેન્દુ અધિકારી આજે લેશે CM પદની શપથ, મમતાને પણ મોકલાયું આમંત્રણ
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આજે ઐતિહાસિક દિવસ માનવામાં આવી રહ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાઈ રહી છે અને ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારી આજે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી પદની શપથ લેશે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજરી આપશે.
ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન કરીને 207 બેઠકો પર ઐતિહાસિક જીત નોંધાવી છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો સુધી સીમિત રહી ગઈ છે. છેલ્લા 15 વર્ષથી સત્તામાં રહેલી મમતા બેનર્જીની સરકારને આ વખતે જનતાએ સત્તાથી દૂર કરી દીધી છે. રાજકીય વિશ્લેષકો આ પરિણામને બંગાળની રાજનીતિમાં મોટો ફેરફાર ગણાવી રહ્યા છે.
શુભેન્દુ અધિકારીએ ભવાનીપુર બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવીને રાજકીય ચકચાર મચાવી હતી. ત્યારબાદ 8 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોલકાતા પહોંચ્યા હતા, જ્યાં ભાજપ વિધાનમંડળ પક્ષની બેઠકમાં શુભેન્દુ અધિકારીને સર્વસંમતિથી નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. અમિત શાહે ખુદ તેમના નામની સત્તાવાર જાહેરાત કરી હતી.પછી શુભેન્દુ અધિકારીએ રાજ્યપાલ આર.એન. રવિ સાથે મુલાકાત કરીને ભાજપના ધારાસભ્યોના સમર્થન પત્ર સોંપ્યા અને રાજ્યમાં નવી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. હવે તેઓ પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.
આ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન, બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સહિત અનેક મોટા નેતાઓ ઉપસ્થિત રહેશે. પ્રોટોકોલ અનુસાર પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ સમારોહ માટે સત્તાવાર આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે શુભેન્દુ અધિકારીને વિધાનમંડળ પક્ષના નેતા તરીકે પસંદ કરાયા બાદ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ માત્ર ભાજપનું નહીં પરંતુ લાખો કાર્યકરોનું સ્વપ્ન હતું. શ્યામા પ્રસાદ મુખર્જીની ધરતી પર હવે શ્યામા પ્રસાદની વિચારધારાવાળી સરકાર બનવા જઈ રહી છે. બંગાળની જનતાએ જંગલરાજને ઉખાડી ફેંક્યું છે. આ લોકશાહીની જીત છે.”
ઉત્તર પ્રદેશના ઉપમુખમંત્રી કેશવ પ્રસાદ મૌર્યાએ પણ શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, “TMCનું શાસન પશ્ચિમ બંગાળ માટે અંધારી રાત સમાન હતું. લોકો પરિવર્તન ઇચ્છતા હતા અને તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વ પર વિશ્વાસ મૂકીને કમળનું બટન દબાવ્યું.”હવે સમગ્ર દેશની નજર કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર રહેશે, જ્યાં શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી તરીકે શપથ લઈને પશ્ચિમ બંગાળની નવી રાજકીય શરૂઆત કરશે. ભાજપ માટે આ જીત માત્ર રાજકીય સફળતા નહીં પરંતુ પૂર્વ ભારતની રાજનીતિમાં મોટો ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવી રહી છે.