World

ચીનના લોકો આટલા ગુસ્સે કેમ ભરાયા, શું કામ કરી રહ્યાં છે વિરોધ?

બેઈજિંગ: ચીનમાં (China) શનિવારની રાતથી કોવિડ લોકડાઉન (Covid LockDown) વિરુદ્ધમાં લોકો રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શનો (Protest) કરી રહ્યાં છે. લોકો રાષ્ટ્રપતિ જિનપિંગનું રાજીનામું માંગી રહ્યાં છે. સરમુખ્ત્યાર શાસનમાં પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યાં છે. એકાએક આટલો ઉગ્ર વિરોધ થવા પાછળ ત્રણ કારણો જવાબદાર માનવામાં આવે છે. પહેલું કોવિડના પ્રતિબંધો, બીજું પોલીસનો જુલ્મ અને ત્રીજું મોટું કારણ છે એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગ.

ચીનમાં લાંબા સમયથી કોરોનાના પ્રતિબંધો સામે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે, પરંતુ હાલમાં આ વિરોધ ઉગ્ર બનવા પાછળ એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગ જવાબદાર માનવામાં આવે છે. અહીંના ઉરમકી શહેરના એક એપાર્ટમેન્ટમાં ગયા ગુરુવારે તા. 21 નવેમ્બરના રોજ આગ લાગી હતી. આ આગમાં દાઝી જવાના લીધે 10 લોકોના મોત થયા હતા. લોકોનું માનવં છે કે કોરોનાના લોકડાઉનના લીધે તેમાં લોકો ફસાયા હતા અને લોકોના મોત થયા હતા. કોરોનાના પ્રતિબંધોના લીધે રાહત કામગીરી યોગ્ય રીતે થઈ શકી નહોતી. લોકો ભાગી શક્યા નહીં અને તેઓને કોઈ બચાવવા પણ જઈ શક્યું નહોતું.

બેઇજિંગ અને નાનજિંગમાં યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શનના રૂપમાં પ્રદર્શન કરનારાઓએ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને શાસક કમ્યુનિસ્ટ પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કડક કોવિડ લોકડાઉનનો વિરોધ કરનારાઓ ચીનમાં ભાગ્યે જ જોવા મળતો જાહેર વિરોધ રવિવારે રાજકીય બની ગયો હતો. રવિવારે શાંઘાઈમાં હજારો વિરોધીઓની પોલીસ સાથે અથડામણ થઈ હતી. શાંઘાઈથી શરૂ થયેલું આ પ્રદર્શન હવે બેઈજિંગ, ચેંગડુ, લેન્ઝોઉ, ગુઆંગઝુ, ઉરુમકી, હોટન, નાનજિંગ અને વુહાન સુધી પહોંચી ગયું છે.

શાંઘાઈમાં હજારો વિરોધીઓ વુલુમુકી રોડ પર એકઠા થયા હતા શનિવારે રાત્રે પોલીસની ભારે હાજરી હોવા છતાં રવિવારે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો જોવા મળ્યાં હતાં. વિરોધ સ્થળ પર હાજર સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે શરૂ થયેલો વિરોધ મધ્ય બપોર સુધીમાં સેંકડો લોકોની ભાગીદારી સાથે વધુ તીવ્ર બન્યો હતો. શાંઘાઈમાં વિરોધ પ્રદર્શનો અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયો અનુસાર, લોકોને ખુલ્લેઆમ ‘શી જિનપિંગ પદ છોડો’ અને ‘કમ્યુનિસ્ટ પાર્ટી પદ છોડો’ જેવા નારા લગાવતા સાંભળવામાં આવ્યા હતા.

રિપોર્ટરે કહ્યું હતું કે, વિરોધ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, કોવિડ નીતિઓની રાજનીતિ અર્થતંત્રની મંદી સહિત વ્યાપક રાજકીય હતાશાને પ્રતિબિંબિત કરે છે. અન્યત્ર વિરોધીઓએ હાથમાં ખાલી સફેદ બેનરો પકડી રાખ્યા હતા, જ્યારે અન્યોએ ઉરુમકીમાં પીડિતો માટે મીણબત્તીઓ પ્રગટાવી હતી અને ફૂલો ચઢાવ્યાં હતાં, જ્યાં ગુરુવારે કોવિડ લોકડાઉન હેઠળ એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 10 લોકોનાં મોત થયાં હતાં.

સત્તામાં આવ્યાને તેમના ત્રીજા કાર્યકાળના માત્ર એક મહિનાથી વધુ સમયમાં લોકડાઉન વિરોધી વિરોધ શી માટે એક મોટો પડકાર બની ગયો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં પોલીસે ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા તેમની અટકાયતના વિરોધ વચ્ચે શાંઘાઈમાં કેટલાક પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત, બેઇજિંગની પ્રતિષ્ઠિત સિંઘુઆ યુનિવર્સિટી તેમ જ નાનજિંગમાં કોમ્યુનિકેશન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના વિરોધની આગ ફાટી નીકળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીનમાં ઘણા સમયથી સરકારની ઝીરો કોવિડ નીતિ હેઠળ લૉકડાઉન સહિતના નિયંત્રણો મૂકવામાં આવી રહ્યા છે અને છતાં હાલમાં કેસો વધ્યા છે તેવા સંજોગોમાં નિયંત્રણો વધુ સખત બનાવવામાં આવી રહ્યા છે ત્યારે લોકોની અકળામણ પણ વધી રહી છે અને છેલ્લા બે દિવસથી ચીનમાં અભૂતપૂર્વ કહી શકાય તેવા વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે જે આજે રવિવારે તો ખૂબ ઉગ્ર બન્યા હતા.

Most Popular

To Top