SURAT

ડોલરની રાહ જોતાં સુરતના હીરા દલાલે રૂપિયા પણ ગુમાવ્યા, પાડોશી દંપત્તિએ આ રીતે છેતર્યો

સુરત: (Surat) અમરોલી ખાતે રહેતો હીરા દલાલની (Diamond Broker) સાથે પડોશની સોસાયટીમાં રહેતા વોરા દંપત્તિએ સારા નફાની લાલચ આપી હતી. લાલચમાં આવીને કીરીટે મુંબઇના (Mumbai) ડાયમંડ બુર્સમાંથી (Diamond Burs) હીરા ખરીદવા માટે 40 લાખ આંગડીયાથી મુંબઇ મોકલી આપ્યા બાદ આજદિન સુધી પરત નહીં આપતા કીરીટભાઈએ વોરા દંપત્તિ સહિત 3 સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  • અમરોલીમાં હીરા દલાલ સાથે વોરા દંપત્તિ સહિત ત્રણ જણાએ 40 લાખની છેતરપિંડી કરી
  • ધંધામાં સારા નફાની લાલચમાં હીરા દલાલે રૂપિયાનું ડોલરમાં રૂપાંતર કરવા આંગડીયાથી 40 લાખ રૂપિયા મુંબઇ મોકલાવ્યા

અમરોલી છાપરભાઠા ખાતે ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા 38 વર્ષીય કીરીટભાઈ પ્રવિણભાઈ ચોવટીયાએ વોરા દંપત્તિ સહિત ત્રણ જણા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કીરીટભાઈની બાજુની ગોવર્ધન સોસાયટીમાં રહેતા નિલેશ બાબુભાઇ વોરા અને તેની પત્ની રીના વોરાએ કીરીટભાઈને અમારી સાથે હીરાનો ધંધો કરશો તો સારો નફો અપાવીશું એમ કહી મોબાઇલમાં હીરાના ફોટા બતાવ્યા હતા. નિલેશે ઓછામાં ઓછા 100 કેરેટ હીરાની ખરીદી કરવી પડે તો 40 લાખનો માલ લેવો પડશે. તથા રૂપિયાના ડોલરમાં રૂપાંતર કરી પછી હીરાની ખરીદી કરવી પડશે તેવી વાતચીત કરી હતી. કીરીટભાઈએ લાલચમાં આવી ગત 23 ફેબ્રુઆરીએ નિલેશના કહેવાથી મુંબઇના ડાયમંડ બુર્સ ખાતે ડોલરનો ધંધો કરતા મિતેન એમ. પ્રજાપતિને આંગડીયાથી 40 લાખ રૂપિયા મોકલ્યા હતા.

બીજા દિવસે મુંબઇ હીરા ખરીદવા ગયા હતા. વોરા દંપત્તિએ કીરીટભાઈને બાંદ્રા ખાતે બોલાવ્યા હતા. નિલેશે ડાયમંડ બુર્સમાં જવા માટે રેફરન્સ કાર્ડ મળે એમ નથી એટલે બીજા દિવસે જઇશું એમ કહી પોતાનો ફોન બંધ કરી દીધો હતો. જેથી કીરીટે મિતેનને ફોન કરતા મિતેને તારા પૈસા સેફ છે ચિંતા નહી કરીશ તેમ કહ્યું હતું. બાદમાં નિલેશના પુત્રએ કીરીટભાઈને ફોન કરીને તમારા 40 લાખ આંગડીયાથી સુરત મોકલીએ છીએ એમ કહ્યું હતું. ત્યારબાદ આજદિન સુધી રૂપિયા પરત નહીં કરતા કીરીટભાઈએ નિલેશભાઈ બાબુભાઈ વોરા, રીનાબેન વોરા અને મિતેન પ્રજાપતિની સામે ફરિયાદ નોંધાઈ હતી.

કીરીટે ગામમાં જમીનના આવેલા 36 લાખ આપ્યા હતા
હાલમાં જ રાજકોટમાં ચાવન્ડી ગામની જમીનના 36 લાખ રૂપિયા આવ્યા હતા. કીરીટે તેના મોટાભઆઈ હિતેશને વાત કરી તેની પાસેથી 36 લાખ રૂપિયા રોકડા મંગાવ્યા હતા. તેની પાસે બચતના 4 લાખ રૂપિયા હતા. આમ 40 લાખ રૂપિયા નિલેશના કહેવાથી મુંબઈમાં રહેતા ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા તેના મિત્ર મિતેશ એમ. પ્રજાપતિ (વિસાવડીયા)ને આપવા કહ્યું હતું.

Most Popular

To Top