Columns

ચાર ધામ યાત્રાનો પ્રોજેક્ટ અને બંધો પર્યાવરણ માટે વિનાશક છે

કાકા કાલેલકરે અને સ્વામી આનંદે આજથી સો વર્ષ પહેલાં ચાર ધામની યાત્રા કરી ત્યારે ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ સુધી પહોંચવા માટે સડકો જ નહોતી. તેમ છતાં હજારો  યાત્રિકો પગપાળા ચાર ધામની યાત્રા કરતા હતા. સામાન ઉપાડવા માટે તેઓ મજૂરોની અને ખચ્ચરોની મદદ લેતા હતા.

રસ્તામાં જેટલા પડાવ આવતા ત્યાં કાળી કામળીવાળાની ધર્મશાળાઓ રહેતી. યાત્રિકો દુકાનમાંથી સીધુંસામાન ખરીદતા અને જાતે રાંધીને ભોજન કરતા. ભારતને સ્વતંત્રતા મળી તે પછી સરકારે છેક બદ્રીનાથ અને ગંગોત્રી પહોંચે તેવી પાકી સડકો તૈયાર કરી. કેદારનાથ અને યમનોત્રી જવા માટે આજની તારીખમાં પણ છેલ્લા કેટલાક કિલોમીટર પગપાળા મુસાફરી કરવી પડે છે. ચાર ધામના જે રસ્તાઓ છે તે અત્યંત સાંકડા છે અને તે વારંવાર હિમપ્રપાતનો ભોગ બને છે, જેને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે.

ભાજપ સરકાર દ્વારા ચાર ધામના યાત્રિકોની સગવડ માટે ફોર લાઈન ઓલ સીઝન રોડની યોજના તૈયાર કરવામાં આવી છે તેનો પર્યાવરણવાદીઓ પ્રારંભથી જ વિરોધ કરતા આવ્યા છે. તેમના કહેવા મુજબ હિમાલય પર્વત હજુ યુવાન હોવાથી તેના પથ્થરો બહુ કાચા છે.

જરાક વરસાદ પડે ત્યાં હિમાલયમાં ભૂસ્ખલનની ઘટનાઓ બનતી હોય છે. ફોર લાઇન રોડ બનાવવા માટે હિમાલયમાં લાખો વૃક્ષોનો સંહાર કરવામાં આવશે. ૨૦૨૦માં સુપ્રિમ કોર્ટે આ યોજના માટે મનાઇહુકમ ફરમાવ્યો હતો, પણ ત્યાં સુધી ૭૦૦ હેક્ટર જમીનમાં ૪૭,૦૦૦ વૃક્ષો કપાઈ ચૂક્યા હતા. સરકાર હજુ આ યોજનામાં આગળ વધવા કટિબદ્ધ છે.

હિમાલયની પર્વતમાળામાં વૃક્ષોનો સંહાર થવાથી માટીનું ધોવાણ વધી જાય છે. તેને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વધતી જાય છે. જ્યારે ગરમી વધે છે અને બરફ પીગળે છે ત્યારે બરફનાં પાણી સાથે માટી અને પથ્થરો પણ ધસી પડે છે. ચાર ધામની યોજના ઉપરાંત બંધોની યોજનાઓ પણ જોખમી પુરવાર થઈ રહી છે.

ચાર ધામ પરિયોજના ઋષિકેશથી શરૂ થઈને છેક બદ્રીનાથ સુધી જાય છે. ૭૦ કિલોમીટર ઉત્તરમાં દેવપ્રયાગમાં તે અલકનંદા ઘાટીમાં પ્રવેશ કરે છે. જોષીમઠ પણ બદ્રીનાથના રસ્તે આવેલું છે. જોષીમઠમાં અલકનંદા સાથે ધૌલીગંગા નદીનો સંગમ થાય છે.

ચમોલીમાં જે હિમનદી પીગળી તેનું પાણી ધૌલીગંગા મારફતે જોષીમઠ સુધી પહોંચી ગયું હતું. ચાર ધામનો સૂચિત માર્ગ પણ અહીંથી જ પસાર થાય છે. અત્યારે ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ જતા જે સાંકડા રસ્તાઓ છે તે બહુ ફરીફરીને જાય છે, જ્યારે ગંગોત્રી અને યમનોત્રી તેમ જ બદ્રીનાથ અને કેદારનાથ વચ્ચે સીધી લીટીનું અંતર બહુ ઓછું છે. સરકારની યોજના બોગદાંઓ ખોલીને રસ્તાઓ બનાવવાની છે. આ બોગદાંઓ ખોલવામાં પણ પહાડોને નુકસાન થઈ શકે તેમ છે.

ઉત્તરાખંડની સરકારે ૨૦૦૨માં હિમાલયમાંથી નીકળતી નદીઓ ઉપર બંધો બાંધીને જળઉર્જા પેદા કરવાની યોજનાઓ તૈયાર કરી હતી. ૨૦૦૯માં તેણે ૩૫૦ બંધો બાંધવાની યોજનાઓ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાંના ૯૮ બંધો તો તૈયાર થઈ ગયા છે. વર્તમાનમાં તેની ક્ષમતા ૪,૦૦૦ મેગાવોટ વીજળી પેદા કરવાની છે.

ઉત્તરાખંડની સરકારને વધુ વીજળીની જરૂર નથી; પણ તેનો ઇરાદો વધારાની વીજળી પેદા કરીને નફો રળવાનો છે. વળી જો ચાર ધામની પાકી સડક તૈયાર થઈ જશે તો ટુરિઝમનો પણ વિકાસ થશે. ઉત્તરાખંડ સરકાર માટે આજની તારીખમાં પણ પર્યટનનો વ્યવસાય આવકનું મોટું સાધન છે. જો ચાર ધામની પરિયોજના તૈયાર થઈ જાય તો તેનો નફો બહુ વધી જાય તેમ છે. આ નફાના લોભમાં પર્યાવરણને થઈ રહેલું નુકસાન ભૂલી જવામાં આવ્યું છે.

ઇ.સ. ૨૦૧૩માં કેદારનાથના ઉપરવાસમાં આવેલું તળાવ ફાટવાને કારણે જે દુર્ઘટના થઈ તેમાં ભારે નુકસાન થયું હતું અને આશરે ૫,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં. તળાવ ફાટવાને કારણે હિમાલયની નદીઓમાં પૂર આવ્યાં હતાં.

આ પૂરમાં નદીકિનારે કરવામાં આવેલાં ગેરકાયદે બાંધકામો તણાઈ ગયાં હતાં, જેને કારણે હજારો લોકો માર્યા ગયા હતા. જો નદીના પટમાં બાંધકામ ન કરવાના કાયદાનો અમલ કરવામાં આવ્યો હોત તો જાનહાનિ બહુ ઓછી થઈ હોત. કેદારનાથમાં જે પૂર આવ્યું તેમાં પણ બાંધકામ હેઠળના અનેક બંધો તણાઈ ગયા હતા.

આ દુર્ઘટના પછી ઉત્તરાખંડ સરકારે તેનાં કારણોની તપાસ કરવા કમિટિ નીમી હતી. તેણે સ્પષ્ટ હેવાલ આપ્યો હતો કે ઉત્તરાખંડમાં નદીઓ ઉપર બંધો બાંધવાની તમામ યોજનાઓ રદ્દ કરવાની જરૂર છે. આ હેવાલની ઉપેક્ષા કરવામાં આવી તેને કારણે ચમલીમાં હીમનદી ફાટવાની દુર્ઘટના વિનાશક બની ગઈ છે.

ચમોલીમાં હીમનદી ફાટવાની દુર્ઘટના કેવી રીતે બની? તેનાં કારણોની તપાસ ચાલી રહી છે. જાણકારો કહે છે કે હિમાલયમાં બરફ પીગળવાની અને હીમનદીમાં પૂર આવવાની ઘટનાઓ નિયમિત બનતી રહે છે.

જાગતિક તાપમાન વધવાને કારણે હીમનદીઓ સંકોચાઈ રહી છે. કોઈ પણ હીમનદી સંકોચાય ત્યારે તેના પટમાં મોટા પ્રમાણમાં પથ્થરાઓ જમા થાય છે. જ્યારે બરફ પીગળે છે ત્યારે હીમનદીમાં પૂર આવે છે. આ પૂરમાં જમા થયેલા પથ્થરાઓ અને માટી પણ ઘસડાઈ જાય છે. તેને કારણે હીમનદીના પૂરની તાકાત બહુ વધી જાય છે. ત્યાર બાદ રસ્તામાં જે કોઈ પુલો કે બંધો આવે છે તેને પણ હીમનદી તોડી નાખે છે અને પોતાની સાથે ઘસડી જાય છે.

ચમોલીમાં પણ આવું જ કાંઇ બન્યું હતું. તા. ૫ અને ૬ ફેબ્રુઆરીના દિવસે તાપ વધુ હોવાને કારણે મોટા જથ્થામાં બરફ પીગળવા લાગ્યો હતો. આ બરફ ત્રિશુલગઢ નામના ઝરણાંમાં ઠલવાયો હતો. આ ખીણમાં મોટી સંખ્યામાં શિલાઓ હતી. તે બધી પાણીના જથ્થા સાથે ઘસડાવા લાગી હતી. આ બધો જથ્થો રિષીગંગા નદીના મૂળ સુધી આવ્યો હતો. આ જથ્થો પહેલા પુલ સાથે અફળાયો હતો.

પુલને તોડીને તે રિષીગંગા નદી આડે બાંધવામાં આવેલા ૧૩ મેગાવોટના નાના બંધ સાથે અથડાયો હતો. આ બંધને તોડીને તે આગળ વધ્યો હતો. પુષ્ટ બનેલો આ પ્રવાહ પછી ધૌલીગંગા નદી તરફ વળ્યો હતો. આ નદી આડે ૫૨૦ મેગાવોટનો તપોવન વિષ્ણુગઢ બંધ તૈયાર કરવામાં આવ્યો હતો.

ગણતરીની ક્ષણોમાં તે બંધ ખતમ થઈ ગયો હતો. જે મજૂરો બંધમાં કામ કરતા હતા તેઓ પૂરમાં ઘસડાઇ ગયા હતા. નદીનાં પાણીને વાળવા માટે જે બોગદું તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં આશરે ૨૦૦ મજૂરો ફસાઇ ગયા હતા. હવે બોગદું તોડીને તેમના મૃતદેહો બહાર કઢાઈ રહ્યાં છે.

હિમાલય પર્વત લાખો વર્ષોથી અસ્તિત્વમાં છે અને ત્યાં માનવ સભ્યતા પણ પ્રાચીન કાળથી વિકસિત થયેલી છે. આ સભ્યતા જ્યાં સુધી પર્યાવરણ સાથે તાલમેલ કરીને જીવતી હતી ત્યાં સુધી આવી દુર્ઘટનાઓ બનતી નહોતી. વીસમી અને એકવીસમી સદીમાં લાલચુ માનવે નફો રળવા માટે હિમાલયના પર્યાવરણ સાથે છેડછાડ કરવા માંડી ત્યારથી દુર્ઘટનાઓ વધી રહી છે.

૨૦૧૩માં કેદારનાથની દુર્ઘટના પહેલી ચેતવણી હતી. હવે ૨૦૨૧માં કુદરતે બીજી ચેતવણી આપી છે. જો મનુષ્ય આ ચેતવણીની પણ અવગણના કરશે તો કુદરત હજુ કોપાયમાન થશે.

કુદરતને પ્રસન્ન રાખવા માટે હિમાલયમાં તમામ બંધોની યોજના રદ્દ કરવી જરૂરી છે. જેમને ચાર ધામની યાત્રા કરવી હોય તેઓ પગપાળા યાત્રા કરવાનું જ રાખશે તો હિમાલયનું સૌંદર્ય જળવાઈ રહેશે.

–  લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top