Columns

સેલિબ્રિટી કપલ્સઃ લગ્નની ભેંટમાં શું-શું મેળવે છે?

હાલમાં ક્રિકેટર કે. એલ. રાહુલ અને અભિનેત્રી આથિયાના લગ્ન થયાં અને આ બંનેને સેલિબ્રિટીઝે આપેલી ભેંટ વિશે ખાસ્સી એવી અફવા પ્રસરી અને તેને લોકોએ સાચી માની પણ લીધી. સેલિબ્રિટીઝ એકબીજાને ગિફ્ટ આપતાં હશે, પરંતુ કે. એલ. રાહુલ અને આથિયાના કિસ્સામાં તો ગિફ્ટની યાદી આવતી ગઈ અને આશ્ચર્ય વધતું ગયું. તેમાં આથિયાના પિતા સુનિલ શેટ્ટીએ પરણિત યુગલને 50 કરોડનો ફ્લેટ આપ્યાના અહેવાલેય આવ્યો હતો.

આ બંનેને ગિફ્ટ આપવામાં સલમાન ખાન, વિરાટ કોહલી, મહેન્દ્રસિંઘ ધોનીનું નામ હતું અને તેમણે કરોડો રૂપિયાની ગિફ્ટ આ બંનેને આપી છે તેવાં અહેવાલ આવ્યા હતા. વિરાટ કોહલી અને અનુશ્કા શર્મા તરફથી મળેલી રાહુલ-આથિયાની ગિફ્ટ અઢી કરોડની BMW હતી તેવું કહેવાયું, ધોનીએ 80 લાખની બાઈક અને સલમાન ખાને દોઢ કરોડની ઓડી કાર આપી તેવા ન્યૂઝ આવ્યા. આ ન્યૂઝ એ રીતે વહેતાં થયા કે દેશના મોટા ભાગના ન્યૂઝ ચેનલો-અખબારોએ તેને કવર કર્યા, છેલ્લે સુનિલ શેટ્ટીના પરિવાર તરફથી એવી સ્પષ્ટતા કરવી પડી કે આ પ્રકારની ગિફ્ટ બંને યુગલોએ મેળવી છે તે ન્યૂઝ આધાર વિનાના છે. સેલિબ્રિટીઝની ભેંટની આપલે સ્વાભાવિક છે કે વિશેષ રહેવાની અને તેમાંય જ્યારે તેમાં નાણાંની મર્યાદા ન હોય ત્યારે તે ગિફ્ટો સામાન્ય લોકો માટે અજાયબી લાગે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અત્યારે માતા-પિતા બની ચૂક્યા છે અને તેમને હવે પેરેન્ટ્સ તરીકેની ગિફ્ટ મળી રહી છે, પરંતુ આ બંને જ્યારે પરણ્યાં ત્યારે આ હાઇપ્રોફાઇલ લગ્નમાં કોણે શું ભેંટ આપી હતી તેની ખૂબ ચર્ચા થઈ હતી. ખાસ વાત તો એ હતી કે રણબીર કપૂરની એક્સ-ગર્લફ્રેન્ડ રહેનારી કેટરીના કેફ અને દિપીકા પાદુકોણે સુધ્ધા આ કપલને ભેંટ આપી હતી. કેટરીના કેફે આલિયા ભટ્ટને પ્લેટેનિયમ બ્રેસલેટ આપ્યો હતો. એ રીતે સિદ્ધાર્થ મલ્હોત્રાએ આલિયા ભટ્ટ માટે ત્રણ લાખની કિંમતની મોંઘી હેન્ડબેગ આપી હતી. પ્રિયંકા ચોપરાએ આલિયાને સ્પેશિયલ એક નોટ લખી હતી અને તેમાં બંને યુગલને લગ્નજીવનની શુભકામના આપતો સંદેશ હતો; ઉપરાંત પ્રિંયકા ચોપરા તરફથી 9 લાખનો મોંઘેરો નેકલેસ પણ આલિયાને ગિફ્ટ મળ્યો હતો.

સેલિબ્રિટીઝ પાસેથી કશું શીખીએ ન શીખીએ પણ એક બાબત જરૂર શીખવાની છે કે તેઓ મનમાં કોઈ દ્વેષ રાખ્યા વિના એકબીજાની સફળતા અને સારાં પ્રસંગોમાં ખુશીથી સામેલ થવાનું જાણે છે અને તેને અભિવ્યક્ત પણ કરે છે. એટલે દિપીકા પાદુકોણેની પણ સરસ મજાની ઘડિયાળ આલિયાની ભેંટ આપી હતી. હવે એ સૌ કોઈ જાણે છે કે દિપીકા પાદુકોણે રણીબીરની એક્સ ગર્લફ્રેન્ડ છે, પરંતુ તે  આલિયાની પાક્કી દોસ્ત રહી છે તે વિગત ખાસ પ્રકાશમાં આવી નથી. કરીના કપૂરે આલિયાને કપૂર પરિવારમાં પ્રવેશતી વખતે ડાયમન્ડ સેટ ગિફ્ટ આપ્યો છે. વરૂણ ધવનનું આલિયા સાથે સ્પેશિયલ બોન્ડિંગ રહ્યું છે તેણે પણ આલિયાને મોંઘેરા પગરખા ગિફ્ટ કર્યા હતા. અનુષ્કા શર્માએ તો જાણીતા ડિઝાઈન મનીષ મલહોત્રા પાસે સરસ મજાનો ડ્રેસ તૈયાર કરાવીને આલિયાને ગિફ્ટ કર્યો હતો. આ લિસ્ટ ઘણી લાંબી છે પણ મીડિયાના પ્રકાશમાં આટલી વિગતો આવી હતી.

હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સૌથી ચર્ચાસ્પદ બીજું યુગલ દિપીકા પાદુકોણે અને રણવીર સિંહ છે. આ બંનેએ પણ જે રીતે લગ્ન કર્યા તેની મીડિયામાં ચર્ચા ખૂબ વહેતી થઈ હતી. આ બંનેને ફરાહ ખાન તરફથી તેમના જ હાથના છાપ ગિફ્ટ મળી હતી. આ માટે દિપીકા અને રણવીર સિંહે ફરાહ ખાનનો દિલી આભાર માન્યો હતો. ફરાહ ખાને દિપીકા-રણવીરના હાથની છાપ જાણીતી આર્ટિસ્ટ ભાવના જાસરા પાસે તૈયાર કરાવી હતી. ભાવના જાસરાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અક્ષયકુમાર માટે આ પ્રકારના સ્મૃતિ ચિહ્ન બનાવવાનું કામ કર્યું છે અને તેથી એવું કહેવાય છે કે દિપીકા અને રણવીર સિંહની આ ગિફ્ટ અદ્વિતિય તો હતી પણ સાથે એટલી જ મોંઘી પણ હતી. સેલિબ્રિટીઝમાં વળતી ગિફ્ટ આપવાનો પણ રિવાજ છે એટલે દિપીકા અને રણવીરે આવનારા તમામ મહેમાનોને સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી અને સાથે સાથે આવવા બદલ એક થેન્ક્યૂ નોટ પણ તેમને આપી હતી.

સેલિબ્રિટીઝનો અરસપરસનો વ્યવહાર હંમેશા ચર્ચામાં રહે છે અને તેના ન્યૂઝ પણ અનેક દિવસ સુધી મીડિયામાં ફ્લેશ થતાં રહે છે. છેલ્લા થોડા સમયમાં આવાં એક ચર્ચાસ્પદ લગ્ન કેટરીના કેફ અને વિકી કૌશલના હતા. કેટરીના કેફ અને વિકી કૌશલને સલમાન ખાને ત્રણ કરોડની રેન્જ રોવર કાર ભેટમાં આપવાનું કહેવાય છે. અને એ રીતે રણબીર કપૂરે પણ કેટરીના કેફને અઢી કરોડનો નેકલેસ આપ્યો હતો.

એ રીતે શાહરૂખ ખાન દ્વારા આ કપલને મોંઘેરું પેઇન્ટીંગ મળ્યું હતું. કેટરીના કેફ અનેક મોટાં સ્ટાર સાથ કામ કર્યું અને તે બધા પાસેથી તેમને પ્રેમરૂપી ગિફ્ટ મળી છે. ઋતિક રોશને પણ વિકી કૌશલને ત્રણ લાખની મોંઘેરી બાઈક ગિફ્ટ કરી હતી. આ ઉપરાંત કેટરીના આવી જ મોંઘી ગિફ્ટ આપવામાં આલિયા ભટ્ટ અને તાપસી પન્નુનું પણ નામ લેવાય છે. આજના સમયમાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના હિરો અને હિરોઈન લગ્ન માટે લાંબી વાટ જોતાં નથી. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બે દાયકા પાછળ જઈએ ત્યારે ખાસ કરીને હિરોઈન મોડા કરતી અને તેમને લગ્ન પછીની કારકિર્દીની ચિંતા રહેતી.

પરંતુ હવે તે ટ્રેડિશન તૂટી છે અને હવે મોટા ભાગની હિરોઈન પચ્ચીસ ત્રીસની વચ્ચે પરણે છે અને બાળક માટે ઝાઝો સમય લેતી નથી. અનુષ્કા અને વિરાટ કોહલી આવું જ કપલ છે. તેઓના લગ્ન ટોક ઓફ ધ નેશન બની રહ્યા હતા. તેમના લગ્નના રીસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ વિશેષ હાજરી રહી હતી. વિરુષ્કા તરીકે જાણીતા આ કપલે મહેમાનોને ગીફ્ટ ન આપવા વિનંતી પહેલેથી જ કરી હતી. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીસેપ્શનમાં અનુષ્કા તથા વિરાટ કોહલી બન્નેને એક એક ગુલાબ ભેટમાં આપ્યા હતા.

જ્યારે રણીવર સિંહ તથા દિપીકા પાદુકોણે ફ્લાવરનું બકેટ મોકલાવ્યું હતું અને સાથે પોતાના હસ્તાક્ષરમાં કોન્ગ્રેચ્યુલેશન મેસેજ પણ લખીને આપ્યો હતો. લગ્ન બાદ અનુષ્કા તથા વિરાટ કોહલીએ તેમના લગ્નમાં આવનાર દરેક મહેમાનને રૂમીની કવિતાનું પુસ્તક થેન્કસ સ્વરૂપે ભેંટમાં આપ્યું હતું.  જો કે લગ્નમાં આ મોંઘી ગીફ્ટ ઉપરાંત પ્રેમ પૂર્વક અપાતા પુસ્તકો, ફૂલોના ગુલદસ્તા, પેઈન્ટીંગ, સ્વ હસ્તાક્ષરમાં લખાયેલા અબિનંદન સંદેશા આપવાનો ટ્રેન્ડ પણ છે. અમિતાભ બચ્ચનથી માંડીને શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપરા પણ આ રીતે પર્સનાલાઈઝ ગીફ્ટ જે-તે સેલિબ્રિટી કપલના લગ્નમાં આપી ચૂક્યાં છે. અરે પરસ્પરનો સ્નેહ અને સંબંધ દર્શાવવા માટે સેલિબ્રિટીઝ મન મૂકીને ડાન્સ કરતા, મહેમાનોને પોતાના હાથ જમવાનું પીરસતા પણ જોવા મળે છે. ઇશા અંબાણીના લગ્નમાં અમિતાભ બચ્ચનથી માંડીને શાહરૂખ અને આમિર ખાને પણ ઇશાના સાસરીપક્ષના મહેમાનોને પોતાના હાથે જમાડ્યા હતા.

Most Popular

To Top