Gujarat

મહાઠગ કિરણ પટેલ સામેની તપાસમાં એનઆઈએ પણ જોડાઇ

ગાંધીનગર : મહાઠગ કિરણ પટેલ ઉર્ફે બંસી પટેલ દ્વારા ઓછામાં ઓછી છ વખત કાશ્મીરની (Kashmir) મુલાકાત લેવામાં આવી હોવાના પગલે હવે આ સમગ્ર તપાસમાં ઔપચારિક રીતે એનઆઇએ(નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) જોડાઇ હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત આ સમગ્ર છેતરપિંડીની ઘટનામાં સેન્ટ્રલ આઇબી પણ તેની તપાસના ઇનપુટ્સ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીને આપી રહી છે.

મિસ્ટર નટવરલાલ એવા કિરણ પટેલે અમદાવાદના મણીનગરમાંથી એક ગ્રાફિક ડિઝાઇનર પાસે પીએમઓના એડિશનલ ડાયરેક્ટરનું નકલી આઇકાર્ડ બનાવડાવ્યું હતું અને વિઝિટીંગ કાર્ડ છપાવ્યા હતાં, ટોચના સૂત્રોના કહેવા પ્રમાણે કિરણ પટેલે છ વખત કાશ્મીરની મુલાકાત લઇને પીએમઓના નકલી હોદ્દાનો દુરપયોગ કર્યો છે. જે આખી સિક્યોરિટી સિસ્ટમમાં છીંડા રહી ગયા હોવાનું પુરવાર કરે છે.

કિરણ પટેલે પીએમઓના નકલી હોદ્દાનો ક્યા કારણોસર દુરપયોગ કર્યો છે તેની તપાસ સિક્યોરિટી એજન્સીઓ કરી રહી છે તેમાં કિરણ પટેલની સંડોવણી દેશદ્રોહી પ્રવૃત્તિમાં છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. તે શા માટે વારંવાર કેમ કાશ્મીરની મુલાકાત લેતો હતો તે પ્રશ્ન ઇન્વેસ્ટિગેટિવ એજન્સીને પણ સતાવી રહ્યો છે.

કિરણ પટેલનો ઉપયોગ કોઇ રાષ્ટ્ર વિરોધી તત્વો કાશ્મીરમાં જાસૂસીની પ્રવૃત્તિ માટે કરી રહ્યાં હતાં કે કેમ તે દિશામાં એનઆઇએ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને દિલ્હીમાં કિરણ પટેલને કોણ મળતું હતું તેના આર્થિક વ્યવહારો કોની સાથે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે.

કાશ્મીર સિવાય દેશના અન્ય ક્યા રાજ્યોમાં કિરણ પટેલે પીએમઓના નકલી અધિકારી તરીકે ખેલ પાડ્યો હતો તે બાબતની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વારંવાર ગુજરાતની મુલાકાત લેતા હોવાથી રાજ્યની એટીએસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ પણ તેના ગુજરાતના સંપર્કોની તપાસ કરી રહી છે.

સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કિરણ પટેલની સાથે શ્રીનગરની હોટલમાં અમિત હિતેશ પંડ્યા, જય સિતાપરા અને ત્રિલોકસિંહ પીએમઓના કર્મચારી તરીકે રોકાયા હતાં. અગાઉ તેમની પૂછપરછ કરીને જવા દેવામાં આવ્યા હતા. જો કે હવે તેમના કિરણ પટેલ સાથેના ગાઢ સબંધોની પણ તપાસ ચાલી રહી છે. જરૂર પડયે આ ત્રણેયની ફરીથી અટકાયત કરાશે.
ઉલ્લેખનીય છે કે કિરણ પટેલના મિત્ર અમિત પંડ્યાના પિતા હિતેશ પંડ્યા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાં અધિક પીઆરઓ તરીકે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવી રહ્યાં છે.

હવે જ્યારે કિરણ પટેલનો મામલો નેશનલ સિક્યોરિટી સાથે સંકળાયેલો છે ત્યારે હિતેશ પંડ્યાનો કોન્ટ્રાક્ટ રદ કરીને તેમને છૂટા કરવા કે કેમ એ બાબત સીએમઓની સક્રિય વિચારણા હેઠળ છે. જરૂર પડ્યે પીએમઓનો અભિપ્રાય મેળવીને આખરી નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદનો એક ગઠિયો કિરણ પટેલ પીએમ નરેન્દ્ર મોદી નામનો દુરૂઉપયોગ કરીને ગુજરાતમાંથી દિલ્હી પહોંચ્યો અને દિલ્હીથી તેણે ઠગાઇના ઓપરેશન શરુ કર્યા હતાં. એટલું જ નહીં, વારંવાર પીએમઓના નકલી અધિકારી તરીકે કાશ્મીરની મુલાકાતે જતો હતો. આ બાબત સ્વયં પૂરવાર કરે છે કે ગુજરાતમાંથી દિલ્હી જવા સુધીનો સેફ પેસેજ કિરણ પટેલને કેવી રીતે મળી શક્યો છે.

કિરણ પટેલે સિક્યોરિટી સિસ્ટમને બોદી પુરવાર કરી દીધી છે. કાશ્મીર પોલીસ કે સેન્ટ્રલ આઇબીએ પણ કિરણ પટેલની કાશ્મીરની મુલાકાત દરમિયાન પીએમઓમાં કોઇ કાઉન્ટર ચેક કર્યું નથી, કે હકીકતમાં આવો કોઇ એડિશનલ ડાયરેક્ટર પીએમઓમાં ફરજ બજાવે છે કે કેમ? આ તો કિરણ પટેલના વર્તન અને તેણે કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓને જે વોટ્સઅપ મેસેજ કર્યા છે તેની ભાષાના ઉપયોગના કારણે શંકા જતા પાછળથી પીએમઓમાં તપાસ કરવામાં આવી ત્યારે તે ઠગ હોવાની વિગતો બહાર આવી હતી.

Most Popular

To Top