SURAT

સુરતના બ્રિજ પર દોડતી કાર અચાનક સળગી ઉઠી, ઘટનાનો વીડિયો વાયરલ

સુરત: સુરતમાં (Surat) મંગળવારે મોડી રાત્રે દોડતી કારમાં એકાએક આગ (Car Fire On Bridge) લાગી હતી. ડભોલી બ્રિજ પરથી પસાર થતી આ કારના બોનેટમાંથી ધૂમાડો નીકળવા લાગતા જ કારમાં સવાર પાંચ યુવાનોએ સમયસૂચકતા દાખવી હતી અને તે તમામ કારમાંથી બહાર નીકળી દૂર જતા રહ્યાં હતાં. દરમિયાન નજીકથી પસાર થતી બીઆરટીએસ બસને રોકી તેના ફાયર સેફ્ટીના સાધનોથી આગ પર કાબુ લેવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ સફળતા મળી નહોતી. દરમિયાન જાણ થતાં જ ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો છંટકાવ કરીને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. બ્રિજ પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એક તરફનો ટ્રાફિક અટકાવી દેવાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે રાત્રિના સમયે સુરતના ડભોલી બ્રિજ ઉપરથી પસાર થતી અમદાવાદ પાસિંગની કારમાં એકાએક જ આગળના ભાગેથી ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો. ત્યારે કારમાં પાંચ યુવક બેઠાં હતાં. કાર ચલાવતા યુવકને બોનેટમાંથી ધૂમાડો નીકળતો હોવાનું દેખાયું હતું. તેણે તાત્કાલિક કાર સાઈડ પર રોકી હતી અને મિત્રો સાથે બહાર ઉતરી ગયો હતો. સમયસર કારને ઉભી રાખી દેતા મોટી દુર્ઘટના ટળી હતી.

વધુમાં મળતી માહિતી મુજબ કારમાં જે પાંચ યુવકો બેઠાં હતાં તેઓ સિંગણપુરમાં આવેલી રાજદીપ સોસાયટીના રહીશો હતો. યુવકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. કોલેજ બાદ આ યુવકો મિત્રના ઘરે ગયા હતા ત્યાંથી રાત્રિના સમયે તેઓ ડભોલી બ્રિજ થઈને સિંગણપુર ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન જ બોનેટમાં ધુમાડો નિકળવાનો શરૂ થઈ ગયો હતો. ધુમાડો જોતાની સાથે જ ચાલકે પોતાની કારમાં આગ લાગ્યો હોવાની શંકા જતા બ્રિજની સાઇડ ઉપર ગાડી ઉભી રાખી દીધી હતી. ગણતરીની મિનિટોમાં જ આગ ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ હતી.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

બોનેટમાં લાગેલી આગે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને ઓલવવાનો પ્રયાસ યુવકોએ કર્યો હતો. બ્રિજ પરથી પસાર થતી BRTS બસના ફાયર સેફ્ટીના સાધનો લઈ યુવકોએ કાર પર પાણીનો છંટકાવ કર્યો હતો પરંતુ આગ ઉપર કાબૂ મેળવી શકાયો ન હતો. આખરે ફાયર વિભાગને કોલ કરીને બોલાવવામાં આવ્યું હતું. ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. દરમિયાન કારમાં આગ ભભૂકી ઉઠતાં બ્રિજ પર અફરાતફરી મચી ગઈ હતી. રાત્રિના સમયે ડભોલી બ્રિજ પર ખૂબ ટ્રાફિક રહેતો હોય છે. મોટા પ્રમાણમાં લોકો સિંગણપુર ચાર રસ્તા તરફ ડભોલી બ્રિજનો ઉપયોગ કરીને જતા હોય છે. એકાએ કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.

Most Popular

To Top