World

કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલો કરશે ખાલિસ્તાની! ભારતીય સાંસદે કાર્યવાહીની માંગ કરી

કેનેડા: ખાલિસ્તાની (Khalistani) સમર્થકો અને હિંસાકીય પ્રવૃત્તિઓને લઈને ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. દરમિયાન ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ સોમવારે સરેમાં ખાલિસ્તાની સમર્થકોનો એક કથિત વીડિયો શેર કર્યો હતો, જેમાં દાવો કર્યો હતો કે તેઓ હિન્દુ લક્ષ્મી નારાયણ મંદિરમાં (Hindu Temple) હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે.

કેનેડાના સાંસદ આર્યાએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. તેમજ સત્તાધીશોને કાર્યવાહી કરવા અને કડક પગલાં લેવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક અહેવાલો અનુસાર ગયા અઠવાડિયે સરેમાં ગુરુદ્વારાની બહાર એક શીખ પરિવાર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. હવે એવું લાગે છે કે આ જ ખાલિસ્તાની જૂથ સરેના હિન્દુ લક્ષ્મી નારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે આ બધું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કરવામાં આવી રહ્યું છે. તેથી ફરી એકવાર હું કેનેડિયન સત્તાવાળાઓને આગળ વધવા અને પગલાં લેવાનું કહી રહ્યો છું.

આર્યએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદુ મંદિરો પર ઘણી વખત હુમલા થયા છે. હિંદુ-કેનેડિયનો વિરુદ્ધ દ્વેષપૂર્ણ ગુનાઓ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ વસ્તુઓને ખુલ્લેઆમ અને જાહેરમાં ચાલુ રાખવા દેવાની મંજૂરી આપવી સ્વીકાર્ય નથી. આ વર્ષે ઓગસ્ટમાં કેનેડામાં એક હિંદુ મંદિરમાં ઉગ્રવાદી તત્વો દ્વારા ખાલિસ્તાન જનમત સંગ્રહના પોસ્ટરો સાથે તોડફોડ કરવામાં આવી હતી. મંદિરના દરવાજા પરના પોસ્ટરમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા અને નિયુક્ત આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની તસવીર પણ હતી, જે આ વર્ષે જૂનમાં માર્યો ગયો હતો.

Most Popular

To Top