National

પેટાચૂંટણીઃ છ રાજ્યોમાં 7 વિધાનસભા બેઠકો માટે 3 નવેમ્બરે ચૂંટણીની જાહેરાત

નવી દિલ્હી: (New Delhi) ભારતના ચૂંટણી પંચે (Election Commission) સોમવારે 6 રાજ્યોની 7 વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો (Assembly Seats) માટે પેટાચૂંટણી (ByElections) 3 નવેમ્બરે યોજાશે. 6 નવેમ્બરે પરિણામ જાહેર (Result) થશે. ચૂંટણી પંચના નોટિફિકેશન મુજબ છ રાજ્યોની સાત સીટો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્રમાં અંધેરી પૂર્વ, બિહારમાં મોકામા અને ગોપાલગંજ વિધાનસભા બેઠકો છે. આ સાથે હરિયાણાના ઉદમપુર અને તેલંગાણાની મુનુગોડ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશના ગોલા ગોકરનાથ અને ઓડિશાની ધામનગર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

  • છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી 3 નવેમ્બરે
  • 6 નવેમ્બરે પરિણામ જાહેર થશે
  • પેટાચૂંટણીમાં EVM અને VVPAT નો ઉપયોગ કરવામાં આવશે
  • તારીખોની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ
  • કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે

14 ઓક્ટોબરે નોમિનેશન કરી શકાશે
ઇલેક્શન કમિશનના નોટિફિકેશન મુજબ આ વિધાનસભા પેટાચૂંટણીઓની સૂચનાની તારીખ 7 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. અહીં નોમિનેશનની તારીખ 14 ઓક્ટોબર છે. 17 ઓક્ટોબર નામાંકન પરત ખેંચવાની તારીખ છે. તમામ સાત વિધાનસભા બેઠકો માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 6 નવેમ્બરે મતગણતરી બાદ પેટાચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.

પેટાચૂંટણીમાં EVM અને VVPAT નો ઉપયોગ કરવામાં આવશે
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરી, 2022ના રોજ તૈયાર થયેલી મતદાર યાદીના આધારે પેટાચૂંટણી યોજાશે. આ સિવાય પેટાચૂંટણીમાં EVM અને VVPAT નો ઉપયોગ કરવામાં આવશે. પેટાચૂંટણીમાં મતદારો મતદાર ઓળખપત્ર ઉપરાંત 12 અન્ય વૈકલ્પિક ઓળખ કાર્ડનો ઉપયોગ કરી શકશે. જેમાં આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સહિતના અન્ય દસ્તાવેજો સામેલ છે.

તારીખોની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ
ચૂંટણી પંચની સૂચનાથી આ વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જે અંતર્ગત આ મતક્ષેત્રોમાં તમામ રાજકીય પક્ષો અને સરકારે કમિશન દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે
પેટાચૂંટણીમાં કોવિડ-19 અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આ અંગે તમામ ચૂંટણી અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

Most Popular

To Top