Columns

બૌધ્ધ ધર્મે સ્ત્રીઓને ઊંચો સામાજિક દરજ્જો આપ્યો હતો

દ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ગૌતમ બુદ્ધને ભારતનો પ્રથમ જ્ઞાની-જાગ્રત માનવી-enlightened Man of India તરીકે નવાજ્યા છે. ગૌતમ બુદ્ધ એટલે “જ્ઞાની પુરુષ’, ‘તથાગત’જેમણે સત્યને શોધ્યું છે. તેમજ “શાક્ય મુનિ’ એટલે શાક્યવંશ કે જાતિના હોવાને લીધે કહેવાયા. ગૌતમ બુદ્ધનું આશરે (ઈ.સ.પૂ. પ૬૭-૪૮૭) ૮૦ વર્ષનું આયુષ્ય નોંધાયું છે. તેઓ મહાવીરના સમકાલીન હતા. શુદ્ધોદન પિતાનું નામ હતું. તે કપિલવસ્તુ-લુંબિનીના રાજા હતા. ગૌતમની માતા મહામાયા હતી.

ગૌતમ બાળક હતા ત્યારે માતા મૃત્યુ પામે છે. તેમની માસી મહાપ્રજાપતિ ગૌતમી સાથે શુદ્ધોદન બીજું લગ્ન કરે છે. તે ગૌતમની ઓરમાન મા બને છે અને તેને ઉછેરે છે. ગૌતમનું ‘રાજકુમાર’ તરીકે જતન-લાલનપાલન થયું હતું. અને તે સાધુ કેવી રીતે બને છે તે બધી હકીકતો ખૂબ જાણીતી છે. યશોધરા નામની રાજકુમારી સાથે તેમનું લગ્ન પણ કરાય છે અને તેમને રાહુલ નામનો પુત્ર અવતરે છે. છતા તે સંસારનો ત્યાગ કરે છે. બૌદ્ધ ધર્મ એ બ્રાહ્મણ ધર્મની પ્રાણીઓની હિંસા, યજ્ઞયાગાદિ ક્રિયાકાંડ સામેનો ઊહાપોહ હતો, બળવો હતો.

બૌદ્ધકાળની સમાંતર વેદપશ્ચાત્ કાળનો અંતકાળ હતો ધર્મસૂત્ર-સ્કૃતિકાળ. પુરાણનો સમય શરૂ થયો હતો, અને બ્રાહ્મણ ધર્મમાં સ્ત્રીઓની અધોગતિ શરૂ થઈ ગઈ હતી. કેળવણીના કારો બંધ થતા જતા હતા. સ્ત્રીઓ અને શૂદ્રોનું સમાન સામાજિક સ્થાન હતું. તે સમયે બુદ્ધ સ્ત્રીઓ અંગે નીચેના મંતવ્યો – સિદ્ધાંતો રજૂ કર્યા અને બૌદ્ધ ધર્મમાં સ્ત્રીઓને ઊંચો સામાજિક મોભો આપ્યો.
૧. પૂર્વજન્મના ફળ દરેકે ભોગવવા પડે છે પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય. માતા-પિતા, શિક્ષક કે ધાર્મિક ગુરુ મુક્તિ અપાવી શકતા નથી. આ વિધાનથી માબાપ જે માનતા હતા કે તેઓના મૃત્યુ બાદ પુત્ર પિંડદાન કરે તો તેમને સ્વર્ગ મળે અને શ્રાદ્ધની ક્રિયાકાંડ કરવા પુત્ર હોવો જરૂરી છે. આમ પુત્રનો જન્મ હોવો જ જોઈએ એ માન્યતા ઉપર બુદ્ધે મૂળમાંથી ઘા કર્યો. આથી પુત્રીજન્મના અવસરની અવગણના થતી તે બાબત અંગે બુદ્ધે પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું. આડકતરી રીતે પુત્રીના સ્થાનને ગૌરવશીલ બનાવ્યું.

૨. બુદ્ધે બ્રાહ્મણ ધર્મમાં ક્રિયાકાંડ કરવામાં સ્ત્રીઓને જે ગૌણ સ્થાન આપ્યું અને વિધવા ધાર્મિક વિધિ ના કરી શકે તે બાબતનો સખત વિરોધ કર્યો. બ્રાહ્મણ ધર્મમાં સ્ત્રી વેદનો અભ્યાસ કરતી નથી માટે સ્ત્રીઓ તેમજ વિધવા કેટલીક ધાર્મિક વિધિઓ માટે ગેરલાયક ઠરી. આ જ સ્મૃતિ લેખકોએ છોકરીઓ માટે ઉપનય સંસ્કાર બંધ કર્યા. વેદોના અભ્યાસથી વંચિત કરી અને હવે ધાર્મિક ક્રિયાઓમાંથી પણ તેને જાકારો આપ્યો. બુદ્ધે પરિણીત સ્ત્રી તેમજ વિધવાને ધાર્મિક ભૂમિકા ભજવવાનો પુરુષ જેટલો જ અધિકાર છે તે બાબત પર ભાર મૂક્યો.

૩. સ્ત્રી તેમજ પુરુષ બંને દૈવિક કક્ષા અહંત પ્રાપ્ત કરી શકે છે. નૈતિક જીવનના નિયમો બંનેને લાગુ પડી શકે છે. સાધ્વી સ્ત્રીઓ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. બૌદ્ધ સંઘમાં કુમારી, લગ્ન કરેલી તેમજ વિધવા સ્ત્રીઓ દાખલ થઈ શકતી હતી. સામાન્ય સાંસારિક નારી જે શ્રમણ નારી કહેવાતી અને ભિખ્ખુણીઓ વચ્ચે કોઈ ભેદ ના હતો. સંઘમાં આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવી, નૈતિક મૂલ્યો. સાધુત્વના નિયમોનું કડક પાલન કરી અર્હત કક્ષા – દૈવી કક્ષા પ્રાપ્ત કરવી. તે મહત્ત્વનું છે તેમ બુદ્ધ માનતા. કપિલવસ્તુ પાસે આવેલા લિચ્છવી પ્રજાસત્તાક રાજ્યની વૈશાલી નગરીની વિખ્યાત નૃત્યાંગના આમ્રપાલીએ બુદ્ધને ભોજન લેવા આમંત્ર્યા. લિચ્છવીઓના વિરોધ છતા બુદ્ધ એક રાજાના આમંત્રણને ઠુકરાવી આમ્રપાલીના મહેલમાં ગયા. આમ્રપાલીએ બુદ્ધને આમ્રવાડી ભેટમાં આપી, તે તેમણે સ્વીકારી. પાછળથી આમ્રપાલીએ બૌદ્ધસંઘમાં દાખલ થવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે કોઈ પણ જાતના કચવાટ વગર બુદ્ધે તેને દાખલ કરી હતી.

5.બૌદ્ધ ભિક્ષુકો, સાધ્વીઓ, તેમજ સામાન્યજનોને અપાતા જ્ઞાનમાં કોઈ ભેદભાવ ના હતો. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો, ફિલસૂફી અને ધ્યાનની ક્રિયાઓ બૌદ્ધ સાધુઓ તેમજ સાધ્વીઓને પણ શિખવાતા.બુદ્ધ તે સમયના પ્રચલિત સમાજનું અંગ જ હતા. સ્ત્રી વિશેના પ્રવર્તમાન ખ્યાલોની અસર શરૂઆતમાં બુદ્ધ ઉપર પણ જોવા મળે છે. સ્ત્રી ચંચળ મનની છે. અબળા છે, ચલિત થતા વાર ના લાગે એવા કંઈક ખ્યાલો બુદ્ધને પણ હતા. પરિણામે સંઘની પવિત્રતા જોખમાશે એ ખ્યાલથી બુદ્ધ સ્ત્રીઓને સંઘમાં દાખલ કરી ન હતી. સમાજ દ્વારા, સંજોગો દ્વારા, અને તેમના પટ્ટશિષ્યો દ્વારા, સ્ત્રીઓને પણ દાખલ કરવી એવું દબાણ આવ્યું. ગૌતમે બોધિસત્વ વૃક્ષ હેઠળ તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું.

ઈશ્વરના અસ્તિત્વને નકારી નિર્વાણ માટે તપ, જ્ઞાન, અહિંસા, શાંતિનો માર્ગ શોધ્યો. સત્યની અહંત જ્ઞાનની પ્રાપ્તિ બાદ સૌપ્રથમ ઉપદેશ માટે કપિલવસ્તુ ગયા ત્યારે તેમની અપરમાં મહાપ્રજાપતિ ગૌતમી તેની પુત્રી નંદા, શુદ્ધોદન બુદ્ધના વાર્તાલાપોથી ખૂબ પ્રભાવિત થયાં. ગૌતમ બુદ્ધને લાગ્યું કે યશોધરા અને જેને પૃથ્વી ઉપર લાવવા માટે પોતે જવાબદાર છે તે પુત્ર રાહુલનો પણ ઉદ્ધાર કરવો જોઈએ. આ ગડમથલ ચાલતી હતી. તેવામાં શુદ્ધોદનના મૃત્યુ બાદ બે કોમ શાક્ય અને કોલિથાન વચ્ચે રોહિણી નદીના પાણી અંગે યુદ્ધ ખેલાયું.

બંને પક્ષે બેસુમાર ખુવારી થઇ, અનેક સૈનિકોના મૃત્યુથી ઘણી સ્ત્રીઓ વિધવા થઈ, પીળા વસ્ત્ર ધારણ કરી મહાપ્રજાપતિ ગૌતમીના નેતૃત્વ હેઠળ બધી સ્ત્રીઓ જયાં બુદ્ધનો પડાવ વૈશાલી ખાતે હતો ત્યાં ગઈ. બુદ્ધે શરૂઆતમાં તેમને સંઘમાં દાખલ કરવાની ના પાડી પણ પટ્ટશિષ્ય આનંદના કહેવાથી તેઓએ સ્ત્રીઓના અલગ સંઘની રચના કરી. મહાપ્રજાપતિ ગૌતમી દાખલ થઈ. તે સાધ્વીઓમાં ‘રતન્નુનમ’ રતનમાં પણ રત્ન કહેવાઈ છે, તે ૧૨૦ વર્ષ જીવી અને આધ્યાત્મિકતાના કડક નિયમોનું પાલન કરી અર્હતની ભૂમિકા પ્રાપ્ત કરી હતી. મહાપ્રજાપતિએ બુદ્ધને માટે ઉત્તમ પ્રકારના કાપડમાંથી ઝભ્ભો તૈયાર કર્યો હતો પણ બુદ્ધે સ્વીકાર્યો નહિ. માંદી સાધ્વીઓ સમક્ષ બૌદ્ધ સાધુએ જવું નહિ તેવો નિયમ હતો પણ જ્યારે મહાપ્રજાપતિ ગૌતમી માંદી પડી ત્યારે તેના મૃત્યુ સમયે તેનું ચિત્ત શાંત કરવા બુદ્ધ ઉપદેશ આપવા જતા. મહાપ્રજાપતિને ખાતરી થઈ ગઈ હતી કે તેને અર્હત – દૈવી સુખ પ્રાપ્ત કર્યું છે. તેને માટે નિર્વાણ અવશ્ય છે. બુદ્ધ ભિખ્ખુણીઓનો સંઘ ઊભો કર્યો પરંતુ પુરુષ સાધુની સરખામણીમાં સાધ્વીનો દરજજો સરખો, સમાન ન હતો. સાધ્વીઓ ઉપર કડક નિયમો લદાયા હતા.

૧. સાધ્વીશ્રી ગમે તેટલી ઉંમરલાયક હોય અને બૌદ્ધ સાધુ ગમે તેટલો જુવાન હોય તો પણ સાધ્વીએ તેને નમન કરવું પડતું. મહાપ્રજાપતિ ગૌતમી બુદ્ધની પાલકમાતા હતી. રાજમાતા હતી તો પણ તેને કોઈ પણ સાધુને નમન કરવાનું રહેતું. વરસાદની ઋતુમાં વર્ષાવાસ સાધ્વીને કરવા દેવામાં નહોતો આવતો. સાધ્વીથી કંઈક ગુનો થાય તો બૌદ્ધ સાધુ સમક્ષ કબૂલ કરવાનો રહેતો. દર પંદર દિવસે બોલાવાતી સભા ઉપાસ્યા કહેવામાં આવતી તેમજ ધર્મને લગતું પ્રવચન ઓવડા હોય તો તે અંગેની માહિતી સાધ્વીઓએ સાધુ પાસેથી લેવાની રહેતી.

૪. બૌદ્ધ ધર્મના કાયદા, કાનુન, પાલન અંગેની દોરવણી સાધુઓ પાસેથી સાધ્વીઓને લેવાની રહેતી.
૫. ભિખુણીઓએ કદી સાધુની ટીકાટિપ્પણી કરવાની ન હતી. ભિખ્ખુણીઓને સાધુ ઠપકો આપી શકે પણ ભિખ્ખુણીઓ બૌદ્ધ સાધુને તેમ કરી શકતી નહીં. બૌદ્ધ ધર્મની ઉચ્ચ કોટિની સાધ્વી સ્ત્રીઓ અંગેની માહિતી શેરી-ગાથામાંથી મળે છે. તેમાં ૫૨૨ શ્લોકો છે, જેમાં આ સાધ્વીઓએ કેવી રીતે નિર્વાણ પ્રાપ્તિના માર્ગે પ્રયાણ કર્યું, તેના સુખદ આહલાદક અનુભવો વર્ણવેલા છે. બીજું પુસ્તક પરમથા-દિયાની છે. જેમાં પુખ્ત સાધ્વીઓના જીવનચરિત્રો ઉપર પ્રકાશ પાડવો છે. આ ઉપરાંત મનોરથા-પુરાની નામના ગ્રંથમાં થેરી (સાધ્વી), શ્રમન નારીઓ (સામાન્ય સ્ત્રીઓ), ઉપાસિકાઓ (ભક્તિ સ્ત્રીઓ)ની નામાવલીની લાંબી નોંધ છે. આ બધા જ ગ્રંથો પાલી ભાષામાં લખાયેલા છે. આ પુસ્તકોમાં રાજ-રજવાડા અને વેપાર રોજગાર ખેડનારા ધનાઢ્ય શ્રાવકોની પત્ની અને પુત્રીઓ કેવી રીતે બૌદ્ધધર્મનો સ્વીકાર કરવા પ્રેરાય છે તેની કથાઓ છે.

ક્ષેમા: એ રાજગૃહના રાજ નીતિસારની પટરાણી હતી. મોજશોખ, કપડા, આભૂષણો અને શણગારની શોખીન હતી. રાજગૃહની પાસે આવેલા વેલુવન બગીચામાં બુદ્ધનો પડાવ હતો. ત્યાં રોજ બુદ્ધ ઉપદેશ આપતા. નીતિસાર ત્યાં જતો, સાંભળતો અને ઉપદેશથી આકર્ષાયો. ક્ષેમાને પણ નીતિસારે બુદ્ધનો ઉપદેશ સાંભળવા આગ્રહ કર્યો. કહેવાય છે કે બુદ્ધ હવેલીમાં અતિશય સુંદર સ્ત્રી, વૃદ્ધ સ્ત્રી અને મૃત્યુ પામતી જમીન પર પટકાતી સ્ત્રી બતાવી કહ્યું, ‘’જેઓ જીવનમાં મોહમાં રચ્યાપચ્યા રહે છે, તેઓ જન્મમરણના ફેરામાંથી કદી મુક્ત થતા નથી. કરોળિયાની માફક જાળમાં ફસાયેલા છે.’’આવા ઉપદેશોથી પ્રભાવિત થઈ ક્ષેમા સંઘમાં જોડાઈ. ઘણી વિદુષી સ્ત્રીઓમાં તેની ગણના થાય છે.

પતાચાર : શ્રાવસ્તિના વણિકની પુત્રી, પિતાથી છાના પ્રેમલગ્ન કરે છે. જીવનની અનેક લીલીસૂકીમાંથી પસાર થઈ બુદ્ધ પાસે આવે છે. ત્યારે બુદ્ધ કહે છે કે ‘’તે જે જીવનમાં અનેક દુઃખ સહન કર્યા તે તારા પૂર્વજન્મના કર્મના ફળરૂપે હતાં.”પાછળથી આ સ્ત્રી સાધ્વી થાય છે, અને છેવટે તે દૈવી સુખની અનુભૂતિ કરે છે. આમ્રપાલી: વૈશાલીના શાક્ય ઉમરાવ મહાનામાને આંબાની વાડીમાંથી પુત્રી મળી આવે છે, તેનું નામ તેણે આમ્રપાલી પાડ્યું. આમ્રપાલી ખૂબ સુંદર હતી. યુવાવયે પાલક માતાએ તેનું લગ્ન કરવા પ્રયત્ન કર્યો, પણ લિચ્છવીઓની સભાએ તેને ગણ-ભોગ્ય ગણી.

તે વેશ્યા, નૃત્યાંગના બની પણ તે પણ બુદ્ધના ઉપદેશથી પ્રેરાઈ, બૌદ્ધ સંઘમાં જોડાઈ. આવી જ રીતે શુભદા કુડલેક્ષા નામની છોકરી જે રાજગૃહના શાહુકારની પુત્રી હતી. તેણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને અંગ, મગધ, કાશી, કૌશલ બધે પ્રવાસ ખેડી બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. સામવતી : કૌશાંબીના શ્રેષ્ઠી ગોકાશાની પુત્રી, તેની દાસી ખુજુતારા, મગધ દેશની વિશાખા વગેરેની અનેક સુંદર વાર્તાઓ કહેવાઈ છે. દુઃખો વેઠી તેઓ સાધુજીવન પસંદ કરે છે. ધર્મપ્રચારક બને છે, લેખિકાઓ બને છે અને કેવું સુખ પ્રાપ્ત કરે છે એ બધી વાર્તાઓનો સાર છે. આ દ્વારા બૌદ્ધ ધર્મનો પ્રચાર કરતું સાહિત્ય સજાર્યું.

Most Popular

To Top