Columns

બોરિસ જોન્સનના રાજીનામા પછી ભારતીય મૂળના રિષી સુનાક બ્રિટનના વડા પ્રધાન બનશે?

ભારત પર લગભગ ૨૦૦ વર્ષ રાજ કરનારા બ્રિટન પર ભારતીય મૂળના રાજકારણી રિષી સુનાક રાજ કરે તેવા સંયોગો પેદા થયા છે. બ્રિટનના ટોરી પક્ષના વડા પ્રધાન બોરિસ જોન્સનનાં સંખ્યાબંધ કૌભાંડો બહાર આવ્યાં તે પછી તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેમને તેવી ફરજ પાડનારા તેમના જ પ્રધાનમંડળના બે સાથીદારો હતા, જેમાંના એક ભારતીય છે તો બીજા પાકિસ્તાની છે. મૂળ પંજાબના રિષી સુનાક બોરિસ જોન્સનના અત્યંત વિશ્વાસુ મનાતા હતા. બોરિસ જોન્સને તેમને ૨૦૨૦ માં નાણાં પ્રધાન બનાવ્યા હતા. કોરોનાને કારણે બિસ્માર થઈ ગયેલા બ્રિટનના અર્થતંત્રને સંભાળવામાં રિષી સુનાકે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાની મૂળના સાજિદ જાવિદ બ્રિટનના આરોગ્ય પ્રધાન છે. તેઓ પણ બોરિસ જોન્સનના સમર્થક ગણાતા હતા. રિષી સુનાકે અને સાજિદ જાવિદે મળીને બોરિસ જોન્સનના ગેરવહીવટ સામે બળવો કર્યો હતો, જેને પગલે તેમણે સંસદસભ્યોનો વિશ્વાસ ગુમાવ્યો હતો. તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. હવે બ્રિટનના ઇતિહાસમાં પહેલી વખત એક ભારતીય વડા પ્રધાનના હોદ્દા પર આવી શકે છે.

ભારતની લોકશાહીમાં અને બ્રિટનની લોકશાહીમાં પાયાનો તફાવત છે કે બ્રિટનના શાસક પક્ષમાં સંપૂર્ણપણે આંતરિક લોકશાહી પ્રવર્તે છે. અહીં શાસક પક્ષના નેતાની પસંદગી માટે ભારતની જેમ સર્વસંમતિનું નાટક નથી કરવામાં આવતું પણ શાસક પક્ષના સંસદસભ્યોને ગુપ્ત મતદાન દ્વારા તેમનો નેતા ચૂંટવાની તક આપવામાં આવે છે, જે બ્રિટનના વડા પ્રધાન બને છે. ૨૦૧૯ માં ટોરી પક્ષને બહુમતી મળી તે પછી બોરિસ જોન્સનની પસંદગી પણ ગુપ્ત મતદાનથી કરવામાં આવી હતી. બોરિસ જોન્સન ત્યારે બ્રેક્સિટના વિરોધને કારણે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ કોરોના દરમિયાન લોકડાઉન હોવા છતાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરવા નીકળ્યા તેનો વિવાદ થયો હતો. તેમના સાથીદાર સેક્સ સ્કેન્ડલમાં ફસાઈ ગયા તેને પગલે તેમણે રાજીનામું આપવાની ફરજ પડી હતી.

૪૨ વર્ષના રિષી સુનાક મૂળ પંજાબના વતની છે. તેમના દાદા કમાણી કરવા માટે પંજાબ છોડીને પૂર્વ આફ્રિકા રહેવા ગયા હતા. ત્યાં વાતાવરણ બગડતાં તેમના દાદા બ્રિટનમાં વસ્યા હતા. રિષી સુનાકના પિતા જનરલ ફિઝીશ્યન હતા, તો તેમની માતા ફાર્મસિસ્ટ હતી. રિષી સુનાક ઓક્સફર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા હતા. ભણતાં ભણતાં તેઓ નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતાના પ્રેમમાં પડ્યા હતા. ૨૦૦૯ માં તેમનાં લગ્ન થયાં હતાં. તેમને બે પુત્રીઓ છે.

બ્રિટનમાં ૨૦૧૫ ની ચૂંટણીમાં રિષી સુનાકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ટોરી પક્ષની ટિકિટ પર રિચમન્ડથી ચૂંટણી લડ્યા હતા અને સંસદસભ્ય બન્યા હતા. તેઓ ટોરી પક્ષના નેતા બોરિસ જોન્સનના વિશ્વાસુ હતા અને તેમની નજીક હતા. બોરિસ જોન્સને જ્યારે બ્રેક્સિટની ઝુંબેશ ચાલુ કરી ત્યારે રિષી સુનાક તેમના ટેકામાં મજબૂત બનીને ઊભા રહ્યા હતા. ૨૦૨૦ ના ફેબ્રુઆરીમાં બોરિસ જોન્સને તેમને ચાન્સેલર ઓફ એક્સચેકર (નાણાં પ્રધાન) બનાવ્યા ત્યારે બહુ ઓછાં લોકો તેમને ઓળખતાં હતાં.

તેમણે બ્રિટનના અર્થતંત્રને ઉગારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે વડા પ્રધાન બોરિસ જોન્સને લોકડાઉનનો આદેશ કર્યો ત્યારે તેમણે નોકરી ગુમાવનારા બ્રિટીશરો માટે તેમની ૮૦ ટકા આવક ચાલુ રહે તેવું પેકેજ બહાર પાડ્યું હતું. આ યોજનાને કારણે તેમની લોકપ્રિયતા વધી ગઈ હતી. વડા પ્રધાન કરતાં પણ તેઓ વધુ લોકપ્રિય બની ગયા હતા.

રિષી સુનાક વડા પ્રધાન બોરિસ જોન્સનના વિશ્વાસુ ગણાતા હતા, પણ તેમના વ્યક્તિત્વમાં અને બોરિસ જોન્સનના વ્યક્તિત્વમાં જમીન-આસમાનનો તફાવત છે. બોરિસ જોન્સન ઉતાવળિયા, ઉડઝૂડિયા અને તરંગી જણાતા હતા; જ્યારે રિષી સુનાકની છાપ ઠરેલ, ગંભીર, શિસ્તબદ્ધ અને વિચારશીલ નેતા તરીકેની છે. બોરિસ જોન્સનના વાળ હમેશાં ઊડતા હોય છે, જ્યારે રિષી સુનાકની હેરસ્ટાઇલ સુઘડ હોય છે. તેઓ હમેશાં ડિઝાઇનર વસ્ત્રોમાં જોવા મળે છે. તેમનો તો પાળેલો કૂતરો પણ ફોટોજેનિક છે. તેમની કામ કરવાની પદ્ધતિ પણ તાર્કિક અને વ્યવસ્થિત હોય છે.

બ્રિટનનાં રાજકીય વર્તુળોમાં રિષી સુનાક લાંબા સમયથી બોરિસ જોન્સનના અનુગામી તરીકે ઓળખાતા હતા, પણ તેમની પત્નીના નાણાંકીય વહેવારોને કારણે તેઓ વિવાદમાં સપડાયા હતા. તેમની પત્ની અક્ષતા ઇન્ફોસિસની શેર હોલ્ડર છે, પણ તે ભારતીય નાગરિક હોવાથી તેની આવક પર બ્રિટનમાં ઇન્કમ ટેક્સ ભરતી નહોતી, તેનો વિવાદ થયો હતો. અક્ષતા ભારતની નાગરિક છે, પણ તે ડોમિસાઇલ સર્ટિફિકેટ સાથે બ્રિટનમાં રહે છે, તેને કારણે તેણે ઇન્કમ ટેક્સ ભરવો પડતો નથી.

અક્ષતા સુનાકે બ્રિટનના કોઈ કાયદાનો ભંગ કર્યો નહોતો કે કરચોરી પણ કરી નહોતી, પણ રિષી સુનાકના રાજકીય વિરોધીઓ દ્વારા તેના ટેક્સનો મુદ્દો ચગાવવામાં આવ્યો હતો. બીજો મુદ્દો એ હતો કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બ્રિટને રશિયા સાથેનો વેપાર બંધ કર્યો હતો, પણ અક્ષતાની કંપની ઇન્ફોસિસ રશિયા સાથે વેપાર કરતી હતી, તેની પણ બ્રિટનમાં ટીકા થઈ રહી હતી. કેટલાંક લોકો કહે છે કે તેમાં બોરિસ જોન્સનનો પણ હાથ હતો, કારણ કે રિષી સુનાકની વધી રહેલી લોકપ્રિયતાથી તેઓ અસલામતી અનુભવતા હતા.

ત્યારે વિવાદને શાંત પાડવા અક્ષતા સુનાકે બ્રિટનમાં પણ ટેક્સ ભરી દેવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર પછી રિષી સુનાકની લોકપ્રિયતા પાછી વધી ગઈ હતી, પણ તેમને બોરિસ જોન્સનની ચાલ સમજાઈ ગઈ હતી. જ્યારે સંખ્યાબંધ કૌભાંડોને કારણે બોરિસ જોન્સનની લોકપ્રિયતા તળિયે પહોંચી ગઈ ત્યારે રિષી સુનાકે રાજીનામું આપીને તેમની પર પરોક્ષ રીતે હુમલો કર્યો હતો. ૧૯૮૦ ના દાયકામાં બોફોર્સ કૌભાંડ બહાર આવ્યું તે પછી તત્કાલીન નાણાં પ્રધાન વી.પી. સિંહે નૈતિક ભૂમિકા પર રાજીવ ગાંધી સરકારમાંથી રાજીનામું આપી દીધું તેમ રિષી સુનાકે પણ નૈતિક ભૂમિકા પર બોરિસ જોન્સનના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું છે.

જે રીતે રાજીવ ગાંધીની સરકારના પતન પછી વી.પી. સિંહ વડા પ્રધાન બન્યા હતા તેવી રીતે રિષી સુનાક પણ રાજીનામું આપીને બ્રિટનની પ્રજાના હીરો બની ગયા છે, માટે વડા પ્રધાનની રેસમાં તેઓ મોખરે છે. બોરિસ જોન્સનના રાજીનામા પછી બ્રિટનના વડા પ્રધાન બનવાની રેસમાં બીજા ચાર નેતાઓનાં નામો પણ બોલાઈ રહ્યાં છે. તેમાં રિષી સુનાક પછીનો નંબર હાલના વાણિજ્ય પ્રધાન પેન્ની મોર્ડન્ટનો આવે છે, જેમણે પણ બ્રેક્સિટની લડતમાં બોરિસ જોન્સનને સાથ આપ્યો હતો. તેઓ બ્રિટનના સંરક્ષણ મંત્રી હતાં, પણ બોરિસ જોન્સને તેમને ૨૦૧૯ માં રાજીનામું આપવાની ફરજ પાડી હતી.

જો કે તેમની લોકપ્રિયતા જોતાં તેમને પાછા પ્રધાનમંડળમાં લેવાની ફરજ પડી હતી. પાકિસ્તાની મૂળના આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદ અને બ્રિટીશ મૂળના સંરક્ષણ પ્રધાન બેન વોલેસ પણ બોરિસ જોન્સનના અનુગામી બનવાની હોડમાં છે. બ્રિટનનાં પ્રથમ મહિલા વિદેશ પ્રધાન લિઝ ટ્રુસ પણ વડા પ્રધાન બનવાની રેસમાં છે. તેઓ બ્રિટનનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન માર્ગારેટ થેચરનાં પ્રશંસક છે. તાજેતરમાં રશિયા-યુક્રેનના યુદ્ધ દરમિયાન તેમની લોકપ્રિયતા બહુ વધી ગઈ હતી. જે કોઈ નેતા બ્રિટનના વડા પ્રધાન બનશે, તેમને જબરદસ્ત સમસ્યાઓનો સામનો કરવો પડશે. મુખ્ય પડકાર બેહાલ અર્થતંત્રની ગાડી પાટા પર ચડાવીને બ્રિટનને ફરી મજબૂત બનાવવાનો છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top