Dakshin Gujarat

ધોધમાર વરસાદમાં વઘઇનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો

સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ (Dang) જિલ્લામાં કુદરતે છુટા હાથે સૌંદર્ય વેર્યું છે. ડાંગમાં પ્રકૃતિનાં પગલે બારેમાસ પ્રવાસીઓની ભીડ પણ જોવા મળે છે. તેવામાં વઘઇ (Waghai) પંથકમાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ (Rain) તૂટી પડતા અંબિકા નદી સહિત નાળાઓ અને કોતરડાઓ ચાલુ સિઝનમાં પ્રથમ વખત બન્ને કાંઠે વહેતા જોવા મળ્યા હતા. અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધતા દક્ષિણ ગુજરાતનો પ્રખ્યાત અને નાયગ્રા ફોલ (Niagara Falls) તરીકે જાણીતો વઘઇનો ગીરાધોધ (GiraDhodha) ડહોળા નિરની સાથે સક્રીય બન્યો હતો.

ચોતરફ પ્રકૃતિની વચો વચ આવેલ વઘઇનો ગીરાધોધ પાણીનાં ધોધ સાથે સક્રીય બની નીચે ખાબકતા અહીના સમગ્ર દ્રશ્ય નયનરમ્ય અને આહલાદક બની ગયા હતા. ચાલુ સીઝનમાં પ્રથમ વખત ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠતા અહીની સમગ્ર પ્રકૃતિ હિલોળે ચડી હતી. આજે ધોધમાર વરસાદની પધરામણીમાં વઘઇનો ગીરાધોધ સક્રિય બનતા કુદરતી સૌંદર્યનો બેનમૂન નજારો પ્રતિત થયો હતો. હવેથી ચોમાસાની ઋતુ દરમ્યાન પ્રવાસીઓ વઘઇનાં ગીરાધોધનો અપ્રિતમ નજારો માણી શકશે.

કપરાડા 14, ધરમપુર 10, વાંસદા 7.5, વાપી 6, ચીખલી 6.5, વઘઇ 5.24, પારડીમાં 5 ઈંચ ધોધમાર વરસાદ
સુરત, વાપી : સમગ્ર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસી રહ્યા છે. વલસાડ જિલ્લામાં ગુરૂવારની સાંજથી શુક્રવારે સાંજના 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં 14 ઈંચ, ધરમપુરમાં 10 ઈંચ, વાપીમાં 6 અને પારડીમાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને પગલે વલસાડ, વાપી, કપરાડા અને ધરમપુરમાં કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં જનજીવન ખોરવાયું હતું. ઉપરાંત નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ રહેતા ઓરેંજ એલર્ટ અપાયું હતું, જિલ્લાના વાંસદામાં 7.5, ચીખલીમાં 6.5, નવસારી – ખેરગામમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. સાથે ડાંગ જિલ્લાનાં પણ આહવામાં 4 ઈંચ, સુબિરમાં 3 ઈંચ, સાપુતારામાં 4.64 ઈંચ, જ્યારે વઘઇમાં 5.24 ઈંચ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ બન્ને કાંઠે વહી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી હોય તેમ મન મૂકીને વરસી રહ્યો છે. વલસાડ તાલુકાના ઓઝર ગામે વણઝાર નદીનો કોઝવે ઉપર વાસમાં પડેલા ભારે વરસાદના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થતા 15 ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે. અનરાધાર વરસાદના પગલે કપરાડાના કોઝવે પાણીમાં ડૂબી જતાં જન જીવનને અસર પહોંચી છે. કોલક નદી ઉપર ખડકવાળ અને બૂર્લાને જોડતો કૉઝવે ભારે વરસાદને લઈ પાણીમાં ડૂબ્યો હતો. ભારે વરસાદને લઈ કેટલાક ગામોમા વીજળી પણ ગાયબ થઈ છે, તો એસ.ટી વ્યવહારને પણ અસર પહોચી છે. કપરાડા નાશિક માર્ગ પર પોલીસ મથક સામે પ્રથમ વખત પાણી ભરાતા સળગ વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી હતી. પારડી પંથકમાં ભારે વરસાદથી બાલમંદિરની પાછળ ત્રણથી ચાર ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ઉપરાંત પારનદીનો નાનો પુલ ડૂબી જવાની શક્યતા દેખાઈ રહી છે.

Most Popular

To Top