Charchapatra

પોસ્ટ ઓફિસમાં સંપૂર્ણ આધુનિકીકરણ લાવો

શહેરની નાની કે મોટી પો.ઓ.માં જાવ તો તેનો સ્ટાફ કે પો.ઓ.ની બારી પર એજન્ટો તેના દ્વારા થયેલ કે થનાર પોસ્ટના ગ્રાહકોના ફોર્મ-પાસબુકનો થપ્પો લઇ બારી પર ઊભા રહે છે અને ફોર્મ ભરવામાં ગરબડ કે પાસબુકની માથાઝીકમાં દરેક એજન્ટ 30મીથી વધુનો સમય લે છે. એકલદોકલ ગ્રાહક પૈસા જમા કરાવવા આવ્યો હોય કે ઉપાડવા આવ્યો હોય તેના કલાકો વેડફાય છે.પો.ઓ.ના બહુધા ગ્રાહકો સિનીયર સિટીઝનો જોવા મળે છે. તેમના માટે આ પરિસ્થિતિ અસહનીય છે.

આ પરિસ્થિતિ અને ગ્રાહકોની મુશ્કેલી ટાળવા માટે પો.ઓ. એટીએમ મશીનો પો.ઓ.માં મૂકે જેથી ગ્રાહકો તેના નાણાંનો ઉપાડ કે મૂકવાનો વ્યવહાર મશીનથી કરી લે તો સ્ટાફનું બર્ડન (બોજ) મર્યાદિત થતાં અન્ય ગ્રાહકોની પણ સુવિધા જળવાયેલી રહે. વળી હમણાં કેટલીક પોસ્ટ ઓફિસમાં સમયમાં ફેરફાર થયો છે પરંતુ જુના લખેલ સમયનું બોર્ડ યથાવત્ છે. બીજી જગ્યાએ  સમયના ફેરફારનું સ્ટીકર લગાડ્યું છે. પણ મુખ્ય જૂનું બોર્ડ યથાવત્ હોવાથી ગ્રાહકો ગેરમાર્ગે દોરવાય છે. એજન્ટો માટે જુદો સમય કે જુદી બારીની વ્યવસ્થા થાય, સિનીયર સિટીઝનોના કામને પ્રાથમિકતા આપવામાં આવે, દરેક કામમાં એજન્ટ રાજ દૂર કરવામાં આવે તે સમયની માંગ છે.
સુરત     – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બોર્ડની પરીક્ષા અને તણાવ
વિદ્યાર્થી નવમા ધોરણમાં પ્રવેશે એટલે દસમા ધોરણની બોર્ડની પરીક્ષાનું ટેન્શન શરૂ, બાળકો અને વાલીઓની પરીક્ષાલક્ષી ઝુંબેશ શરૂ થઈ જાય છે. વાલીઓ પણ પરીક્ષા બાળકોના હરવા ફરવા, પિકચર અને ટી.વી. જોવામાં પ્રતિબંધ કરે. મેરેજ ફંકશનમાં જવાનું પણ બંધ. જાણે વિદ્યાર્થીએ દસમાની બોર્ડની પરીક્ષા આપવી કોઇ ગુનો હોય. આ વયનાં બાળકો એકદમ તરુણ વયનાં હોય છે. આ જ ઉંમરમાં શારીરિક બદલાવ આવે છે અને એમાં આટલું બધું પરીક્ષાનું ટેન્શન? બાળકોને ડ્રીપેશન, અનિદ્રા અને આત્મહત્યા તરફ દોરી જાય છે.

આ સમયે ઘરમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરવું જોઇએ. તેને બદલે પરીક્ષાની ટકટક. દસમા ધોરણની પરીક્ષાને બોર્ડમાંથી બહાર કરી સ્કૂલના સામાન્ય પ્રવાહમાં સ્થાન આપવું જોઇએ. બીજા કોઇ દેશમાં પરીક્ષાલક્ષી આટલું ટેન્શન ચિંતાગ્રસ્ત વાતાવરણ જોવા નથી મળતું. તો આપણા દેશમાં બોર્ડની પરીક્ષાનું આવું તણાવભર્યું વાતાવરણ શા માટે. શિક્ષણ નીતિને બદલીને ફકત 12મા ધોરણમાં જ બોર્ડની પરીક્ષાને પ્રાધાન્ય આપવું જોઇએ. સામાન્ય પ્રવાહમાં દસમા ધોરણની પરીક્ષાને ગણતરીમાં લેવી જોઇએ.
સુરત     – તુષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top