Columns

પ્રશ્નોના પથરા ભાંગી નાખો

એક મોટા શેઠ નામ લાલા હરદયાલ, અતિ શ્રીમંત અને અનુભવી..નગરમાં પાંચમાં પુછાય તેવી શાખ.તેમને એક વિચિત્ર આદત હતી.વેપારનો સોદો કરવા વેપારી આવ્યા હોય, ગ્રાહક હોય, કોઈ સામાજિક સંસ્થાના કાર્યકરો મળવા આવ્યા હોય…તેઓ વાતો કરતાં કરતાં ગમે ત્યારે અચાનક ઉભા થઈને કયાંક ચાલ્યા જાય અને થોડીવારે પાછા આવે.તેઓ કયાં જાય છે ?શું કામ આમ અચાનક જાય છે ?ત્યાં જઈને શું કરે છે?

આવા પ્રશ્નો બધાના મનમાં થાય પણ કોઈ પાસે તેનો જવાબ ન હતો પણ એક વાત હતી જયારે લાલાજી થોડીવારમાં પાછા આવી જાય ત્યારે વધારે ખુશ અને હળવાફૂલ લાગે. એક દિવસ લાલાજી પોતાના મિત્રોની મહેફિલમાં બેઠા હતા.બધા અલક મલકની વાતો કરતા હતા. કોઈ એક મુદ્દા પર ચર્ચા કરતા કરતાં મિત્રોમાં બે ભાગ પડી ગયા અને ચર્ચા ઉગ્ર બની ગઈ.અને અચાનક લાલા હરદયાલ ઉભા થઈને ચાલ્યા ગયા.કયાં ગયા શું ખબર??? જે મુદ્દા પર ચર્ચા થતી હતી તે તો બાજુપર રહી ગઈ.લાલજી ઘણી વખત આમ કઈ કીધા વિના વાત કરતાં કરતાં, સોદો કરતા કરતાં કે પછી ક્યારેક જમતા જમતાં પણ ઉભા થઈને ચાલ્યા જાય છે.

તેની મિત્રોને ખબર હતી પણ કારણ કોઈ જાણતું ન હતું.બધા એકબીજાને પૂછી રહ્યા કે તેઓ આવું વિચિત્ર વર્તન શું કામ કરે છે? થોડીવારમાં હસતા હસતા લાલાજી આવ્યા,લાલાજીના ખાસ મિત્રે આજે પૂછી જ લીધું કે ‘આ શું રીત છે દર વખતે ગમે ત્યારે ઉઠીને તું કયાં ચાલ્યો જાય છે??’લાલાજીએ કહ્યું, ‘હું જયારે જયારે આમ ઉઠીને જાઉં છું ત્યારે પથરા ભાંગવા જાઉં છું??’મિત્રે કહ્યું, ‘તારે વળી શેના પથરા ભાંગવાના હોય ???’લાલાજી બોલ્યા, ‘પ્રશ્નોના પથરા, જયારે મારા મનમાં કોઈ પ્રશ્ન જાગે હું ત્યારે ને ત્યારે એકાંતમાં જાઉં છું અને આંખ બંધ કરી તેના પર વિચાર કરું છું અને તેનો ઉકેલ શોધી પ્રશ્નનો ભાંગીને ભૂકો કરી નાખું છું.’

મિત્ર બોલ્યા, ‘એમ તરત કરવાની શું જરૂર ઉકેલ તો પછી પણ શોધી શકાય.’લાલાજી બોલ્યા, ‘ના, બધા આ જ ભૂલ કરે છે, જે પ્રશ્ન સતાવે તેનાથી દુર ભાગે વિચારે પછી ઉકેલ શોધશું.પણ તેમ ન કરાય પ્રશ્નોને પથ્થર બનીને ક્યારેય તમરા પગ પર પડવા ન દેશો.જો તમે પ્રશ્નને ઉકેલ્યા વિના છોડશો તો તે ગમે ત્યારે તમારા પર પડશે અને તમને નુકસાન પહોંચાડશે.પ્રશ્નોનો ભાર રાખવા કરતા કોઈપણ પ્રશ્ન આપણી સામે આવે ત્યારે તેને તરત જ આપણી બુદ્ધિ,અને શક્તિથી ઉકેલી નાખવો જોઈએ.’લાલાજીએ પોતાનું ઉભા થઈને જવાના રહસ્ય સાથે જીવનમાં એક જરૂરી પાઠ સમજાવ્યો.

Most Popular

To Top